ભાજપે પેટાચૂંટણીમાં 7 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યાં, જુઓ કોને મળી ટિકિટ
અબડાસા, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડાના ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે. ત્યારે જોઈ લો, કઈ બેઠક પર કયા ઉમેદવારને ટિકીટની લ્હાણી થઈ
ઝી મીડિયા/બ્યૂરો :3 નવેમ્બરે ગુજરાતમાં 8 બેઠકો માટે પેટાચૂંટણી (byelection) યોજાવાની છે. ત્યારે ભાજપે (BJP) 8 માંથી 7 બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. ત્યારે મોટાભાગની બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. અબડાસા, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડાના ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે. માત્ર લીમડી બેઠક પર ઉમેદવારની જાહેરાત હજી થઈ નથી. ત્યારે જોઈ લો, કઈ બેઠક પર કયા ઉમેદવારને ટિકીટની લ્હાણી થઈ છે.
- અબડાસા - પ્રદ્યુમનસિંહ જાડેજા
- મોરબી - બ્રિજેશ મેરજા
- ધારી - જેવી કાકડિયા
- ગઢડા - આત્મરામ પરમાર
- કરજણ - અક્ષય પટેલ
- ડાંગ - વિજય પટેલ
- કપરાડા - જીતુ ચૌધરી
આ પણ વાંચો : વાંદરાની આ તસવીર માટે ફેમસ ઉદ્યોગપતિએ રાખ્યું ઈનામ, જીતનારને મળશે કાર
લીમડી બેઠકના નામની જાહેરાત બાકી
3 નવેમ્બરે પેટાચૂંટણી થવાની છે ત્યારે એક બેઠક સિવાય 7 બેઠકના ઉમેદવારના નામ જાહેર કરાયા છે. આ તમામ ઉમેદવારો આવતીકાલે અથવા એક દિવસ બાદ ફોર્મ ભરવા જશે તેવુ સૂત્રોનુ કહેવું છે. જોકે, લીમડી બેઠક પર હજી સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. લીમડી પર કિરીટસિંહ રાણાનુ નામ ચર્ચામાં છે, પરંતુ હજી સુધી કોઈ જાહેરાત આ બેઠક માટે કરાઈ નથી.
આ પણ વાંચો : કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું ફેક એકાઉન્ટ બન્યું, શખ્સે માંગ્યા લોકો પાસેથી રૂપિયા
કોંગ્રેસના આયાતી 5 ધારાસભ્યોને ટિકિટ આપી
અબાડાસા, કરજણ, ધારી, મોરબી, કપરાડા કોંગ્રેસથી આવેલા ઉમેદવારને ટિકીટ અપાઈ છે. ત્યારે ભાજપ માટે આ તમામ બેઠકો પર જીત મેળવવી કપરી બની રહેશે. એક તરફ કોંગ્રેસ છોડીને ભાજપ આવેલા ધારાસભ્યો છે. તેઓએ પ્રજા સાથે દ્રોહ કર્યો છે. તો બીજી તરફ પ્રજા માટે પણ અસમજંસ છે કે, કોને મત આપે. પાંચ બેઠકો પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. તેઓને ખભે બેસાડીને હવે જીતાડવા પડશે. આયાતી ઉમેદવારોને જીતાવવા માટે હવે ભાજપના કાર્યકર્તાઓને મહેનત કરવી પડશે. અનેક બેઠકો પર ભાજપમાં આંતરિક અસંતોષ છે. કાર્યકર્તાઓમાં નારાજગી છે. કારણ કે, જે ધારાસભ્યો સામે તેઓ ગત ચૂંટણીમાં લડ્યા હતા, તેઓને જીતાવવા હવે મહેનત કરવાની છે. તેમના માટે પ્રચાર કરવાનો છે, તે એક કપરી પરિસ્થિતિ છે.
આ પણ વાંચો : ટ્યુશન ક્લાસ શરૂ કરવાની માંગ સાથે સંચાલકો ઉતર્યા રસ્તા પર
ભાજપ માટે જીત કપરી બની રહેશે
ભાજપનુ કહેવુ છે કે, તે તમામ 8 બેઠકો પર જીત મેળવશે. પરંતુ સરવે તો કંઈ અલગ જ કહે છે. બે અલગ અલગ સરવે મુજબ, ચાર બેઠકો પર ભાજપ હારશે તેવું કહેવાય છે. પરંતુ બીજી તરફ ભાજપ મોવડીઓ દાવો કરે છે કે, આઠ બેઠકો અમે જીતીશું. પણ ભાજપ માટે તમામ બેઠક જીતવી સહેલી નથી. સીઆર પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂંક થયા બાદ આ તેમની પ્રથમ ચૂંટણી છે. આ ચૂંટણી રસપ્રદ બની રહેશે. ડાંગ અને કપરાડા બેઠકને જીતવી ભાજપ માટે શક્ય છે, કારણ કે, પાટીલ દક્ષિણ ગુજરાતમાથી આવે છે. તેથી આ બંને બેઠક જીતાડવા પૂરુ જોર લગાવશે. પરંતુ ધારીમાં જેવી કાકડિયા સામે આંતરિક અસંતોષ છે, અહી ભાજપના કાર્યકર્તા જેવી કાકડિયાથી નારાજ છે, પણ ત્યાં ભાજપ માટે અન્ય કોઈ વિકલ્પ નથી. તેથી જેવી કાકડિયાને ટિકિટ અપાઈ. કાર્યકર્તાઓનએ દિલીપ સંઘાણી માટે માંગ કરી હતી. પરંતુ જેવી કાકડિયાની લોટરી લાગી છે. આમ, અનેક બેઠકો પર સ્થાનિક કાર્યકર્તાઓની નારાજગી છે. આવામાં ભાજપ જે પણ બેઠક જીતે તે મોટો નફો જ છે.