ઝી બ્યૂરો, અમદાવાદઃ આજથી બરાબર 15 વર્ષ પહેલાં ગુજરાતમાં સરકાર દ્વારા એક એવી યોજના શરૂ કરવામાં આવી જે કરોડો લોકો માટે તારણહાર બની ગઈ. જીહાં અમે વાત કરી રહ્યાં છીએ 108 ઈમરજન્સી સર્વિસની. 29 ઓગસ્ટ 2007ના રોજ ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિને કોઈપણ ગંભીર બીમારી હોય, કોઈ ઈજા પહોંચે કે પછી કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સી હોય તો વિનામૂલ્યે આ સેવાનો લાભ લઈ શકે છે. એક કોલમાં જીવ બચાવવા દોડી આવતી 108 ને છેલ્લાં 15 વર્ષમાં 1.37 કરોડ ઈમરજન્સી કોલ આવ્યાં, જેમાંથી અત્યંત ગંભીર સમસ્યાઓથી પીડાતા 12.67 લાખ જેટલા ગુજરાતીઓના જીવ બચાવવામાં સફળતા મળી શકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ગુજરાતમાંથી છેલ્લાં 15 વર્ષમાં 108 ને 1.37 કરોડ ઇમરજન્સી ફોન કોલ આવ્યા:
33 જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની 800 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ. 15 વર્ષમાં અંદાજે 1.37 કરોડ જેટલા ઇમરજન્સી કોલ આવ્યા. મહત્વનું છે કે ગુજરાતમાં વરસાદી માહોલ દરમિયાન પણ 108 દેવદૂત સાબિત થઇ હતી. વરસાદી માહોલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા 29 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર,  અમદાવાદ મેટ્રો શહેર હોય કે પછી કોઇ ગામ. ઇજાગ્રસ્ત, બિમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે પછી સગર્ભા મહિલા હોય, આ તમામને  હોસ્પિટલ પહોંચાડીને પ્રાથમિક સારવાર આપવાનુ કાર્ય કર્યું.


4 હજારથી વધુ આરોગ્યકર્મીઓ કરી રહ્યાં છે સાડા 6 કરોડ ગુજરાતીઓની સેવાઃ
ગુજરાતમાં 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી.  જે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 800થી વધુ 108 એમ્બ્યુલન્સ સેવામાં કાર્યરત છે.આ સમગ્ર 108 સેવાનું મોનિટરીંગ ઇમરજન્સી મોનિટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજીત 7000 જેટલા કોલ્સ લેવામાં આવે છે.  108 GVK EMRIના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિ જણાવ્યુ હતું કે  સમગ્ર રાજ્યના તમામ 257 તાલુકા, 1/8 હજાર જેટલા ગામો,  33 જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ 108ની સેવાનું માળખું ફેલાયેલુ છે. જેમાં અંદાજીત 4 હજારથી વધુ 108 કર્મીઓ સેવા આપી રહ્યા છે.આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 108 ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે.


એમ્બ્યુલન્સમાં થયો 1.20 લાખ બાળકોનો જન્મ:
ઘણીવાર ડોક્ટર સુધી પહોંચવામાં મોડું થવાને કારણે સગર્ભા મહિલાએ પોતાનું સંતાન ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે, ગુજરાતમાં વર્ષ 2007થી શરૂ કરાયેલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને કારણે આ પ્રકારે બાળમૃત્યુની ઘટનાઓમાં ઘટાડો થયો છે. ઉલ્ટાનું એક એવો આંકડો સામે આવ્યો છે જે તમને આશ્ચર્ય ચકિત કરી દેશે. જ્યારથી ગુજરાતમાં 108 સેવા શરૂ કરાઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની અંદર જ અંદાજે સવા લાખ કરતા વધુ બાળકોનો જન્મ થયો છે. હોસ્પિટલ પહોંચી વેળાએ મોડું થવાને કારણે આ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં જ થઈ ગયો છે.