ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય રેસ્ક્યૂ ટીમ રોમાનિયાની બોર્ડર સુધી પહોંચી ગઈ, જ્યાંથી યુક્રેનની રાજધાની કીવનું અંતર ફક્ત 12 કલાક છે. આ ભારતીય રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને વિમાન સુધી પહોંચાડવામાં મદદ કરશે. ત્યારે ફસાયેલા વિદ્યાર્થીઓ અને લોકોને પરત આવવાની આશા જાગી છે. ત્યારે જલ્દી જ ભારતીય વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરાશે. બોર્ડર સુધી પહોંચી રહેલા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બસમાં બેસેલા વિદ્યાર્થીઓએ વંદેમાતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના અનેક રાજ્યોના તથા ગુજરાતના વિદ્યાર્થીઓ યુક્રેનથી પોલેન્ડ જવા રવાના થયા. તમામ વિદ્યાર્થીઓને બસમાં શિફ્ટ કરાઈ રહ્યાં છે. ત્યારે બસમાં બેસીને વિદ્યાર્થીઓે રાહતનો શ્વાસ લીધો છે. બસમાં વિદ્યાર્થીઓએ વંદેમાતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.  ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી આ પહેલને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


ગુજરાતના 44 વિદ્યાર્થીઓ પરત આવશે
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માહિતી આપતા કહ્યુ કે, ભારત સરકારના સંનિષ્ઠ પ્રયાસોથી ભારતીય નાગરિકો અને વિધાર્થીઓને હેમખેમ પરત લાવવાનો નિર્ધાર કર્યો છે. એક ફ્લાઇટ 3 વાગે દિલ્હી પહોંચશે, જેમાં 44 વિદ્યાર્થીઓ ગુજરાતના છે. મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે તમામને વોલ્વો દ્વારા સુરક્ષિત ગુજરાતમાં લાવવામાં આવશે. જેમાં દાહોદના 6 વિદ્યાર્થીઓ છે. દાહોદ કલેક્ટર સાથે વાત થઈ છે. ઘણા લોકો સાથે વાત કરી છે, તેઓ સુરક્ષિત છે. ભારત સરકાર સાથે અમે સતત સંપર્કમાં છીએ. તમામ લોકો હેમખેમ પરત આવે એવી તમામ વ્યવસ્થા કરાઈ છે. ગુજરાત સરકારે પ્રો એક્ટિવ પગલાં લઈને કામગીરી કરી છે. તમામ માતાપિતાને હું આશ્વાસન આપું છું કે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત આવશે. ગુજરાતના અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓ હોઈ શકે છે, હાલ 44 પરત આવી રહ્યા છે. અમદાવાદના એનેકસી સર્કિટ હાઉસ ખાતે બસ આવી શકે એવી સંભાવના છે. 


આ પણ વાંચો : યુક્રેનથી Live : ગુજરાતી વિદ્યાર્થીનીએ વીડિયોથી બતાવ્યા યુક્રેનની તબાહીના દ્રશ્યો, રશિયાએ ફૂંકેલુ બંકર બતાવ્યું 


વિદ્યાર્થીઓ બસમાં બેસતા જ તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને જલ્દી જ ભારત પહોંચશે તેવી આશા જાગી છે. બસમાં બેસેલી એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, હાલ 52 જેટલા વિદ્યાર્થીઓને પોલેન્ડ લઈ જવામાં આવી રહ્યા છે. જેમાં 38 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી છે અને 14 વિદ્યાર્થીઓ અન્ય રાજ્યના છે. તમામ અમારી સાથે બસમાં છે. અમે બધા જ અત્યારે પોતાને થોડા સુરક્ષિત અનુભવી રહ્યા છે. કારણ કે બસ દ્વારા અમને પોલેન્ડ લઈ જવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ ત્યાંથી ભારત પરત લઈ આવવામાં આવશે એ પ્રકારની વિગતો અમને હાલ મળી રહી છે.


આ પણ વાંચો : સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ પર બે દિવસમાં બીજી ફરિયાદ, એર હોસ્ટેસ સાથે કરી મારામારી


વલસાડના મોગરવાડી ખાતે રહેતી યુવતી ભારતના અન્ય જેટલા વિદ્યાર્થીઓ બાય રોડ ટેક્ષીમાં રોમેનિયા જવા રવાના થઈ છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય મૂળના કેટલા વિદ્યાર્થીઓ યુક્રેન ખાતે ફસાયા હતા. ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે ભારત સરકાર દ્રારા 4 જેટલી ફ્લાઈટમાં વિદ્યાર્થીઓને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે વલસાડના મોગરવાડી ખાતે રહેતી અંજલી ચૌધરી નામની યુવતી યુક્રેન ખાતે ફસાયેલી હતી. તે પોતાના સાથી મિત્રો સાથે ભારત આવવા રવાના થઈ છે. યુવતી સાથે ભારતીય મૂળના 24 જેટલા વિદ્યાર્થીઓ રોમેનિયા જવા માટે ટેક્સી મારફતે રવાના થયા છે. રોમાનિયા પહોંચવા માટે વિદ્યાર્થીઓને 7 થી 8 કલાકનો સમય લાગશે. રોમેનિયા પહોંચ્યા બાદ યુવતી ફ્લાઈટથી દિલ્હી આવશે. ત્યાર બાદ તે ઘરે પરત આવશે.


યુક્રેનમાં ભારતીયો માાટે નવી એડવાઈઝરી જાહેર કરાઈ છે. તેઓને બોર્ડર એરિયામાં ન જવાની કડક સૂચના અપાઈ છે. સાથે જ અધિકારીઓ સાથે અગાઉથી સંકલન કરવા જણાવાયું છે. યૂક્રેન-રશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સ્થિતિ તંગ બની છે, જેથી ફસાયેલા લોકોને બોર્ડર એરિયામાં ન જવાની કડક સૂચના અપાઈ છે. MEAએ ટ્વીટ કરીને કહ્યું છે કે, તમામ ભારતીય નાગરિકોને બોર્ડર પોસ્ટ પર ભારત સરકારના અધિકારીઓ સાથે વાતચીત કરવાની સલાહ આપવામાં આવે છે અને પૂર્વ સંકલન વિના કોઈપણ સરહદી ચોકી પર ન જશો, તેવું પણ કહેવામાં આવ્યું છે. 


નોંધનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી થઈ રહી છે, અને આ તમામને રોમાનિયા થઈને દેશમાં પાછા લાવવામાં આવી રહ્યા છે.. મળી રહેલી માહિતી પ્રમાણે લગભગ 20 હજાર જેટલા ભારતીયો યૂક્રેનમાં છે, જેમાં ત્યાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે. કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં જણાઈ રહ્યું છે કે, વિદ્યાર્થીઓને બંકરોમાં છૂપાઈને જવાની ફરજ પડી રહી છે. યુક્રેન પર રશિયાના હુમલાથી પડોશી દેશો પણ ડરી ગયા છે. પાડોશી દેશો રોમાનિયા, પોલેન્ડ, લાતવિયા, એસ્ટોનિયા પણ એલર્ટ પર છે. આ દેશોમાં કટોકટી જાહેરાત કરવામાં આવી છે અને સેનાને કોઈપણ હુમલાનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવી છે.