ઝી ન્યૂઝ/ બ્યુરો: રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી માવઠાના માહોલ બાદ ફરીથી હાડ થીજાવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડયો છે. જ્યારે હજુ પણ રાજ્યમાં ઠંડી વધવાના અણસાર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉતર- પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધશે. જ્યારે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આજે નલિયાનું લઘુતમ તાપમાન 8.8 ડીગ્રી નોંધાયું છે, હજુ વધુ  2થી 3 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટવાની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતભરમાં આગામી 3 દિવસ ઠંડીનો અહેસાસ થશે. આવતીકાલ (10 ડિસેમ્બર 2021)થી રાજ્યમાં ઠંડીની અસર ચાલું થશે અને 3 દિવસ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. બીજી બાજુ 8.8 ડીગ્રી તાપમાન સાથે નલિયા સૌથી વધુ ઠંડુગાર રહ્યું છે. જ્યારે કંડલા 10.8, ડીસા અને પાટણ 13.8, ભુજ 14 અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.9 ડીગ્રી નોંધાયું છે. 


હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇ આગાહી કરવામાં આવી છે કે આગામી 10મી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે આકાશ સ્વચ્છ થતાં ટૂંક સમયમાં જ ઠંડીનો ચમકારો વધશે. 10 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધશે. જ્યારે, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ રહેલી છે. ઠંડી વધતા અમદાવાદમાં મોર્નિંગ વોકર્સ અને કસરત કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે.


આ સાથે હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે. ધુમ્મસ ભર્યું વાતાવરણ હોવાના કારણે વાહનચાલકોને વાહનોની લાઈટ્સ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેના લીધે સવારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube