ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો શંંખનાદ થઈ ચૂક્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી પણ કરી લીધી છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્યારે દહેગામ બેઠક આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. ભાજપે 2017માં જંગી બહુમતી સાથે જીત અપાવનારા બલરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસ કામિનીબાની ટિકિટ કાપી આ વખતે દહેગામ બેઠક પર વખતસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પોતાનો પગપેસારો કરવા દહેગામ બેઠક પર આમ આદમી પાર્ટીએ સુહાગ  પંચાલને મેદાને ઉતાર્યા છે. ત્યારે આ વખતે દહેગામનો ચૂંટણી જંગ ખુબ જ રસપ્રદ બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દહેગામ બેઠક કોને ફળશે?
વર્ષ 2017ની ચૂંટણીમાં દહેગામ વિધાનસભામાં 50.88 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણની જીત થઈ હતી. જેમની સામે કોંગ્રેસના ઉમેદવાર કામિનીબા રાઠોડની હાર થઈ હતી. જ્યારે વર્ષ 2012માં કોગ્રેસના ઉમેદવાર કામીનીબા રાઠોડ જીત્યા હતા. તેમણે ભાજપના ઉમેદવાર રોહિતજી ઠાકોરની હરાવ્યા હતા. કામિનીબાએ 61,043 વોટ મેળવ્યા હતા અને ભાજપના ઉમેદવારે 58,746 વોટ મેળવ્યા હતા. 


દહેગામના રોચક સમીકરણોઃ
2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ દહેગામ બેઠક પર કુલ 2 લાખ 68 હજાર 562 વસ્તીમાંથી 84.13 ટકા ગ્રામીણ અને 15.87 ટકા શહેરી વસતી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી કુલ વસ્તીના 4.24 અને 0.97 ટકા છે.  દહેગામ વિધાનસભા મતવિસ્તારમાં 286 મતદાન મથક અને 54 ગ્રામપંચાયત છે. આવી સ્થિતિમાં આગામી વિધાનસભા ચૂંટણી સમયે 70 ટકા મતદાન થાય તો પણ આશરે 1.45 લાખ જેટલા મત પડ્યા કહેવાય. અહીં ચૂંટણી જીતવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 75 હજાર જેટલા મત મેળવવા પડે. 


દહેગામમાં જ્ઞાતિ-જાતિનું ગણિતઃ
દહેગામ વિધાનસભા બેઠકમાં ઠાકોર સમાજની એક લાખ જેટલી વસ્તી છે. દહેગામ બેઠક પર ઠાકોર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. દહેગામમાં સાત પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં અમરાજીના મુવાડામાં 25,317 કુલ મતદારોમાં સૌથી વધુ ઠાકોર મતદારો છે. તેમના 14 હજાર મત છે. તો પાટીદાર 2 હજાર, અનુસુચિત જાતીના એક હજાર વોટ છે. બહિયલમાં 12 હજાર ઠાકોર, 36 હજાર મુસ્લિમ, બે હજાર પાટીદાર અને અનુસુચિત જાતિના એક હજાર મત છે. હાલિસામાં 12 હજાર ઠાકોર, પાટીદાર 2 હજાર મત, મુસ્લીમના 2 હજાર મત છે. તો હરખજીના મુવાડામાં 16 હજાર ઠાકોર, પટેલ 15 હજાર, અનુસુચિત જાતીના 800 મત છે. કડજોદરામાં 18 હજારથી વધુ મતદારો ઠાકોર, 2 હજાર પટેલ સમાજના લોકો છે. રખિયાલમાં ઠાકોર જ્ઞાતિના 12 હજાર મતો, પટેલના 3 હજાર મત છે. 


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube