ગુજરાત વિધાનસભા બજેટ સત્રઃ સરકાર 8 બિલ રજુ કરશે, 16 દિવસમાં 20 બેઠક મળશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે મળશે અને 16 દિવસ સુધી ચાલશે, આ દરમિયાન વિધાનસભાની 20 બેઠક મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે
હીતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 જુલાઈના રોજ સવારે 11.00 કલાકે મળવાનું છે. આ બજેટ સત્ર 16 દિવસ સુધી ચાલશે અને આ દરમિયાન વિધાનસભાની 20 બેઠક મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 6 પૂર્વ ધારાસભ્યોને શોકાંજલિ આપવામાં આવશે. વિરોધ પક્ષ દ્વારા 3 હજારથી વધુ પ્રશ્નો પુછવામાં આવે તેવું આયોજન છે.
પ્રાપ્ત માહિતી મુજબ, 2 જુલાઈના મંગળવારના રોજ બજેટ સત્રની શરૂઆતમાં સવારે 11.00 થી 12.00 પ્રશ્નોતરી કાળ એક કલાકનો રહેશે. પ્રશ્નોતરી કાળ પછી પૂર્વ ધારાસભ્યો શોકાંજલિ અપાશે. પૂર્વ પ્રધાન રતિલાલ સુરેજા ,વડોદરાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રકાન્ત પરીખ, પાટણના પૂર્વ ધરાસભય કાંતિલાલ પટેલ, પૂર્વ ધારાસભ્ય સવશીભાઈ મકવાણા, પ્રહલાદ પટેલ કાંતિભાઈ ભીલ સહિત 6 પૂર્વ ધારાસભ્યોને મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ગૃહના સભ્યો શોકાંજલિ આપશે. ત્યાર પછી નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ બપોરે 12.30 કલાકની આસપાસ બજેટ રજૂ કરશે.
બજેટ સત્ર અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, "વિધાનસભામાં પૂરતો સમય નથી મળતો તેવી રજૂઆત કોંગ્રેસ દ્વારા કરાઇ છે. 16 દિવસમાં માત્ર ૨૦ બેઠકો આપવાની વાત કરવામાં આવી છે. વિરોધ પક્ષના ધારાસભ્યોને રજૂઆત માટે અને પ્રજાની વાત કરવા માટે ઓછો સમય મળે છે. માત્ર 16 દિવસમાં 20 બેઠકમાં જ વિધાનસભાનું કામકાજ પુરું કરવાનું સરકારનું આયોજન યોગ્ય નથી. વધુમાં વધુ તારાંકિત પ્રશ્નોની ચર્ચા થાય એવી કોંગ્રેસ દ્વારા માગ કરાઈ છે."
GSTના બે વર્ષઃ ગુજરાત સરકારને થઈ રહ્યું છે મોટું નુકસાન- નીતિન પટેલનો એકરાર
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, "3 હજાર કરતાં વધુ પ્રશ્નો વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવે તેવો પ્રયાસ કર્યો છે. પ્રજાકીય પ્રશ્નો અને સમસ્યાઓના મુદ્દાઓ અમે વોટસએપના માધ્યમથી માગ્યા હતા અને તેનું સંકલન કરવામાં આવ્યું છે. ત્રણ સરકારી બીલની નોટિસ મળી ચૂકી છે, વધુ પાંચ બીલ પાઇપલાઈનમાં છે. સત્ર દરમિયાન પ્રજાના મુદ્દાઓને ચર્ચવા પૂરતો અવકાશ મળવો જોઈએ."
વિધાનસભાના કાર્યક્રમ અનુસાર 2 તારીખના પ્રથમ દિવસે નાણામંત્રી રાજ્યનું બજેટ રજુ કરશે. 3 જુલાઈના રોજ સરકાર દ્વારા વિધાનસભામાં ત્રણ બિલ રજૂ કરવામાં આવશે. ત્યાર પછી આગામી 8 જુલાઈના રોજ અન્ય 5 બિલ રજૂ કરવામાં આવશે. સંસ્કૃત બોર્ડ, અશાંતધારા અંગે પણ સરકારી વિધયક આવે તેવી સંભાવના છે.
આવતીકાલે ગુજરાતનું બજેટ, રાજ્ય સરકારની જાહેરાતો પર સૌની નજર
8 જુલાઈના રોજ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા એક સરકારી પ્રસ્તાવ પણ રજુ કરવાના છે. કેન્દ્રમાં તાજેતરની લોકસભા ચુંટણીમાં જે પ્રકારે જનમતનો વિજય થયો છે તેના અંગે અભિનંદન આપતો એક સરકારી પ્રસ્તાવ લાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક રાષ્ટ્રભક્ત, પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ ધરાવતા, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા દર્શાવેલી દેશદાઝ અંગે ગુજરાત વિધાનસભામાં પ્રસ્તાવ રજુ કરાશે. આ પ્રસ્તાવ પર વિધાનસભા ગૃહમાં લગભગ 90 મિનિટની ચર્ચા થશે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-મે 2019 દરમિયાન દેશમાં લોકસભાની ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પુરક બજેટ રજૂ કરાયું હતું. હવે સરકાર આગામી નાણાકિય વર્ષ 2019-20 માટેનું પૂર્ણકાલિન બજેટ રજૂ કરશે.
જૂઓ LIVE TV....
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...