ગાંધીનગરઃ રાજ્યમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 
લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો.આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યુ કે, આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. ૧૪ ફેબ્રુઆરીથી ૦૬ માર્ચ, ૨૦૨૩ સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી લાલ ડુંગળીનું એ.પી.એમ.સી.માં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને જ આ લાભ મળવાપાત્ર રહેશે, તેમ જાહેર કરાયું હતું.આ બાબતે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા કરાયેલી માંગણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સમયગાળાની મર્યાદાને વધારીને હવે તા.૧૪/૦૨/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ


તેમણે ઉમેર્યુ કે, આ નિર્ણયના પરિણામે આ સમયગાળા દરમિયાન પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલી લાલ ડુંગળી ખેતરથી એ.પી.એમ.સી.માં જ વેચાણ કરી હોય તેવા અન્ય ખેડૂતોને પણ આવરી લેવામાં આવશે. નવા સમયગાળામાં આવરી લેવાયેલા ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓનલાઇન અરજી કરી શકે તે માટે પોર્ટલ આગામી તા. ૨૬/૦૭/૨૦૨૩ સુધી ખુલ્લુ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube