ગુજરાતનો સોનેરો ઈતિહાસ : નસીબદાર આ પાટીદાર નેતા, જેઓ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા
Gujarat History : આજે વાત ગુજરાતના એક એવા નેતાની કરીએ જે એક સમયે સ્વતંત્રતાની લડાઈમાં સક્રિય હતા.. જે માત્ર 26 વર્ષની વયે ધારાસભ્ય બન્યા અને પાંચ વર્ષના ગાળામાં બે વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા... કોણ છે એ રાજનેતા જોઈએ એ સમયની વાતમાં...
ચિંતન ભોગાયતા/અમદાવાદ : ‘‘તમે કોંગ્રેસવાળા જરા તો વિચાર કરવો હતો? આ મકનદાના જશભાઈનો બાબુ, આજકાલનું છોકરૂં. એને તમે ધારાસભામાં શું લઈ આવ્યા છો? તે એમાં શું સમજે?’’ ‘‘સરદાર સાહેબની પસંદગી છે એટલે જેવી તેવી નહીં હોય. માનવીને પારખવાની એમની પાસે અનોખી સૂઝ છે’’ ‘‘ઓ હો! સરદાર સાહેબની પસંદગી છે ત્યારે તો એ જુવાનિયામાં કંઈક તો વિશિષ્ટતા અને આવડત હશે જ, છતાં નીવડે વખાણ.’’
આખરે આ કોના વિશે વાત થઈ રહી છે. અસલ ચરોતરી ભાષામાં આ શબ્દો કોણે ઉચ્ચાર્યા અને કોના માટે છે? આ એ સમયની વાત છે જ્યારે દેશ પર અંગ્રેજોનું રાજ હતું. વર્ષ હતું 1937. મુંબઈ રાજ્યની ઉપલી ધારાસભાના અગ્રણી સભ્ય દાદુભાઈ દેસાઈએ શાંતિલાલ શાહ સમક્ષ સહજભાવે આ વાત કરી હતી. શાંતિ લાલ એ સમયે આ જ ધારાસભાના સભ્ય ઉપરાંત ધારાસભાના કોંગ્રેસ પક્ષના મંત્રી પણ હતા અને પછીથી આરોગ્ય મંત્રી પણ બન્યા હતા. પણ સવાલ એ રહ્યો કે આ વાત કોના માટે થઈ રહી હતી. તો એ નામ છે બાબુભાઈ જસભાઈ પટેલ. યુવાન બાબુભાઈ પહેલી જ વાર 26 વર્ષની વયે મુંબઈ રાજ્યની ધારાસભાના સભ્ય બન્યા, ત્યારે માત્ર કોંગ્રેસ પક્ષમાં જ નહિ, પરંતુ અન્ય પક્ષોમાં પણ કેટલો વિવાદ હતો એની ઝલક આપણે પહેલા વાર્તાલાપમાં સાંભળી.
ગુજરાતના નસીબમાં હજી પણ પાકા રસ્તા નથી, મહિલા પ્રસૂતિની પીડા સાથે 1.5 કિમી ચાલી, ત્યારે એમ્બ્યુલન્સ સુધી પહોંચી
એ સમયનું 1937 નું મુંબઈ રાજ્ય એટલે મહારાષ્ટ્ર, ગુજરાત, કન્નડ અને વિદર્ભ. આવા વિશાળ રાજ્યની ધારાસભા એટલે વિવિધ ક્ષેત્રના વિદ્વાન મહાનુભાવોનો માનવમેળો. અને આ ધારાસભામાં સૌથી નાની ઉમરના ધારાસભ્ય હતા બાબુભાઈ. એટલે એ બેબી મેમ્બર ઑફ ધ હાઉસ તરીકે ઓળખાતા.
હવે થોડા પાછળ જઈએ. 1920-30 નો દાયકો હતો. માત્ર 19 વર્ષના નવયુવાન બાબુભાઈ પૂનાની ફરગ્યુસન કૉલેજના વિદ્યાર્થી હતા. અનેક યુવાનોની જેમ બાબુભાઈ પણ એ સમયે ગાંધી વિચારોથી પ્રેરાયા અને અભ્યાસ છોડી સ્વતંત્રતાની લડતમાં જોડાઈ ગયા. જો કે તેમના માતાપિતાને આ વાત પસંદ નહોતી કે તેમનો પુત્ર અભ્યાસ છોડીને આઝાદીની લડતમાં જોડાય. 29 એપ્રિલ 1930નો એ દિવસ. સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં વ્યસ્ત ગાંધીજીને સવારે સાડા ચાર વાગ્યે મળવાનો મોકો બાબુભાઈને મળ્યો. ગાંધીજી સાથે મુક્ત મને ચર્ચા કરી અને એ સમયે બાપુએ એમને સલાહ આપી કે અભ્યાસની સાથે જે સમય મળે એમાં રાષ્ટ્રસેવાનું કામ કરવું.
આગળના અભ્યાસ માટે બાબુભાઈ મુંબઈ આવ્યા. પણ દિલમાં તો આઝાદી માટેના આંદોલનની ખેંચ હતી. તેથી સ્વાતંત્ર્યતા સંગ્રામમાં સક્રિય થયા, પરિણામે જેલમાં ગયા અને યરવડા જેલમાં 6 માસની સજાનો હુકમ થયો. એ સમયે એમની ઉંમર માત્ર 20 વર્ષ હતી. એટલે એમને બાબા બેરેકમાં મૂકવામાં આવ્યા. આ એમની પ્રથમ જેલ હતી. એ પછી આઝાદી આંદોલન દરમિયાન બાબુભાઈની આઠ વખત ધરપકડ થઈ હતી. નાની મોટી સજા ગણીને એમનો કુલ જેલ નિવાસ પાંચ વર્ષનો રહ્યો હતો. 1975ની કટોકટીમાં પણ બાબુભાઈએ 6 મહિનાનો કારાવાસ ભોગવ્યો હતો.
સાબરમતીને મેલી કરવાનું ષડયંત્ર, પર્યાવરણ દિવસ પર જુઓ સ્પેશિયલ રિપોર્ટ
1975ના અરસામાં દેશમાં કટોકટી લાદી દેવાઈ હતી. એ જ સમયે બાબુભાઈએ જનતા મોરચાની મિશ્ર સરકારની રચના કરી હતી. બાબુભાઈએ કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો કે ગુજરાતમાં કટોકટીની અમલવારી નહીં થાય. એ અરસામાં બાબુભાઈ દિલ્હી ગયા અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે શુભેચ્છા મુલાકાત કરી. એ સમયે ઈન્દિરા ગાંધીને બાબુભાઈએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે, ‘બહેનજી આપ કી ઈમરજન્સી હરગીજ ગલત હૈ!' (એટલે કે આપની આ કટોકટી તદ્દન ખોટી છે)
ઓગસ્ટ 1979નું વર્ષ... મોરબીમાં અતિવૃષ્ટી થઈ. મચ્છુ ડેમ તૂટ્યો... ગુજરાતમાં પણ મેઘતાંડવ સર્જાયું. કુલ 1361 લોકોનાં મોત થયાં. એ વખતે બાબુભાઈએ એક મહિનો મોરબીમાં મુકામ કર્યો અને સ્થળ પર નિર્ણયો લીધા. આમ 26 વર્ષે ધારાસભ્ય બનેલા અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનને પણ પડકાર ફેંકનારા બાબુભાઈ જસભાઈ પટેલે પ્રજાને પોતાનું શાસન હોય એવી ઝાંખી કરાવી હતી.
જાણવા જેવું
બાબુભાઈનો જન્મ 9 ફેબ્રુઆરી, 1911 ના રોજ નડિયાદમાં થયો હતો. માતા ચંચળબા અને પિતા જશભાઈ પાસેથી જે સંસ્કારોનું સિંચન થયું તે જીવનપર્યંત સુવાસની જેમ મહેકતું રહ્યું. પાંચ વર્ષના ગાળામાં બાબુભાઈ બે વખત મુખ્યમંત્રી બન્યા હતા. એ સમયગાળો હતો 'જૂન 1975થી માર્ચ, 1976' અને 'એપ્રિલ 1977થી ફેબ્રુઆરી 1980'. બાબુભાઈનું 19 ડિસેમ્બર, 2002ના રોજ અવસાન થયું.