ગુજરાતના દરિયામાંથી 425 કરોડનું 61 કિલો ડ્રગ્સ ઝડપાયું, કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન
ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો છેલ્લા કેટલાક સમયથી સતત ચાલી રહ્યો છે. આજે પણ કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે.
મૌલિક ધામેચા, અમદાવાદઃ ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે જોઈન્ટ ઓપરેશનમાં મધ દરિયેથી 425 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 61 કિલો માદક પદાર્થ સાથે 5 ક્રુ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ માટે ક્રૂ મેમ્બર અને બોટને ઓખા બંદર પાસે લઈ જવામાં આવી છે. ભારતીય જળસીમામાંથી બોટ સાથ આ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે.
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન
ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાત એટીએસના ઇનપુટની મદદથી ભારતીય જળસીમામાંથી 5 ક્રૂ સાથે ઈરાની બોટને ઝડપી હતી. આ બોટમાં 425 કરોડની કિંમતનું 61 કિલો હિરોઈન મળી આવ્યું છે. સોમવાર 6 માર્ચે એટીએસ દ્વારા ચોક્કસ ઇનપુરના આધારે કોસ્ટગાર્ડે દરિયામાં પેટ્રોલિંગ માટે બે વહાણો મીરાબેહન અને આઈસીજીએસ એબીકે તૈનાત કર્યાં હતા.
આ પણ વાંચો- અંબાજીમાં શ્રદ્ધાળુઓનાં વિરોધ બાદ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થવાની શક્યતા
આ સમય દરમિયાન એક બોટ ભારતીય પાણીમાં શંકાસ્પદ રીતે આગળ વધતી જોવા મળી હતી. જે ઓખાના દરિયાથી આશરે 340 કિલોમીટર દૂર હતી. કોસ્ટગાર્ડની નજર શંકાસ્પદ બોટ પર પડી હતી. ત્યારબાદ આ બોટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કોસ્ટગાર્ડના જવાનો દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. જ્યારે આ શંકાસ્પદ બોટને રોકવામાં આવી તો તેમાં ઈરાની નાગરિકતા ધરાવતા પાંચ ક્રૂ મેમ્બર્સ હતા. આઈસીજી બોર્ડિંગ ટીમ દ્વારા બોટની તપાસ કરતા ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા જણાયા હતા. બોટમાં ચેકિંગ બાદ 425 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારબાદ ક્રૂ સાથે આ બોટને ઝડપી પાડવામાં આવી છે અને વધુ તપાસ માટે ઓખા મોકલી દેવામાં આવી છે.
નોંધનીય છે કે છેલ્લા 18 મહિનામાં એટીએસ અને કોસ્ટગાર્ડે મળીને 2255 કરોડ રૂપિયાનું કુલ 407 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube