અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય થઈ છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. આજે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દમણમા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો અમદાવાદ, ગાંધીનગર, નવસારી, સુરેન્દ્રનગર, મોરબી, પંચમહાલ, દાહોદ, કચ્છ, વલસાડ અને, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. તો બીજી તરફ, આજે હિંમતનગરમાં 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી શહેરના પાલિકા રોડ, શારદાકુંજ વિસ્તાર અને મારુતિનગરમાં પાણી ભરાયા હતા અને વાહનચાલકો અને લોકોને ભારે હાલાકી થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંમતનગરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો 
આજે સવારે હિંમતનગરમાં બે કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. જેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી પાલિકા રોડ, શારદાકુંજ વિસ્તારમાં, મારુતિનગર વિસ્તારમાં પાણી ભરાયાં હતા. વરસાદના મારથી હિંમતનગરના દલપૂરમાં કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. તો હડિયોલ ગામના બોરિયા વિસ્તારમાં પાણી ભરાયાં હતા.  


તો મહેસાણાના ઊંઝામાં પણ આજે સવારે ભારે વરસાદનુ આગમન થયુ હતું. વરસાદ વરસતા અંડર પાસમાં પાણી ભરાયાં હતા. અંડર પાસમાં પાણી ભરાતાં અંડર પાસમાં સ્કૂલની બસ ગરકાવ થઈ હતી. સ્કૂલ બસ અંડર પાસમાં ફસાઈ ગઈ હતી. 


10 અને 11 ઓગસ્ટ વરસાદની આગાહી 
હવામાન ખાતાના અપડેટ અનુસાર, રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી વાતાવરણ રહેશે. આજે છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે, કોઈ સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પણ આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે. નવસારી, ડાંગ સહિત સાબરકાંઠા અને બનાસકાંઠા ભારેથી અતિ ભારે વરસાદ પણ આવી શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મોટભાગના જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. 10 અને 11 ઓગસ્ટના રોજ ગુજરાતભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, દમણમાં અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 


માછામારોને ચેતવણી
વરસાદની આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના માછીમારોને ચેતવણી અપાઈ છે. આગામી 5 દિવસ ગુજરાતના સમગ્ર દરિયા કાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર બન્યું હોવાથી વરસાદી વાતાવરણ બન્યું છે.