ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના સુપરકોર્પ, સરકારના સંકટમોચક અને હજારો ગુજરાતી બેરોજગારોના રોલ મોડલ... હા અમે વાત કરી રહ્યાં છીએ, ગુજરાતના બાહોશ, નીડર અને પ્રમાણિક અધિકારી IPS હસમુખ પટેલની.... જેઓની કારકીર્દીમાં તેમને વરદી પર આજદીન સુધી દાગ લાગવા દીધો નથી. જેઓ પર લોકો આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી શકે છે. આજે ગુજરાતમાં સૌથી સફળ પરીક્ષાનું આયોજન આ અધિકારીના શીરે છે અને તે સુપેરે પાર પાડે છે. સરકારના સૌથી વિશ્વાસું એવા અધિકારીએ સરકાર પર લાગતા દાગને પણ દૂર કર્યો છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા આ બેદાગ અધિકારીએ ક્યારેય પણ પોતાની સત્તાનો દુરોપયોગ તો દૂરની વાત છે પણ ઉપયોગ પણ નથી કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેનાથી ફફડતા હતા બુટલેગરોઃ
જેના નામથી એક સમયે બુટલેગરો પણ ફફડતા હતા. એવા આ અધિકારી IPS હસમુખ પટેલ કે જે હજારો યુવાનોના આદર્શ છે અને જેમના નામની આગળ હંમેશા પ્રામાણિક લાગે છે. હાલ તેઓ Police recruitment boardમાં સેવા આપી રહ્યા છે અને છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. આ હસુમખ પટેલની આજે તારીફ ગુજરાતભરના યુવાનો કરે છે. આ એ અધિકારી છે જે જેના પર કોઈ શંકા કરવાનું વિચારતું જ નથી. સોશિયલ મીડિયામાં અતિ એક્ટિવ આ અધિકારીએ સાબિત કરી દીધું છે કે ટેક્નોલોજી એ આજના યુવાનો સુધી સીમિત નથી. તેઓ સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીને યુવાનોનું માર્ગદર્શન કરતા રહે છે. શું તમે જાણો છો આ અધિકારીની ઘણી બધી બાબતોને કે જાણવા માગો છો તો અમે તમને અહીં એમના વિશે.


સામાન્ય પરિવારમાંથી આવે છે આ અધિકારીઃ  
તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં પોલીસ ખાતામાં છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા આ અધિકારી એક સામાન્ય પરિવારમાં આવે છે. જેઓનું જીવન ગામડાઓમાં વિત્યું હોવાથી આજે પણ તેઓ જમીની અધિકારી છે. તેઓ પર સત્તાનો નશો ચડ્યો નથી. વર્ષ 1993 બેચના આ IPS હસમુખ પટેલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની છે. હસમુખ ભાઈ પટેલે સ્કૂલનો અભ્યાસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના બાલુન્દ્રા ગામ તેમજ ઈકબાલગઢ ખાતે કર્યો છે. જેઓએ હાઈસ્કુલનો અભ્યાસ વિસનગરમાં પૂર્ણ કર્યો હતો. જેઓએ એમના સમયમાં ગુજરાતની ટોપની યુનિ. ગણાતી વડોદરાની MS યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો હતો. 


મૂળ બનાસકાંઠાના વતની છે હસમુખ પટેલઃ
23 જૂન, 1965ના રોજ જન્મેલા હસમુખ પટેલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના મૂળ વતની છે. 1993ની બેંચના IPS અધિકારી હસમુખ પટેલની મૂળ ઈચ્છા તો એક અધિકારી બનવાની હતી જ નહીં...જેઓએ ડૉક્ટર બનવાના ધ્યેય સાથે નાનપણથી તૈયારીઓ કરી હતી પરંતુ ગુજરાતના હજારો બેરોજગાર યુવાનોના રોલ મોડેલ બનવાનું એમના નસીબમાં લખાયું હોય એમ 5 માર્ક્સ ઓછા આવતા તેમને એન્જિનિયરિંગમાં એડમિશન લેવું પડ્યું હતું. ગુજરાતના આ સાહસિક અધિકારી હસમુખ પટેલે SP તરીકે પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ અને ભાવનગર રેલવેમાં ફરજ બજાવી છે. આટલું જ નહીં, હસમુખ પટેલ UN પીસ કીપિંગ ફોર્સ કોસોવોમાં સ્પેશિયલ ડેપ્યૂટેશન પર પણ જઈ આવ્યા છે. જેઓની ઉત્તમ કારકીર્દીને પગલે આજે તેઓ સરકારની ગુડબુકમાં છે. 


સરકારના સૌથી ભરોસેમંદ અધિકારી તરીકેની છબિઃ
હસમુખ પટેલને મોસ્ટ ક્રેડિબલ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. હસમુખ પટેલની પ્રામાણિકતા પર કોઈને શંકા નથી થઈ શકતી. તે એક પ્રામાણિક અધિકારી હોવાની સાથે રોલ મોડલ પણ છે. જ્યારે તે IPS બન્યા હતા તો તેમણે સરકારી ગાડીનો દુરૂપયોગ નહોતો થવા દીધો. તેમના પત્ની ટુ-વ્હીલર પર ઓફિસ જતા હતા. આમ અધિકારી એ નખશીખ પ્રમાણિક હોવાથી સરકારે પરીક્ષાનો ભાર એમના શીરે મૂક્યો છે. જેઓ તેમાં સફળ પણ રહ્યાં છે. DIG IGP તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો,  પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવી છે. હાલમાં પોલીસ ભરતી બોર્ડનો હવાલો એમની પાસે છે. એમની કામગીરી પર હજારો યુવાનોનું ભવિષ્ય જોડાયેલું હોવાની સાથે એમની વાત પર કોઈ શંકા કરતું નથી. એ ઈમેજ એમને એમ જ નથી મળી. એમને એ માન સન્માન કમાયું છે અને સાબિત કરી બતાવ્યું છે કે તેઓ છે તો કોઈ પણ ભૂલ કે ગરબડી થવાની શક્યતા નહિવત છે.