અંબાજીમાં શ્રદ્ધાળુઓનાં વિરોધ બાદ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થવાની શક્યતા, કલેક્ટરે આપી ખાતરી

કલેક્ટરનાં આ નિવેદનને જોતાં આશાવાદ ઉભો થયો છે કે મંદિર ટ્રસ્ટ ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરી શકે છે. જો કે અહીં કલેક્ટરની એ સ્પષ્ટતા નોંધવા જેવી છે, જેમાં તેઓ કહે છે કે પ્રસાદને કમાણી સાથે કોઈ લેવા દેવા નથી.

અંબાજીમાં શ્રદ્ધાળુઓનાં વિરોધ બાદ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થવાની શક્યતા, કલેક્ટરે આપી ખાતરી

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓનાં વિરોધ  બાદ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાય તેવી શક્યતા છે. જિલ્લા કલેક્ટરે આ અંગેની ખાતરી આપી છે. વિપક્ષ અને શ્રદ્ધાળુઓનાં વિરોધને જોતાં તંત્રએ પાછીપાની કરવી પડે તેમ છે.

અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાથી ભારે વિરોધનો સામનો કરવો પડશે, એ મંદિરનાં વહીવટકર્તાઓએ વિચાર્યું પણ નહીં હોય. ટ્રસ્ટી મંડળે આસ્થા અને પરંપરા સાથે વણાઈ ગયેલા મોહનથાળની જગ્યા ચિકીનો પ્રસાદ શરૂ કરાવ્યો. જો કે તેની સામે શ્રદ્ધાળુઓએ વાંધો ઉઠાવ્યો, વિરોધ કર્યો. હિંદુ સંગઠનોએ સોમવારે બનાસકાંઠાના કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું. વહીવટી તંત્ર સામ રોષ ઠાલવ્યો. જિલ્લા કલેક્ટરે તમામની રજૂઆત સાંભળીને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી.

કલેક્ટરનાં આ નિવેદનને જોતાં આશાવાદ ઉભો થયો છે કે મંદિર ટ્રસ્ટ ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરી શકે છે. જો કે અહીં કલેક્ટરની એ સ્પષ્ટતા નોંધવા જેવી છે, જેમાં તેઓ કહે છે કે પ્રસાદને કમાણી સાથે કોઈ લેવા દેવા નથી.

તેનું કારણ એ છે કે વિપક્ષ કોંગ્રેસે મંદિર ટ્રસ્ટ પર ચિકીનાં પ્રસાદના નામે કમાણી વધારવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સોમવારે અંબાજી પણ પહોંચ્યું. કોંગ્રેસના નેતાઓએ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા રજૂઆત કરી..કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં સત્તાધીશોને પણ મળ્યું. વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર શ્રદ્ધાળુઓની લાગણી સાથે રમત રમવાનો આક્ષેપ કર્યો.

બનાસકાંઠાની દાંતા બેઠકથી કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિ ખરાડીએ તો પ્રસાદ મામલે વિધાનસભામાં ચર્ચા કરવાની પણ માગ કરી છે. આ માટે તેમણે ગૃહમાં નોટિસ પણ આપી છે.

શ્રદ્ધાળુઓની પણ એક જ માગ છે કે અંબાજીમાં પ્રસાદ તરીકે મોહનથાળ જ જોઈએ...મંદિરમાં આવતા દર્શનાર્થીઓ તો ચિક્કીનાં પ્રસાદનો બહિષ્કાર પણ કરી રહ્યા છે.

હવે જોવું એ રહેશે કે મંદિરનાં વહીવટકર્તાઓ પ્રસાદ અંગે શું નિર્ણય લે છે. વાત હવે વિધાનસભા સુધી પહોંચી છે, ત્યારે સરકારની પ્રતિક્રિયાની પણ રાહ જોવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news