નવી દિલ્લીઃ હાલના સમયમાં કોઈનો પણ વિશ્વાસ કરવાની જરૂર નથી. તમે તમારી દીકરીને કોઈ પણ જગ્યાએ મોકલી રહ્યાં છો તો થોડા સાવધાન રહેજો, કારણ કે આંકડાઓ સાબિત કરે છે કે નજીકના વ્યક્તિઓ જ છોકરીઓ સાથે અડપલાં કરતાં હોય છે. રાજકોટમાં ૧પ૦ ફૂટ રિંગ રોડ પર શિતલ પાર્ક ચોકડી પાસે શહિદ સુખદેવસિંહ ટાઉનશિપમાં રહેતાં વનરાજસિંહ ધાંધલ (ઉ.વ.૪ર)એ પુત્રીની ઉંમર જેવડી ૧૭ વર્ષની તરૃણીને હેરાન કરતાં આખરે આ મામલે તેની માતાએ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં મોટા ખુલાસા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેસની વિગતો એવી છે કે, રાજકોટની આ ભોગ બનનાર તરૃણીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે તેની પુત્રીએ કહ્યું કે તે લીફટમાં આવતી હતી ત્યારે આરોપી પણ સાથે હતો. જેણે તેના ગાલ પર હાથ ફેરવ્યો હતો. થોડી વાર બાદ આરોપી ઘરે એડ્રેસ લેવાના બહાને આવ્યો હતો. તે વખતે તેની પાસે તેનો મોબાઈલ નંબર માગ્યો હતો. જોકે, તરૂણી એમના ઈરાદા જાણી ગઈ હોવાથી તેણે આ બાબતને ઈગ્નોર કરી હતી. 


એ દિવસે જ રાત્રે નવેક વાગ્યે તેમની પુત્રી બગીચામાં બેસવા ગઈ હતી. તે ઘરે આવવા સમયે પાર્કીંગમાં હતી એ સમયે પણ બાપ સમાન આ વ્યક્તિએ તેનો મોબાઈલ નંબર માગી ઈશારા કર્યા હતા. જોકે, તરૂણીએ આ બાબતનો ઈન્કાર કરતાં તેને મોબાઈલ નંબર આપવો જ પડશે, મારી સાથે પ્રેમસંબંધ પણ રાખવો પડશે તેવી ધમકી આપી હતી. આમ તેની પજવણી વધતી જતી હતી. 


આજે સવારે વનરાજસિંહે મોબાઈલમાં કોલ કર્યો હતો. હવે આ બાબત તેની માતા પણ જાણતી હોવાથી તેમને પુત્રીએ રિસીવ કરાવી ફોન સ્પિકરમાં મુકાવી દીધો હતો. માતાએ દીકરીને એકલી હોવાનું કહેતા વનરાજસિંહે બહાર નાસ્તો કરવા લઈ જવાની ઓફર આપી હતી. એટલું જ નહીં આ વાત કોઈને નહીં કહેવા અને ધીમે બોલવા પણ કહ્યું હતું. આ રીતે તેની પુત્રીની સતત પજવણી કરી હોવાથી આખરે માતાએ કંટાળીને ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આમ એક જ સોસાયટીમાં રહેતા 42 વર્ષના શખ્સે દીકરી સમાન તરૂણીને પ્રેમ સંબંધ બાંધવા મજબૂર કરતાં આ મામલો પોલીસમાં પહોંચ્યો છે.