350 કરોડની ટેક્સ ચોરી કેસમાં ગુજરાતની આ કંપની પર IT ના દરોડા, કરોડોનો ખજાનો જપ્ત
350 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના આરોપમાં આવકવેરા વિભાગે શાહ પેપર મિલના 18 ઠેકાણા પર દરોડો પાડ્યા હતા. આ દરમિયાન ટીમને 2.25 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.
વાપીઃ આવકવેરા વિભાગે મંગળવારે વાપી ઉદ્યોગ નગર સ્થિત શાહ પેપર મિલની યુનિટ સહિત મુંબઈ કાર્યાલય અને ડાયરેક્ટરોના આવાસ સહિત કુલ 18 જગ્યાએ દરોડા પાડ્યા છે. કંપની પર આરોપ છે કે આ કંપનીએ 350 કરોડ રૂપિયાની ચોરી કરી છે. આવકવેરા વિભાગની ટીમને દરોડા દરમિયાન બે કરોડ રૂપિયા રોકડા અને 2 કરોડ રૂપિયાના આભૂષણ મળ્યા છે. કંપની પર છેલ્લા 6-7 વર્ષમાં નકલી ખોટ દેખાડવા અને ટેક્સ બચાવવાનો આરોપ છે.
આવકવેરા વિભાગે જણાવ્યું કે દરોડા દરમિયાન 2.25 કરોડ રૂપિયા કેશ, 2 કરોડની જ્વેલરી, ખરીદ-વેચાણના કાગળ સહિત લોન અને વહી ખાતા જપ્ત કરવામાં આવ્યા છે. દસ્તાવેજોની તપાસ પૂરી થયા બાદ ટેક્સ ચોરીનો ખુલાસો થશે. નોંધનીય છે કે આ પહેલાં પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. હકીકતમાં, નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ વાપીના ઉદ્યોગ નગરમાં આવેલી શાહ પેપરમિલમાં કેટલાક બેનામી વ્યવહારો થયાની શંકાના આધારે સુરત કમિશનરેટના નેજા હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. 15થી વધુ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ માટે અગાઉથી તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કૃષ્ણની દ્વારિકાની જેમ ગુજરાતના આ વિસ્તારો પણ દરિયામાં ડૂબી જશે, ડરમાં જીવે છે લોકો
નોંધનીય છે કે આ ગ્રુપના વાપીમાં કુલ ત્રણ યુનિટ છે. તેમાં એક યુનિટને હાલમાં બંધ કરી દેવામાં આવ્યું છે. આ ગ્રુપના બે યુનિટ અને સરિગમના ડાયરેક્ટર અને તેના બે સહયોગીઓના આવાસ પર પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ટેક્સ ચોરીનો આરોપ લાગ્યા બાદ શાહ પેપર મિલની ચર્ચા શિક્ષણ જગતમાં પણ શરૂ થઈ ગઈ છે. કારણ કે રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ તરફથી 32 હજાર મેટ્રિક ટન કાગળની ખરીદી માટે જારી ટેન્ડરમાં પણ તેનું નામ છે. આવનારા દિવસોમાં વધુ ફર્મ ઝડપાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube