અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ ફરી એકવાર સામે આવ્યો છે પરિવારમાં પૈસા અને જમીન માટેનો ઝઘડો. કહેવાય છેકે, કે જર, જોરું અને જમીન ત્રણેય કજિયાના છોરું. રાજવી પરિવારનો કંઈક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગઢકાની 48 એકર જમીનના વિવાદમાં રાજપરિવારના 90 વર્ષના મોટા માતાનું અપહરણ કરાયું હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. બનાસકાંઠા જિલ્લાના થરા રાજવી પરિવારના મોટા માતા રસિકકુંવરબાનું અપહરણ પારિવારિક સભ્યો દ્વારા જ કરાયું હોવાની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે. પિયર પક્ષના 4 વ્યક્તિઓએ મોટા માતાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાતા થરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર મામલો રાજકોટ જિલ્લા સાથે પણ જોડાયેલો હોવાથી ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અપહરણ કેસમાં રાજકોટ પોલીસને જાણ કરાતા એક અપહરણકારની ઇનોવા કાર જપ્ત કરાઇ છે. અપહૃત મોટા માતાને ગઢકામાં છુપાવાયા હોવાની શંકાએ પોલીસની એક ટીમ ત્યાં તપાસ માટે દોડી ગઇ છે. કાંકરેજના થરા રાજઘરાના પરિવારના 90 વર્ષીય મોટા માતાનું જમીનના વિવાદમાં તેમના પિયરપક્ષ રાજકોટના ગઢકાના ચાર વ્યક્તિએ થરામાંથી અપહરણ કરી અજાણ્યા સ્થળે છુપાવી દેતાં ચકચાર મચી છે. 


સમગ્ર મામલે બીજી પત્નીના પુત્રએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજકોટ પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ કમિશનરના આદેશથી યુનિવર્સિટી પોલીસે એક અપહરણકારના ઘરે દરોડો પાડી ઇનોવા કાર જપ્ત કરી હતી. જોકે આરોપી હજુ પણ પોલીસ ગિરફ્તમાં આવ્યો નથી. કાંકરેજના થરા ખાતે રહેતા રાજઘરાનાના રસિકકુંવરબાના પિયર રાજકોટના ગઢકા ગામે તેમના પિતા લગધીરસિંહના વારસાની 48 એકર જમીન આવેલી છે. લાંબા સમયથી આ જમીન કોને મળશે તેને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે.
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube