ઘણી ખમ્મા! દર્દીઓના હિતમાં પપૈયાની ખેતી કરી રહ્યા છે ભાવનગરના આ પાટીદાર ખેડૂત, જાણો સંઘર્ષની કહાની!
ભાવનગર જિલ્લો આમ તો સેવાભાવના માટે જાણીતો છે, આંગણે આવેલા મહેમાનથી લઈને માત્ર નજરની ઓળખાણ હોય તો પણ તેના માટે કઈક કરી છૂટવા હંમેશ તત્પર હોય છે, એમાં પણ જગતના તાતની વાત તો કઈક ઓર જ છે
નવનીત દલવાડી, ભાવનગર: જિલ્લાના બુધેલ ગામના એક ખેડૂત લોકોને નવી રાહ ચીંધી રહ્યા છે. 5થી 10 રૂપિયે કિલો વેચાતા પપૈયાનું પૂરું વળતર પણ ના મળતું હોવા છતાં દર્દીઓના હિત માટે કરી રહ્યા છે પપૈયાની ખેતી. તેઓ દર્દીઓને દેશી ઓર્ગેનિક પપૈયા મળી રહે એ માટે નુકશાની વેઠીને પણ છેલ્લા દસ વર્ષથી પપૈયાની ખેતી આગળ વધારી રહ્યા છે.
ભાવનગર જિલ્લો આમ તો સેવાભાવના માટે જાણીતો છે, આંગણે આવેલા મહેમાનથી લઈને માત્ર નજરની ઓળખાણ હોય તો પણ તેના માટે કઈક કરી છૂટવા હંમેશ તત્પર હોય છે, એમાં પણ જગતના તાતની વાત તો કઈક ઓર જ છે, કોઈ અજાણ્યો વ્યક્તિ પણ વાડીએ આવી ચડ્યો હોય તો પણ ખેત પેદાશો ની થેલીઓ ભરી દેતા ખચકાટ નથી અનુભવતા, એવાજ એક ખેડૂત છે ભાવનગરના બુધેલ ગામના મોહનભાઈ પટેલ.
મોહનભાઈ પટેલ ભાવનગર તળાજા હાઇવે પર આવેલા બુધેલ ગામના ખેડૂત ખાતેદાર છે, જે પોતાની વડીલો પાર્જીત 10 વિઘાની વાડીમાં વિવિધ પ્રકારના બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે. મોહનભાઈ પટેલ ખેતીમાં નવા નવા પ્રયોગો કરી અનેક પ્રકારના ફળાઉ વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે, તેમણે પોતાની વાડીની 2.5 વીઘા જમીનમાં દસ વર્ષ પહેલાં પપૈયાનું વાવેતર કર્યું હતું, અને ત્યારબાદ બાકી બચેલી જમીનમાં કેળ, લીંબુ, આંબા, દાડમ, જમરૂખ અને બોરની પણ ખેતી શરૂ કરી હતી. મોહનભાઈની જમીન એટલી ફળદ્રુપ છે કે જેમાં જે પણ વાવો એ ઉગી નીકળે છે, જેના કારણે તેઓએ ખારેક, મોસંબી, સેતુર અને ખટમીઠા મીની આમળાના વૃક્ષો પણ ઉગાડયા છે.
મોહનભાઇ ના પુત્રો હીરા ઉદ્યોગક્ષેત્રે સધ્ધરતા ધરાવતા હોય જીવન નિર્વાહ માટે ખેતી પર આધાર નથી રાખવો પડતો અને એટલે જ તેમણે કરેલી પપૈયાની ખેતીમાં પૂરતું વળતર નહિ મળતું હોવા છતાં તેમણે પપૈયાની ખેતી છેલ્લા દસ વર્ષથી ચાલુ રાખી છે, જે અંગે તેમને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વાવણી પાછળ જે ખેડૂતોને ખર્ચ કરવો પડતો હોય છે તેનું મોટા ભાગના ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી હોતું, પરંતુ તેઓ જે ઓર્ગેનિક ખાતર નાખી પપૈયાની ખેતી કરી રહ્યા છે જે માત્ર દર્દીઓના હિત માટે જ કરી રહ્યા છે.
પપૈયાનું ફળ સુપાચ્ય હોય કોઈ પણ દર્દીઓ આસાનીથી ખાઈ શકે છે, ત્યારે કોઈ ગરીબ કે જરૂરિયાત હોય તેને પપૈયુ મળી રહે એ માટે તેઓ નુકશાન જતું હોવા છતાં પપૈયાની ખેતીને આગળ વધારી રહ્યા છે. તેમજ ખેતી માત્ર પૈસા માટે જ નહિ પરંતુ લોક ઉપયોગ માટે પણ કરી શકાય એવો નવો રાહ ચીંધી રહ્યા છે.