કોણ છે ભાજપના સૌથી યુવા ઉમેદવાર? હાર્દિક કે રીવાબા કે પછી પાયલ કુકરાણી?
Gujarat Elections : યુવા મતદારોને આકર્ષવા ભાજપે અનેક યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે સૌથી વધુ યુવા ચહેરો કયો છે તે જાણી લો
Trending Photos
Gujarat Election 2022 :ગુજરાત વિધાનાસભાની ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારોનું લિસ્ટ ધીરે ધીરે જાહેર કરી રહ્યું છે. અત્યાર સુધી કુલ 166 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં પ્રથમ તબક્કા માટે ભાજપના તમામ 89 ઉમેદવાર જાહેર થયા છે. તો બીજા તબક્કાના 77 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જોકે, બીજા તબક્કા માટે ભાજપના 16 ઉમેદવાર બાકી છે. ત્યારે મોટાભાગે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અનેક ઉમેદવારોએ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરી દીધું છે. તો કેટલાકે પ્રચાર શરૂ કરી દીધો છે. આ વચ્ચે ભાજપના ઉમેદવારોની માહિતી સામે આવી છે. ઉમેદવારોની ઉંમરથી લઈને તેમની મિલકત અને અન્ય માહિતીઓ જાહેર થઈ રહી છે. ત્યારે સૌ જાણવા ઈચ્છે છે કે ભાજપના સૌથી યુવા ઉમેદવાર કોણ છે. આ માટે લોકોને હાર્દિક પટેલ અને ડો.પાયલ કુકરાણી વચ્ચે મતભેદ છે કે, કોણ સૌથી નાનું છે, ત્યારે આ સવાલનો જવાબ જણાવી દઈએ.
ભાજપે 30 વર્ષીય ડો.પાયલ કુકરાણીને નરોડા બેઠકથી ટિકિટ આપી છે. ડો.પાયલ અસારવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમણે રશિયામાંથી એમડી મેડિસિનની ડિગ્રી લીધેલી છે. જોકે, ડો.પાયલ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જોકે, તેઓ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડશે. ડો.પાયલના માતા રેશમા કુકરાણી અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર છે. જોકે, તેમના પિતા મનોજ કુકરાણી નરોડા પાટિયા હત્યાકાંડમાં આજીવન કેદની સજા મેળવી ચૂક્યા છે. પાયલ ભાજપમાં સૌથી નાની ઉમરના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર કહેવાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલ સૌથી નાની ઉંમરના યુવા ઉમેદવાર છે.
વિરમગામથી ભાજપ માટે મેદાને આવનાર હાર્દિક પટેલ સૌથી નાની વયના ઉમેદવાર છે. તેમની ઉંમર 29 વર્ષ છે. જોકે, બંને ઉમેદવારોનો ભાજપના યુવા ચહેરા તરીકેના લિસ્ટમાં સમાવેશ થાય છે. તો પાર્ટીના અન્ય ચર્ચિત યુવા ચહેરાની વાત કરીએ તો રીવાબા આ લિસ્ટમાં આવે છે. જેમની ઉમર 32 વર્ષ છે. તો ખેડાના ઉમેદવાર રાજેશ કુમાર ઝાલાની ઉમર 33 વર્ષ અને ગાંધીધામના ઉમેદવાર માલતી મહેશ્વરની ઉમર 34 વર્ષ છે. આમ, ભાજપના પાંચેય યુવા ચહેરાની ઉંમર 29 થી 35 વર્ષ વચ્ચેની છે. જે યુવા મતદારોને આકર્ષી શકે છે.
તો બીજી તરફ, સૌથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારની વાત કરીએ તો તેમાં બાબુ પટેલ, માનસિંહ ચૌહાણ, જેઠાભાઈ ભરવાડ, કનુ દેસાઈ અને રમણલાલ પાટકરનો સમાવેશ થાય છે.
બાબુ પટેલ, દસક્રોઈ - 74 વર્ષ
માનસિંહ ચૌહાણ, બાલાસિનોર - 72 વર્ષ
જેઠાભાઈ ભરવાડ, પંચમહાલ - 72 વર્ષ
કનુ દેસાઈ, પારડી - 71 વર્ષ
રમણલાલ પાટકર, ઉમરગામ - 70 વર્ષ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે