ગોંડલના દાળિયા ગામમાં બોલાચાલી, SRP જવાન અને પોલીસ કાફલો ખડકી દેવાયો
ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાએ આ સમાચારને અફવા ગણાવી છે. તો બીજી તરફ રીબડાના અનિરૂદ્ધ સિંહએ બોગસ મતદાન થયું હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
જયેશ ભોજાણી, ગોંડલ: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. 19 જિલ્લામાં આવેલી 89 વિધાનસભા સીટો પર કુલ 788 ઉમેદવારની કિસ્મત દાવ પર છે. પ્રથમ તબક્કાના મતદાનને લઇને મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ઘણી જગ્યાએ ઇવીએમ ખોટવાયા છે જ્યારે ઘણી જગ્યાએ માથાકૂટના દ્વશ્યો સર્જાયા હતા. અત્યાર સુધીમાં 18.95 ટકા મતદાન થયું છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ તાપીમાં 26.47 ટકા અને સૌથી ઓછું દ્વારકામાં 15.86 ટકા નોંધાયું છે.
રાજકોટ શહેર અને જિલ્લાની આઠ વિધાનસભાની સીટો પર મતદાનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગોંડલ તાલુકાના દાળિયા ગામે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. જેને લઇને દાળીયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. રીબડા અને ગોંડલ જૂથ ના સભ્યો વચ્ચે દાળિયા ગામે બોલાચાલી થઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. દાળિયા ગામે માથાકૂટ થઇ હોવાના સમાચાર મળતાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસઆરપી જવાનો અને પોલીસ સ્ટાફ સાથે બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube