ગુજરાતની ચૂંટણીના ધમધમાટ વચ્ચે આજના 5 મોટા અપડેટ, વધુ એક નેતા કોંગ્રેસ છોડશે
Gujarat Elections : ગુજરાતના આજના અપડેટ જાણવાનું ચૂકી ગયા છો, તો આ આર્ટિકલમાં વાંચો 5 મહત્વના સમાચાર
ગાંધીનગર :ગુજરાતમાં ચૂંટણીનો રંગ દિવસેને દિવસે ઘેરાતો જાય છે. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકારણના રંગ દેખાઈ રહ્યાં છે. દરેક પાર્ટીમાં રોજ ઉથલપાથલ સર્જાઈ રહી છે. રાજકારણમાં સામ દામ દંડ ભેદ બધુ જ ચાલે છે. આવામાં આજે મંગળવારે ગુજરાતની રાજકારણમાં કેવી કેવી મોટી હલચલ થઈ તે જાણી લો. એક આર્ટિકલમાં વાંચો ગુજરાતની રાજનીતિના આજના પાંચ મોટા કિસ્સા.
સમાચાર - 1
કોંગ્રેસ MLA મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા છે. મોહનસિંહ રાઠવાએ કેસરિયા ખેસ ધારણ કર્યો છે. ચુંટણી અગાઉ કોંગ્રસમાં મોટી ઊથલપાથલ સર્જાઇ છે અને કોંગ્રેસના કદાવર નેતા ગણાતા ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કમલમ ખાતે પોતાના સમર્થકો સાથે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો. ભાજપ નેતા દિલીપ સંઘાણી, પ્રદીપસિંહ વાઘેલા સહીતના ભાજપના નેતાઑએ તેમને કેસરીયો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.મોહન રાઠવાએ જણાવ્યું હતું કે કમલમમાં આવવાનો મોકો મળ્યો અને ભાજપમાં જોડાવું મારુ સૌભાગ્ય છે. કોંગ્રેસમાં ઘણા વર્ષો કામ કર્યું પણ સમય સમય બળવાન હોવાનું જણાવી મોહન રાઠવાએ કહ્યું હતું કે, આગામી સમયમાં વિકાસના કામો સાથે મળીને કરશું તેમ પણ ઉમેર્યું હતું. મોહનસિંહ રાઠવા એ કહ્યું ભાજપ 100 ટકા અમને ટિકિટ આપશે.
સમાચાર - 2
તાલાલાના કોંગ્રેસી ધારાસભ્ય કોંગ્રેસને અલવિદા કહી કેસરિયો ધારણ કરે તેવી પ્રબળ સંભાવના છે. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા એમના ફાર્મ હાઉસ ખાતે નજીકના આગેવાનોની બેઠક યોજાઈ હોવાની ચર્ચા વહેતી થઈ છે. આ બેઠકમાં જોડાયેલ તમામના ફોન સ્વીચ ઓફ આવ્યા હતા. વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ હવે આગળ શું કરવું તે અંગે ચર્ચા થઈ. કોંગ્રેસથી લાંબા સમયથી નારાજ ચાલી રહેલ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં આવે તેવી પ્રબળ સંભાવના કોંગ્રેસના આંતરિક સૂત્રો દર્શાવી રહ્યા છે. આગેવાનોની બેઠક બાદ ભગવાન બારડ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે.
સમાચાર - 3
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પક્ષની રચના થઈ છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ પોતાના પક્ષની જાહેરાત કરી છે. વણઝારાએ પ્રજા વિજય પક્ષની જાહેરાત કરી છે. જેમાં ભય અને ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દા સાથે નવો પક્ષ રચવાની જાહેરાત કરે છે. સાથે જ નવા પક્ષમાં ધાર્મિક-સામાજીક આગેવાનોને સાથે રાખવાની વાત કરાઈ છે. વણઝારાએ કહ્યું કે, નિર્ભય પ્રજા રાજ માટે નવા પક્ષની રચના કરી છે.
સમાચાર - 4
ચોટીલા બેઠક પરથી સોમા પટેલ અપક્ષમાંથી મેદાને ઉતરશે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદે ચૂંટણી લડવા ફોર્મ ઉપાડ્યું છે. પૂર્વ સાંસદ અને પૂર્વ MLA સોમા પટેલે ચૂંટણી લડવા ફોર્મ ઉપાડયું છે. સોમા પટેલે ફોર્મ ઉપાડતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
સમાચાર - 5
કોંગ્રેસના નેતાઓની પોલ ખોલવા ગુજરાત કંટ્રોલના ઈન્ચાર્જ 14 દિવસ રહીને ગયા છતાં નેતાઓ અજાણ રહ્યાં. ઇન્ચાર્જ ગુજરાતમાં રહીને ગયા હોવાનું જાણવા મળતાં સુરતના નેતાઓની પણ ઊંઘ ઊડી ગઈ છે. ગુજરાત કોંગ્રેસમાં અંદરો-અંદર ખેંચતાણ ચાલી રહી છે. આ ખેંચતાણની જાણ હવે છેક દિલ્હી સુધી થઇ છે. જેના ભાગરૂપે દિલ્હીથી સ્પેશિયલ AICC ને હવાલો સોંપાયો હતો. કોંગ્રેસના નેતાઓ નવરાત્રિમાં વ્યસ્ત હતા ત્યારે AICC ના શર્મા 14 દિવસ ગુજરાતમાં રહીને ગયા હતા.પરંતુ કોગ્રેસના દિગ્ગજ નેતાઓને ગંધ સુધ્ધાં નહોતી આવી. આ દરમિયાનમાં શર્મા ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓની પોલ તેમના પક્ષના ગદ્દારો વિશેની જાણકારી મેળવી હતી. આ તમામ વિગતોનો રિપોર્ટ નવિન શર્માએ બનાવીને હાઇકમાન્ડને સોંપી પણ દીધો છે. ત્યારે આવનારા દિવસોમાં ક્યાં નેતા પણ લટકતી તલવાર રહેશે એ જોવું રહ્યું.