Gujaratis In America : ગેરકાયદેસર અમેરિકા જવાનો ખેલ લોકોને લાગે છે એટલો સહેલો નથી. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગના લોકોને ગેરકાયદેસર અમેરિકા જવાનું ઘેલુ લાગ્યું છે. પરંતુ આ ખેલ બહુ જ ખતરનાક છે. અમદાવાદના યુવક અને તેની પત્નીને ઈરાનમાં બંધક બનાવીને જે રીતે રૂપિયા માંગવામાં આવ્યા, તે જાણીને તમારા રુંવાટા ઉભા થઈ જશે. પરંતુ તેમની મુક્તિ થયા બાદ જે હકીકત સામે આવી તે અત્યંત ચોંકાવનારી હતી. કેવી રીતે એજન્ટોના ખેલમાં આ પતિ પત્ની ભરાયા અને તેમને જીવતેજીવ મોત દેખાયું. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિદેશ મંત્રાલયની મદદથી ઈરાનમાં બંધક બનાવાયેલા ગુજરાતી દંપતીને ગણતરીના કલાકોમાં છોડાવી લીધા. પરંતુ અમેરિકા જવા નીકળેલું આ દંપતી કેવી રીતે ઈરાન પહોંચ્યુ, એજન્ટને કારણે તેઓ કેવી રીતે ભેરવાયા તે બહુ જ ડરાવણું છે. સાથે જ ગેરકાયદેસર અમેરિકા જવાનો નવો રુટ ખતરો કા ખેલ જેવો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી 
જે યુવકનો વીડિયો સામે આવ્યો છે, તેનુ નામ પંકજ પટેલ છે. તેના સગા ભાઈ સંકેત પટેલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકમાં અરજી કરી કે, તેના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે રૂ.1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે એવુ કહ્યું હતું કે તેમના ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે. આવામાં હવે અમેરિકા પહોંચતા પહેલતા જ તેમના ભાઈ-ભાભીનુ ઈરાનમાં અપહરણ થયું હોય તેવું લાગે છે. 


Gujarat Weather Forecast : અંબાલાલ પટેલે આજના દિવસ માટે કરી હતી મોટી આગાહી


1.15 કરોડમાં અમેરિકા લઈ જવાની થઈ હતી ડિલ
પંકજ પટેલે અણેરિકા જવા માટે ગાંધીનગરના સરગાસણ ખાતે એજન્ટ પિન્ટુ ગોસ્વામી અને અભય રાવલનો સંપર્ક કર્યો હતો. બંનેને અમેરિકા પહોંચાડવા માટે 1.15 કરોડની ડીલ થઈ હતી. સંકેત પટેલના કહેવા અનુસાર, એજન્ટનો એડવાન્સમાં એક રૂપિયો પણ આપવાનો ન હતો. પંકજ પટેલ અને તેની પત્નીને પહેલા હૈદરાબાદ લઈ જવાયા હતા. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દૂબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી. જોકે, અમેરિકા જવાને બદલે દંપતી ઈરાન પહોંચ્યુ હતું. ઈરાનમાં બંનેને બંધક બનાવી લેવાયા હતા. 


ડિવોર્સી મહિલાને લગ્નની ઈચ્છા રાખવી પડી મોંઘી, લગ્નનો વાયદો કરીને યુવક છેતરી ગયો


કેવી રીતે પાર પાડ્યુ ઓપરેશન  
દંપતીને છોડાવવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગંભીરતા દાખવી હતી. એક તરફ અમદાવાદ પોલીસ રથયાત્રાની તૈયારીમાં વ્યસ્ત હતી, છતાં વિદેશ મંત્રાલય, ઈન્ટરપોલ, ઈરાન ખાતેના રાજદૂતનો સંપર્ક કરાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટેમ હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવી હતી. વિદેશ મંત્રાલય, સેન્ટ્રલ આઈબી, રો, ઈન્ટરપોલ તમામનો સંપર્ક કરાયો હતો. હર્ષ સંઘવી રાતે 3.30 સુધી પંકજ પટેલના પરિવાર સાથે રહ્યા હતા. આખરે તહેરાનથી અપહરણકારોની ચુંગલમાંથી દંપતીને મુક્ત કરાવાયા હતા. 


ગુજરાતના 7 જિલ્લામાં લોકોના રૂપિયા ખોવાઈ રહ્યા હતા, અમરેલી પોલીસે શોધ્યો શાતિર ચોર


ક્રુરતા આચરતો વીડિયો પરિવારને મોકલ્યો હતો 
પંકજ પટેલ પર યાતનાઓ કરતો આ વીડિયો તેના પરિવારજનોને મોકલાયો હતો. જેમા એક વીડિયોમાં પતિ અને પત્ની સ્વીમિંગ પુલ પાસે ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનું જણાવે છે. તો બીજા વીડિયોમાં પંકજ પટેલ પર યાતનાઓ કરવામા આવી રહી હતી. પંકજ પટેલને બાથરૂમમાં ઊંધો સૂવડાવાયો છે. તેના પીઠ પર બ્લેડથી અસંખ્ય ઘા મારવામાં આવ્યા છે. તેની આખી પીઠ લોહીથી ખરડાઈ ગયેલી હતી. દર્દથી કણસતો યુવક રીતસરનો કરગરી રહ્યો હતો. તે આજીજી કરી રહ્યો છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીંતર આ લોકો મને મારી નાંખશે. 


આ કિસ્સા બાદ તો સમજી જાઓ ગુજરાતીઓ 
આ કિસ્સો એ તમામ લોકો માટે લાલ બત્તી સમાન છે, જેઓ અમેરિકા જવાની ઘેલછામાં ખોટો રસ્તો અપનાવી લે છે. પટેલ પરિવારે પણ ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકોને ચેતવ્યા છે. નસીબ જોગે પંકજ અને નિશા પટેલ બચી ગયા, જો કે અમેરિકા જવા ખોટો રસ્તો અપનાવનાર દરેકના નસીબમાં જિંદગી નથી હોતી. તાજેતરમાં જ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં કેનેડા કે મેક્સિકો સરહદેથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા લોકો મોતને ભેટ્યા છે. કોઈ નદીમાં તણાઈ ગયું તો કોઈ હાડ થિજાવતી ઠંડીમાં ઠુંઠવાઈને મૃત્યુને ભેટ્યું.અમેરિકા જવાની લાલચમાં લોકો પોતાના અને પોતાના પરિજનો જીવ જોખમમાં નાંખતા પણ નથી ખચકાતા. એજન્ટો લોકોને વિદેશના સપના દેખાડીને કરોડો રૂપિયા તફડાવી લે છે અને તેમને જીવના જોખમે બોર્ડર ક્રોસ કરાવવા બીજાના ભરોસે છોડી દે છે. જો રસ્તામાં કોઈ મુશ્કેલી સર્જાય તો એજન્ટો હાથ અદ્ધર કરી દે છે. ઈરાનના કિસ્સા બાદ હવે લોકોએ સમજી લેવું પડશે.