વિચિત્ર સીડીઓ, સાત માળ ઉંડો ગુજરાતનો રહસ્યમય કૂવો! જોતા જોતા ખોવાઈ જશો બીજી દુનિયામાં
સદી પહેલાં બનેલો આ કૂવો આજે પણ એટલો જ રહસ્યમય છે. આજે પણ આ કૂવાએ પોતાના પેટાળમાં અનેક રહસ્ય છુપાવીને રાખ્યાં છે. કેમ હવે ત્યાં જવાની નથી કરતું કોઈ હિમ્મત? અમદાવાદ નજીકની આ જગ્યા જેણે જોઈ છે એને જ ખબર છે અહીંની હકિકત...
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનાં મુખ્યમથક એવા મહેમદાવાદ ખાતે ભમ્મરીયો કૂવો આવેલો છે. ભમ્મરીયો કૂવો એક પ્રાચીન સ્થાપત્ય છે. આ કૂવાનું નિર્માણ 15મી સદીમાં મહેમુદશાહ બેગડા નામના બાદશાહે કરાવ્યું હતું. આ સ્થાપત્ય કેન્દ્રના પુરાતત્વ વિભાગ દ્વારા ક્રમાંક N-GJ-143 હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. આ પુરાતન અવશેષ મહેમદાવાદથી ખેડા જતા માર્ગ પર આવેલા છે. અહીંની વિશેષતાઓની વાત કરીએતો, આ કૂવાની આસપાસ ભૂગર્ભમાં નિવાસસ્થાનના ખંડો બનાવવામાં આવેલા છે.
અહીં આવેલો અષ્ટકોણાકાર કૂવો 36 ફૂટ જેટલો વ્યાસ ધરાવે છે. હાલ જમીનમાં ત્રણ મજલાનું બાંધકામ છે, જેમાં ઉપરના બે મજલામાં ખંડો આવેલા છે, જ્યારે નીચેના મજલે સાંકડા પગથિયાં દ્વારા સીધા કૂવામાં જવાય છે. ખંડમાં જવા માટે ચાર સીડીઓ આવેલી છે તેમ જ બે સીડીઓ ગોળાકારે ફરતી બનાવવામાં આવેલી હોવાથી આ કૂવાનું નામ ભમ્મરીયો કૂવો પડ્યું હતું. સાત માળ ઉંડા ભમ્મરી કૂવાની બનાવટ ગજબની છે. ભુલભુલામણી ભર્યા ભમ્મરીયા કુવા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.
ગાંધીનગરથી નજીક હાલિસા ગામે આ સુંદર સ્થળ આવેલું છે. કૂવાની રચના અને તેની બનાવટ આબેહૂબ છે. ભમરિયા કૂવાની ડિઝાઈનની જો વાત કરવામાં આવે તો સામ સામે બંન્ને દીશામાં કૂવામાં પ્રવેશદ્વાર છે. આશરે 15થી 18 વ્યાસ અને 90થી 100 ફુટ વ્યાસ ઉડાઈ ધરાવે છે. ઝરૂઘાની બનાવટ પણ અજબ છે. ભમરિયા કૂવામાં આડા અવળા ભૂલ ભૂલામણી વાળા વળાંકો છે.
રાજા મહારાજાઓના સમયમાં જળસ્ત્રોત માટે કેવું ઉત્તમ આયોજન કરવામાં આવતું હતું એ જોવું હોય તો તમારે એકવાર ભમ્મરીયા કૂવાની મુલાકાત લેવી પડશે. ઐતિહાસિક ધરોહરને જોવા જાણવામાં રસ ધરાવતા લોકો માટે આ સ્થળ એક સુંદર પિકનિક પ્લેસ બની રહેશે.