ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં દિવસેને દિવસે દીપડાની દહેશત વધતી જાય છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં દીપડો અચાનક દેખા દે છે અને તેને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ રાજકોટ જિલ્લામાં માનવભક્ષી દીપડાએ દહેશત મચાવી છે. દીપડાને પકડવા બે જગ્યા પિંજરા મુકવામાં આવ્યાં છે. જોકે, દીપડા હજુ સુધી પકડમાં આવી શક્યો નથી. એજ કારણ છેકે, ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. દીપડાની દહેશતના કારણે રાજકોટના લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. રાત્રે એકલા ન નીકળવા સલાહ પણ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટની ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તાર સુધી દીપડો પહોંચી ગયો છે. રાજકોટ જિલ્લામાં 4 અલગ અલગ જગ્યાએ દીપડો દેખાતાં ફફડાટ વ્યાપી ગયો છે. હમણાં થોડા દિવસ અગાઉ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પણ દીપડાએ દેખા દીધી હતી. દીપડાએ દહેગામ જિલ્લાના બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેને કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આમ, દીપડો હવે વન વિસ્તાર છોડીને શહેરી વિસ્તારોમાં પણ પ્રવેશ કરી રહ્યો છે જે એક ખતરાની ઘંટી સમાન છે.


રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરી રહ્યો છે. રાજકોટના કણકોટ અને કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો લટાર મારી રહ્યો હોવાની વનવિભાગે પુષ્ટિ કરી છે. કૃષ્ણનગર વિસ્તારમાં માલધારીના વંડામાં દીપડાએ મારણ કર્યાનું પણ સામે આવ્યું છે. વંડાની અંદર દીપડાના ફૂટ પ્રિન્ટ જોવા મળ્યા હતા. ખેડૂતો અને પશુપાલકોને પણ ધ્યાન રાખવા માટે વનવિભાગે અપી કરી છે. આ સિવાય વાગુદડ, મુંજકા અને રામનગર ગામમાં પણ દીપડાના આંટાફેરા રહેતા હોવાની જાણકારી મળી રહી છે. જે ગામોમાં દીપડો ફરી રહ્યો છે ત્યાંના સ્થાનિકોએ આખી રાત ભયના ઓથાર નીચે કાઢી રહ્યા છે. દીપડાને પકડવા વન વિભાગે પાંજરૂ પણ ગોઠવી દીધું છે. સાંજના સમયે દીપડો બહાર નિકળતો હોવાથી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. જો કે હજુ સુધી માનવ પર દીપડાએ હુમલો કર્યાની કોઈ ઘટના સામે આવી નથી. 


તમને જણાવી દઈએ કે, અગાઉ રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે કણકોટ પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો હતો. ગઈકાલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ પહોંચી હતી. વન વિભાગ દ્વારા કૃષ્ણનગર પાસે પાંજરા મૂકવામાં આવ્યા છે. છેલ્લા દસ દિવસથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાની શોધખોળ ચાલુ છે. દીપડાના વાવડ મળી રહ્યા છે, પણ સગડ નથી મળતા. 10 દિવસથી કવાયત છતા હજુ દીપડો પકડાયો નથી. 10 દિવસથી દીપડો વન વિભાગની ટીમને હંફાવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા રોજરોજ લોકેશન આપવામાં આવે છે પરંતુ દીપડાની ભાળ નથી મળતી. 


ગામના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાગુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. સાંજના સમયે દીપડો દેખાતા વન વિભાગને જાણ કરાઈ છે અને રાત્રે વન વિભાગ પણ પહોંચી જતા સગડના આધારે દીપડાની ખોજ શરૂ કરી છે.વાગુદળમાં સ્મશાન પાસે જ મિયાવાકીથી વૃક્ષારોપણ કરાયું છે, તે મિયાવાકી પ્લાન્ટેશન બાદ ગાડા માર્ગ આવે છે ત્યાંથી ગામના કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે સાંજે 7 વાગ્યાના સમયે તેમના વાહનથી 10 ફૂટ દૂર જ દીપડો રસ્તો ઓળંગતો દેખાયો હતો. જેથી ગ્રામજનો એ તુરંત જ સરપંચ મુકેશભાઇ સહિતનાઓને જાણ કરી હતી. જેને લઈને વન વિભાગ સક્રિય થયું હતું.