સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારે આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થાની કરી જાહેરાત
big announcement : સ્વતંત્રતા પર્વ પર સરકારી કર્મચારીઓને સરકારની સૌથી મોટી ભેટ... મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો... 7 માં પગારપંચવાળા 9 લાખથી વધુ કર્મચારીઓને જાન્યુઆરી 2022 થી આ ભથ્થું અપાશે
ગાંધીનગર :રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 1 જાન્યુઆરી, 2022 થી ૩ ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીના હિતમાં નિર્ણય લીધો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને આ લાભ મળશે. તારીખ 1 જાન્યુઆરી, 2022 થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો ઑગસ્ટ, 2022 બીજો હપ્તો સેપ્ટેમ્બર 2022 ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે.
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સુરતના યુવકે 2 લાખના ખર્ચે કારને તિરંગાથી રંગી, PM ને મળવા કાર લઈને દિલ્હી પહોંચ્યો
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : ગુજરાતીઓની દેશભક્તિ : કચ્છથી લઈને રાજ્યના દરેક ખૂણે લહેરાવાયો તિરંગો
તદઅનુસાર ,જાન્યુઆરીથી માર્ચ ના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ઑગસ્ટ ૨૦૨૨ના પગાર સાથે તેમજ એપ્રિલથી જૂન ના તફાવતની રકમ સેપ્ટેમ્બર ૨૦૨૨ ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૧૪૦૦ કરોડનું નાણાકીય ભારણ વધશે.