બસ હવે ગુજરાતમાં કોરોનાનું નામોનિશાન મટી જશે, 18 જિલ્લા કોરોનામુક્ત થયા
gujarat corona update : ત્રીજી લહેરમાં ગુજરાત કોરોના સામે આક્રમક બનીને લડ્યુ છે. ગુજરાતમાં હવે કોરોના બાય બાય કહેવાના કગાર પર આવીને ઉભો થયો છે
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :પહેલી અને બીજી લહેરમાં ભલે ગુજરાત લડવામાં થોડુ હાંફી ગયુ હોય, પણ ત્રીજી લહેરમાં ગુજરાત કોરોના સામે આક્રમક બનીને લડ્યુ છે. ગુજરાતમાં હવે કોરોના બાય બાય કહેવાના કગાર પર આવીને ઉભો થયો છે. બસ હવે કોરોનાનું ગુજરાતમાથી નામોનિશાન મટી જશે. ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના માત્ર 17 જ કેસ નોંધાયા હતા. આ 17 કેસ ગુજરાતના માત્ર પાંચ શહેરોમાં નોંધાયા છે. એટલે કે બાકીના જિલ્લામાંથી કોરોનાનો સફાયો થયો છે. હાલ રાજ્યના 18 જિલ્લા એવા છે, જે કોરોના મુક્ત થયા છે.
ગુજરાતમાં ગઈકાલે 17 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 2-2 કેસ, બનાસકાંઠા, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં હાલ 276 એક્ટિવ કેસ છે.
ક્યાં એક્ટિવ કેસ 0 થયા
અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, મહીસાગર, મેહસાણા, મોરબી, નર્મદા, નવસારી, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર
અન્ય કેસોની વાત કરી એ તો, અમદાવાદ જિલ્લામાં 1, અરવલ્લી 1, બનાસકાંઠા અને ડાંગમાં 1 કેસ છે. તો દાહોદ, જામનગર શહેર અને વલસાડમાં 2-2 કેસ છે. છોટાઉદેપુર અને તાપીમાં 3-3 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત કચ્છમાં 5, ગાંધીનગર શહેર 6, પંચમહાલ 8, જામનગર 9, રાજકોટ 10, વડોદરા જિલ્લામાં 14, સુરત જિલ્લો 18, રાજકોટ 18, સુરત શહેરમાં 21, વડોદરા શહેરમાં 45,ગાંધીનગર જિલ્લામાં 46, અમદાવાદ શહેરમાં 60 એક્ટિવ કેસ છે.
કોરોના મહામારીના સમયમાં ગુજરાત સરકારની કામગીરી
ડિસેમ્બર, 2019ના અંતિમ દિવસોમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનના વુહાનથી ફેલાયેલા કોવિડ-19 વાયરસને મહામારી ગણાવ્યો એ સાથે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ગુજરાત સરકારે આવશ્યક પગલાંઓ લેવાની શરૂઆત કરી દીધી હતી. જેને લીધે સળંગ બે વર્ષ દરમિયાન ત્રણ વખત આવેલી કોરોનાની લહેર છતાં રાજ્ય સરકાર ગુજરાતીઓને સંક્રમણમુક્ત રાખવામાં સફળ રહી છે. 2020 ના માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો એ સાથે ગુજરાત સરકારે રાજ્યના તબીબી નિષ્ણાતોની કોવિડ ટાસ્ક ફોર્સ બનાવી લીધી હતી. આ ટીમના માર્ગદર્શન મુજબ રાજ્યભરમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ એન્ડ ટ્રીટમેન્ટ એમ 3 Tનો પ્લાન ચુસ્તપણે અમલમાં મૂકી દીધો હતો. એ માટે અમદાવાદ સહિત પ્રત્યેક મહાનગરોમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેર સ્થાનો પર ટેસ્ટિંગ ડોમ શરૂ કરી દેવાયા હતા. કોરોનાની બીજી લહેર દરમિયાન કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટે શ્વસનતંત્ર પર ઝડપભેર ગંભીર અસર પહોંચાડવા માંડી અને સંક્રમણનું પ્રમાણ છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું ત્યારે ગુજરાત સરકારની આરોગ્ય સુવિધાઓ સામે ભારે મોટો પડકાર ઊભો થયો હતો. જોકે પ્રથમ લહેર વખતે જ સતર્ક થઈને રાજ્ય સરકારે જનરલ હોસ્પિટલથી માંડીને CHC, PHCને અદ્યતન કરવા માટે રૂ. 152 કરોડની ફાળવણી કરી હતી. જે અંતર્ગત ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર જેવા આવશ્યક સંસાધનો, દવાઓ, ઈંજેક્શનોની આપૂર્તિ કરી દેવામાં આવી હતી. બબ્બે લહેરનો સામનો કર્યા પછી રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે ત્રીજી લહેર પહેલાં જ રાજ્યભરની હોસ્પિટલોને અદ્યતન બનાવી દીધી હતી. વાઈરસનું હવે પછીનું મ્યુટેશન બાળકો માટે ગંભીર હોઈ શકે છે એવી વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીને પૂરી ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે નિષ્ણાત પીડિયાટ્રિશિયનને કોવિડ ટાસ્ક ફોર્સમાં સામેલ કર્યા હતા અને તેમની મારફત રાજ્યની આરોગ્ય સેવાઓનું પુનઃ મૂલ્યાંકન કરાવીને ખૂટતી સેવાઓ, સંસાધનોની આપૂર્તિ કરી હતી. બીજી લહેરમાં ઓક્સિજનની તંગી સર્જાઈ હતી એવું ન થાય એ માટે રાજ્યમાં ચાર નવા ઓક્સિજન પ્લાન્ટની શરૂઆત કરી દેવાઈ હતી. દવાઓ, ઈંજેક્શનનો સ્ટોક પૂરતો કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે ઓમિક્રોન તરીકે ઓળખાયેલો કોવિડ-19નો નવો વેરિયન્ટ ગુજરાતમાં પ્રસર્યો ત્યારે પૂરી સતર્કતાથી સંક્રમણનો સામનો કરી શકાયો હતો. સમયસર ટેસ્ટિંગ અને ઝડપભેર સઘન સારવાર પૂરી પાડીને રાજ્ય સરકાર ત્રીજી લહેર દરમિયાન મૃત્યુઆંકને નહિવત્ત રાખવામાં સફળ નીવડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે