BJPને રામ રામ કહેનારા જયનારાયણ વ્યાસનો હુંકાર, `હું વિધાનસભાની ચૂંટણી તો લડીશ, મારી પાસે બે ઓપ્શન છે`
Gujarat, Election 2022: જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ તેમની ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામ કહી દીધા છે. જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ તેમની ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા. જોકે શુક્રવારે મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યાની વાત વહેતી થઈ હતી.
પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, મેં 32 વર્ષ બીજેપી સાથે ગાળ્યા છે. મને ભાજપ સાથે કોઇ વાંધો નથી. પરંતુ જિલ્લામાં એક તરફી ચાલવાના વલણથી હું નારાજ છું. મેં અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે પણ રસ લઈને બધુ સમુ સુથરૂ કર્યુ હતું. પણ દર વખતે મારા કાર્યકરોની અવગણના થાય, કોઈ ઝઘડા થાય તેમાં પ્રદેશ અધ્યક્ષને કહેવું મારા મતે યોગ્ય નથી. જેના કારણે મેં પહેલા પણ વિચાર્યું હતું કે એના કરતા હું જાતે જ વચ્ચેથી નીકળી જાવ તો સારું છે. પરંતુ આ વખતે તો પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમનું જે રીતનું વલણ છે, એટલું ન નહીં, અમારા બીજા એક આગેવાન છે કેસરી પટેલ, જેના કારણે મને સતત ફરિયાદીની સ્થિતિમાં રાખે છે અને મારા કાર્યકરોને સતત અન્યાય થાય આ પ્રકારની પાટણમાં બેસેલા ચારથી પાંચ લોકો અન્યાય કરી રહ્યા છે.
જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, હું પાટણ જિલ્લા ભાજપથી કંટાળ્યો છું. પાટણ જિલ્લા ભાજપમાં ટાંટિયાખેંચ ચાલે છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મને કાયમી ફરિયાદી બનાવ્યો છે. પાટણ જિલ્લામાં એક તરફી કામગીરી થતો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું કેજરીવાલને મળું એટલે આપમાં જઈશ તેમાં તથ્ય નથી. ભાજપ સાથે મને કોઈ સંઘર્ષ નથી. પરંતુ હા હું અપક્ષ તરીકે ચૂંટણી નહી લડું. હાલ કંઈ પાર્ટીમાં જઈશ તે પણ નક્કી કર્યું નથી. કાર્યકરો જે નક્કી કરશે તે પાર્ટીમાંથી લડીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મને કાયમી ફરિયાદી બનાવ્યો છે. આજે હું કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી નિર્ણય કરીશ.
જયનારાયણ વ્યાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હું ચુંટણી લડીશ. સિધ્ધપુરના ગરીબ લોકો માટે કામ કરવા રાજકારણમાં આવ્યો છું. મારા માટે કોંગ્રેસ અને આપ બન્નેમાં દ્વાર ખુલ્લા છે. દરેક પાર્ટીના નેતાઓ મારે ત્યાં આવે છે. કોંગ્રેસ અને આપ બન્ને પાર્ટીઓમાં જવાના મારી પાસે ઓપ્શન છે. પાટણ જિલ્લા ભાજપ પર ચાર પાંચ લોકો કબજો જમાવીને બેઠા છે. જે પાર્ટીને આગળ વધારવાનું નહી પણ ટાંટીયા ખેંચનુ કામ કરે છે.
જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, મને પ્રદેશ પ્રમુખનો પુરેપુરો સહકાર છે, મેં જ્યારે જ્યારે તેમને રજૂઆત કરી ત્યારે તેમણે મને સહયોગ આપ્યો છે. સામેથી કોઈ મુશ્કેલીઓ હોય તે દૂર કરી આપી. તેમ છતાં એક એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી મારે દર વખતે ફરિયાદી તરીકે જવાનું થતું હતું. આટલી સિનિયારિટી બાદ આવી નાની નાની બાબતો પ્રદેશ અધ્યક્ષને ફરિયાદો કરવી પડે અને તો જ કામ થાય એ મને લાગે છે કે ખુબ જ પીડાજનક હતું. અને છેવટે મેં કંટાળીને નિર્ણય કર્યો કે આપણે આને રામ રામ કરી દઈએ. આમાથી કાર્યકરો પણ મુક્ત થાય અને આપણે પણ મુક્ત થઈ જઈએ. જેણા કારણે મેં પાર્ટી છોડી દીધી.
જયનારાયણ વ્યાસનો ખુલાસો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા અંગે જયનારાયણ વ્યાસે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું વિધાનસભાની ચૂંટણી તો લડીશ. સિદ્ધપુરના ગરીબ લોકોના કામ કરવા રાજકારણમાં આવ્યો છું. ભાજપમાંથી રાજીનામું આપ્યા પછી પણ મારી પાસે બે ઓપ્શન છે. હું અપક્ષ તરીકે ચૂંટણી નહીં લડું. મારી પાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જવાના દરવાજા ખુલ્લા છે. આગામી 3 દિવસમાં હું કઈ પાર્ટીમાં જઈશ તેનો નિર્ણય જાહેર કરીશ.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. લાંબા સમયથી જયનારાયણ વ્યાસ ભાજપથી નારાજ હતા. થોડા દિવસ પહેલાં જ 29 ઓક્ટોબરે જયનારાયણ વ્યાસ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. હવે જયનારાયણ વ્યાસ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચા તેજ બની છે. જયનારાયણ વ્યાસ હવે કોંગ્રેસમાં જોડાશે કે આપમાં? તે અંગે ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube