Gujarat Elections 2022 નવનીત દલવાડી/ભાવનગર :કોંગ્રેસ દ્વારા આજે જાહેર કરાયેલી ચોથી યાદીમાં ભાવનગર ગ્રામ્ય અને ભાવનગર પૂર્વના ઉમેદવાર જાહેર કરાયા છે. ભાવનગર ગ્રામ્ય બેઠકમાં રેવતસિંહ ગોહિલને ઉમેદવાર જાહેર કર્યા છે, તો ભાવનગર પૂર્વ બેઠક પરથી બળદેવ સોલંકીનું નામ જાહેર કરાયું છે. ત્યારે ભાજપ માટે હોટસીટ ગણાતી આ બેઠક પર હવે કાંટાની ટક્કર સર્જાશે. કારણ કે, ભાજપ માટે પણ આ બંને બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવાનું કોકડું ગૂંચવાયુ હતું. ભારે ચર્ચાવિચારણા બાદ ભાજપે નામ જાહેર કર્યા હતા. ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપમાંથી પરસોત્તમ સોલંકી ચુંટણી લડી રહ્યા છે. તો ભાવનગર પૂર્વમાં સેજલબેન પંડ્યાનું નામ ભાજપે જાહેર કર્યું છે. ત્યારે કેવો રસાકસીભર્યો જંગ રહેશે તે તો સમય જ બતાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેવતસિંહ ગોહિલ વર્સિસ પરસોત્તમ સોલંકી
ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસે રેવતસિંહ ગોહિલની પસંદગી કરી છે. રેવતસિંહ ગોહિલ કોંગ્રેસના પાયાના કાર્યકર અને ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ છે. સાથે જ તેઓ ભાવનગર ક્ષત્રિય સમાજમાં પણ ભારે પ્રભુત્વ ધરાવે છે. રેવતસિંહના નામ પર કોંગ્રેસે મહોર મારતા હવે ભાજપના કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી અને રેવતસિંહ વચ્ચે જંગ જામશે. જોકે છેલ્લી પાંચ ટર્મથી ભાવનગર ગ્રામ્ય બેઠક ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ત્યારે 2022 માં તખતો પલટાશે કે પછી પુનરાવર્તન થશે તે તો મતદારો જ નક્કી કરશે.  


આ પણ વાંચો : કોણ છે ભાજપના સૌથી યુવા ઉમેદવાર? હાર્દિક કે રીવાબા કે પછી પાયલ કુકરાણી?


બળદેવ સોલંકી વર્સિસ સેજલ પંડ્યા 
બીજી તરફ ભાવનગર પૂર્વ બેઠક પર કોંગ્રેસે બળદેવ સોલંકીના નામ પર મહોર લગાવી છે. બળદેવ સોલંકી જિલ્લા પંચાયતના સદસ્ય છે. સાથે જ કોળી સમાજના યુવા નેતા છે. તેની સામે ભાજપ દ્વારા ભાવનગર પૂર્વ બેઠક પર નવો જ ચેહરો ઉતાર્યો છે. જેમાં સેજલબેન પંડ્યા, કે જેઓ ભાજપના કાર્યકર હોવાની સાથે સાથે ભાવનગર શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યાના પત્ની છે. ભાજપ વર્ષોથી આ પૂર્વ બેઠક પર સવર્ણ ઉમેદવાર અને તેમાં ખાસ બ્રહ્મ સમાજના ઉમેદવારને મેદાને ઉતારે છે. જ્યારે કોંગ્રેસે ગત વર્ષની માફક ફરી કોળી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.



વિભાવરી દવેની પત્તુ ભાજપે કાપ્યું 
મહત્વનું છે કે, ભાવનગર પૂર્વ બેઠક પરથી પૂર્વ મંત્રી અને સિટીંગ ધારાસભ્ય વિભાવરીબેન દવેની ટિકીટ કાપીને સેજલ પંડ્યાને ટિકીટ આપવામાં આવી છે. ભાજપ માટે ભાવનગરમાં પૂર્વ વિધાનસભા બેઠકનું કોકડું લાંબા સમયથી ગૂંચવાયેલુ હતું. ભાવનગર પૂર્વ પર વિભાવરીબેન દવે ધારાસભ્ય હતા. પરંતું સ્થાનિક સ્તરે તેમનો વિરોધ તીવ્ર હતો. આ બેઠક ભાજપનો ગઢ કહેવાય છે. તેથી ભાજપ આ બેઠક પર સ્વચ્છ, બિનરાજકીય અને પ્રતિભાશાળી વ્યક્તિને લાવવા ઈચ્છતુ. જેમાં આંબેડકર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.અમી ઉપાધ્યાય, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય પદાધિકારી પરેશ ત્રિવેદી સહિતના નામો ચર્ચાઈ ચૂક્યા હતા. પરંતુ કોઈના નામ સાથે એકમતી સધાતી નથી. જેના બાદ ભાજપના મોટા નેતાઓ દ્વારા બ્રહ્મ સમાજની બે મહિલાઓના નામની ભલામણ કરાઈ હતી. જેમાં ધર્મિષ્ઠાબેન દવે અને સેજલબેન પંડ્યાના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ધર્મિષ્ઠાબેન દવે સાંસદ માંડવિયાના પીએના પત્ની છે, તો સેજલબેન પંડ્યા ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યાના પત્ની છે. તેથી સેજલબેન પંડ્યા પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. વિભાવરીબેન દવેએ પણ સેજલબેન પંડ્યાના નામ પર સહમતી દર્શાવી હોવાનું કહેવાય છે.