ઋષિ વિશ્વામિત્રની નદી થઈ મેલી, આખા વડોદરાની વચ્ચેથી વહે છે પ્રદૂષિત નદી
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને પ્રદુષિત કરી રહેલા વડોદરા કોર્પોરેશન સામે GPCB આકરા પાણીએ થયું છે. વડોદરા કોર્પોરેશન દૂષિત પાણી ઠાલવવાનું અટકાવે નહિ તો કાયદાકીય પગલા લેવા જીપીસીબીએ વડોદરા કોર્પોરેશનને નોટિસ ફટકારી છે.
જયંતિ સોલંકી/વડોદરા :વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને પ્રદુષિત કરી રહેલા વડોદરા કોર્પોરેશન સામે GPCB આકરા પાણીએ થયું છે. વડોદરા કોર્પોરેશન દૂષિત પાણી ઠાલવવાનું અટકાવે નહિ તો કાયદાકીય પગલા લેવા જીપીસીબીએ વડોદરા કોર્પોરેશનને નોટિસ ફટકારી છે.
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વડોદરા કોર્પોરેશન gpcb અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનુ ઉલ્લંઘન કરીને નદીમાં સુએજનું ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી અને ડ્રેનેજનું પાણી ઠાલવી રહ્યું છે. કોર્પોરેશનના 9 એસટીપી પ્લાન્ટમાંથી સાત પ્લાન્ટ ક્ષતિયુક્ત છે, તેમ છતાંય તેનું પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે. જે જીપીસીબીની તપાસમાં ખુલાસો થયો હતો. ત્યારબાદ હવે જીપીસીબીએ વડોદરા કોર્પોરેશનને નોટિસ ફટકારી છે અને વિશ્વામિત્રીને પ્રદુષિત થતી અટકાવવાની જો કાર્યવાહી નહીં કરાય તો gpcb કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરશે એવું નોટિસમાં જણાવવામાં આવ્યુ છે. જોકે વડોદરા કોર્પોરેશનની ઉદાસીનતાના કારણે આજે પણ ટ્રીટમેન્ટ કર્યા વગરનું સૂએઝનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે જે કોર્પોરેશનની ગંભીર પ્રકારની બેદરકારી દેખાઈ રહી છે.
આ પણ વાંચો : બસ હવે ગુજરાતમાં કોરોનાનું નામોનિશાન મટી જશે, 18 જિલ્લા કોરોનામુક્ત થયા
વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજના અને એસ.ટી.પીના અનટ્રીટેડ દૂષિત પાણી છોડાતા નદી દૂષિત થઈ છે. આ મામલે 15 દિવસમાં સ્પષ્ટતા કરવા કોર્પોરેશનને જીપીસીબીએ આદેશ કર્યો છે. જો દૂષિત પાણી અટકાવવામાં નહીં આવે તો જવાબદાર અધિકારીઓ સામે ફોઝદારી કાર્યવાહી થશે. જેમાં દંડ સાથે દોઢ થી 6 વર્ષ ની સજા થઈ શકે છે. હાલ વડોદરા કોર્પોરેશનના 9 માંથી 7 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિયમ મુજબ કાર્ય કરતા નથી. નિષ્ફળ તમામ પ્લાન્ટ માટે દરેકની 1-1 લાખ એક વર્ષ માટેની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો છે. ત્યારે હવે વડોદરા કોર્પોરેશન સામે ગાળિયો કસાયો છે. આ બાબતે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડોદરા કોર્પોરેશનના નવમાંથી એક જ એસટી પ્લાન્ટ બંધ છે. જેનું યોગ્ય રીતે સમારકામ કરાવીશું અને 18 જગ્યાએ સુએઝનું પાણી ઠાલવવામાં આવે છે તે પણ બંધ કરીશું. આ ઉપરાંત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો આદેશનું પાલન કરીશું અને જીપીસીબીની નોટિસ અને કાર્યવાહીમાં સહયોગ કરીશું.
વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં સુએઝના ટ્રીટમેન્ટ કર્યા વગરના પાણી નદીને દૂષિત કરી રહ્યા છે અને કોર્પોરેશનની ઉદાસીનતાના કારણે એનજીટી તેમજ સુપ્રિમ કોર્ટના આ દેશનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. ત્યારે વડોદરા કોર્પોરેશનના શાસકો વર્ષોથી વિશ્વામિત્રી રિવરફ્રન્ટની વાતો કરે છે, પરંતુ દૂષિત વિશ્વામિત્રી નદીને શુદ્ધ પણ કરી શક્યા નથી. હવે જોવું એ રહ્યું કે જીપીસીબીના આકરા તેવર પછી વડોદરા કોર્પોરેશન શું શીખ લે છે.