ગુજરાતીઓને ફરવાનું નવું સરનામું મળ્યું, ધનતેરસથી શરૂ થઈ જશે સિંહોની નવી સફારી
barda wildlife sanctuary : હરવા ફરવાના શોખીનો માટે સારા સમાચાર.... ગુજરાતમાં બરડા જંગલ સફારીનો 29 ઓક્ટોબરે પ્રવાસન મંત્રી મુળુ બેરા કરાવશે પ્રારંભ....સિંહ, વન્યજીવો અને પ્રકૃતિનો પ્રવાસીઓ લઈ શકશે આનંદ...
Gujarat Tourism : ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણું ઉમેરવા જઈ રહ્યું છે. આગામી ધનતેરસના દિવસે તા.૨૯ ઓકટોબરના રોજ મંગળવારે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે 'બરડા વન્યજીવ અભયારણ્ય' અને બરડા જંગલ સફારી' ફેઝ-૧નો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવશે.
- સાસણ ગીર સિવાય હવે 'એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે - 'બરડા વન્યજીવ અભયારણ્ય'
- દેશભરના પ્રવાસીઓ માટેના નવીન આકર્ષણ એવા 'બરડા જંગલ સફારી' ફેઝ-૧નો ધનતેરસના પર્વે કરાશે શુભારંભ
- દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે તા. ૨૯.૧૦ના રોજ બપોરે ૨.૦૦ કલાકે યોજાશે લોકાર્પણ કાર્યક્રમ
- બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર- ટેકરીઓથી સુસજ્જિત આશરે ૧૯૨ ચોરસ કિ. મી વિસ્તાર અભયારણ્ય માટે આરક્ષિત
- આ અભયારણ્યમાં ૩૬૮ વનસ્પતિની પ્રજાતિ જેમાં સૌથી વધુ ૫૪ ટકા ક્ષુપનું પ્રમાણ જોવા મળે છે
- સિંહની સાથે દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી, સસલા વગેરે વન્યજીવોનું રહેઠાણ
ગુજરાત વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફ એન. શ્રીવાસ્તવે નવીન બરડા વન્યજીવ અભયારણ્ય વિશે વિગતો આપતાં કહ્યું હતું કે, એશિયાઈ સિંહો વિશ્વમાં ખૂબ પ્રખ્યાત અને માત્ર ગુજરાતના જૂનાગઢ ફોરેસ્ટ રેન્જમાં જોવા મળતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન થઇ રહ્યું છે. જેના પરિણામે હવે બરડાની ટેકરીઓમાં પણ નાગરિકો- પ્રવાસીઓને ગુજરાતનું ગૌરવ સમાન 'એશિયાઈ સિંહ' નિહાળવા મળશે. હાલ ગુજરાતમાં અંદાજે ૬૭૪ એશિયાઈ સિંહો જોવા મળે છે અને હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા વન્યજીવ અભયારણ્ય પણ સુરક્ષિત અને કુદરતી વસાહત તરીકે સ્થાપિત થશે તેમ, શ્રીવાસ્તવે ઉમેર્યું હતું.
હવામાનનો અસલી ખેલ હવે શરૂ થશે! અંબાલાલ પટેલની ભયાનક આગાહી, નવેમ્બરમાં ન થવાનું થશે
બરડા વન્યજીવ અભયારણ્યની વિશેષતાઓ:-
આ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વન્યજીવ તેમજ રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને વિચરણ માટે જૂનું અને જાણીતું સ્થળ છે અને એની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસન તંત્ર ૩૬૮ વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં ૫૯ વૃક્ષો, ૮૩ છોડ, ર૦૦ ક્ષુપ અને ૨૬ વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની ૩૬૮ પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ ૫૪ ટકા છે. ત્યારબાદ ૨૩ ટકા છોડ, વૃક્ષો ૧૬ ટકા અને વેલાઓ ૦૯ ટકાનો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.
બરડા અભયારણ્યમાં જોવા મળતા પશુ- પક્ષીઓ:-
લગભગ ૧૪ દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. ઉપરાંત આ અભયારણ્યમાં કુલ ૨૨ સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે,જેમાં સિંહ સિવાય દીપડા,જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ,નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું પણ વસવાટ કરે છે.
આ અભયારણ્યમાં પક્ષીઓની ૨૬૯ પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જે સૌ નાગરિકો માટે ગૌરવ સમાન છે. જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓ વિચરણ કરતા જોવા મળે છે.
કચ્છના ધોળાવીરામાંથી ચોરાયો 16 કરોડ વર્ષ જૂનો અમૂલ્ય ખજાનો, વન વિભાગ દોડતું થ
બરડા જંગલ સફારી ફેઝ:૧ની રોમાંચક સફર:-
બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે. આ સફારી ટ્રેઇલ જાજરમાન કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિસૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિત નિહાળવાની અનોખી તક આપે છે.
વધુમાં, સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે.
બરડા અભયારણ્યની ભૌગોલિક પરિસ્થિતિ:-
બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે ૨૧૫ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. જે પૈકી ૧૯૨.૩૧ ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ સત્તાવાર રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓમાં ફેલાયેલો છે.
કૃષિ રાહત પેકેજમાં ગુજરાત સરકારે કર્યો મોટો ખુલાસો, આ ખેડૂતોને નહિ મળે સહાય
અભયારણ્ય જવા માટેના મુખ્ય માર્ગ:-
આ અભયારણ્ય સડક માર્ગોથી સારી રીતે સંકળાયેલો છે, જેથી નજીકના નગરો અને શહેરો સુધી સહેલાઈથી પહોંચવું શક્ય બને છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં પોરબંદર, જામજોધપુર, ઉપલેટા, જામનગર અને જૂનાગઢ જેવા મહત્વપૂર્ણ શહેરોમાં સરળતાથી પહોંચી શકાય છે. ઉપરાંત, આ અભયારણ્ય રાજકોટથી ૧૭૦ કિ.મી. અને અમદાવાદ ૪૩૦ કિ.મી. જેવા મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. વધુમાં,આ અભયારણ્યથી પોરબંદર રેલવે સ્ટેશન ૪૦ કિ.મી. અને જામનગર ૮૨ કિ.મી. છે. જ્યારે, હવાઈ માર્ગથી પણ સંકળાયેલો છે. આ અભયારણ્યથી રાજકોટ એરપોર્ટ ૧૯૦ કિ.મી. છે.
બરડા અભયારણ્યની મુલાકાત માટેનો ઉત્તમ સમય:
આ અભયારણ્યની પ્રવાસીઓ સવારે ૦૬ કલાકથી સાંજે ૦૪ વાગે સુધી મુલાકાત લઈ શકે છે. સાથે જ શિયાળામાં તા. ૧૬ ઓક્ટોબરથી ફેબ્રુઆરી અને ઉનાળામાં તા. ૦૧ માર્ચ થી ૧૫ જૂન સુધી ચાલુ હોય છે. આ ઉપરાંત દર વર્ષે ૧૬ જૂનથી ૧૫ ઑક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહે છે.
પ્રવાસીઓ માટે નજીકના મુખ્ય પ્રવાસન આકર્ષણો:-
બરડા વન્યજીવ અભયારણ્ય નવલખા મંદિર, મોડપર કિલ્લો, જાંબુવન ગુફા, સુદામા, કીર્તિ, પ્રસિદ્ધ નાગેશ્વર તેમજ દ્વારકાધીશ મંદિર જેવા વિશ્વ પ્રખ્યાત સ્થળો આવેલા છે.
એશિઆઈ સિહોના આ નવા આવાસ સ્થાનના સફર માટે બરડાના જીવંત ડુંગરો અને નદી કિનારાના નયનરમ્ય સૌંદર્યમાં ખોવાઈ જવા માટે થઈ જાવ તૈયાર, બરડા વન્યજીવ અભયારણ્ય સમૃદ્ધ જૈવવિવિધતાની યાદગાર મુલાકાત આપના હૃદયને એક અનોખી શાંતિ અને કુદરતના આહ્લાદક અનુભવની અવિસ્મરણીય યાદોથી ભરી દેશે.
વધુ વિગતો માટે પોરબંદર વન વિભાગની કચેરીના ૦૨૮૬-૨૨૪૨૫૫૧ ઉપર સંપર્ક કરી શકાય.
હોટલ ફટાફટ ખાલી કરો... રાજકોટની ટોચની 10 હોટલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી