VIDEO: વિધાનસભા ગૃહમાં મારામારી, જિજ્ઞેશે ભાજપ પર કર્યા અતિ ગંભીર આક્ષેપો
ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે અત્યંત શરમજનક બનાવ બન્યો. ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીના દ્રશ્યો જોવા મળ્યાં. આ સમગ્ર ઘટના અંગે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નિવેદન આપ્યું.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે અત્યંત શરમજનક બનાવ બન્યો. ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીના દ્રશ્યો જોવા મળ્યાં. મળતી માહિતી મુજબ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવામાં આવતા આ મામલો વણસ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે છૂટાહાથે મારામારી થઈ. એવો પણ આરોપ છે કે દૂધાતે પંચાલને લાફો માર્યો અને બેલ્ટથી હુમલો પણ કર્યો. કોંગ્રેસના ધારાસભ્યો ઘટના દરમિયાન વેલમાં ધસી આવ્યાં હતાં.ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા માઈકને પણ તોડી નાખવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યો અમરિશ ડેર અને વિક્રમ માડમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ સમગ્ર ઘટના અંગે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નિવેદન આપ્યું.
સરકાર આસારામ કેસ મામલે કેમ રિપોર્ટ રજૂ કરતી નથી? વાંચો
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ બંને ઓપોઝીટ કેમ્પમાં છે, હું પણ ઓપોઝીટ કેમ્પમાં છું. આ રીતની છૂટાહાથની મારામારી તદ્દન અયોગ્ય અને અશોભનીય છે. ગૃહ માટે આજે ખુબ ખરાબ દિવસ રહ્યો. કયાં સવાલના જવાબમાં આ રીતે મારામારી જોવા મળી જેના જવાબમાં જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે "સૌથી પાયાનો સવાલ જ એ છે અને આ મારો પહેલો પ્રશ્ન હતો કે આશારામના આશ્રમમાં દીપેશ અને અભિષેકની તાંત્રિક વિધિના કારણે જે હત્યા કરવામાં આવી અને તે મામલે પીડિત પરિવારોને પોલીસ તંત્ર પર શ્રદ્ધા નહતી અને તેમણે કમિશનની રચનાની ડિમાન્ડ કરી હતી. જે મુજબ કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ હેઠળ કમિશનની રચના થઈ. ડી. કે. ત્રિવેદી પંચ નિમાયું. લગભગ ચાર વર્ષ પહેલા આ તપાસનો અહેવાલ આપી દીધો છે, છતાં કોઈ અગમ્ય ભેદી રહસ્યમય કારણસર , કદાચ ભાજપના કોઈ મોટા નેતાનું નામ ખુલતું હોય એવી આશંકાના કારણે આ ડી કે ત્રિવેદી પંચનો અહેવાલ ગૃહમાં ટેબલ થતો નથી."
અલ્પેશ ઠાકોરે કહ્યું કે વિધાનસભામાં ગાળો આપવી એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના
જિજ્ઞેશ મેવાણીએ વધુમાં કહ્યું કે "કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટની કલમ 3ની પેટાકલમ 4 એવું સ્પષ્ટ કહે છે કે 6 મહિનાની અંદર આ તપાસ અહેવાલને ગૃહમાં ટેબલ કરવો પડે અને તપાસ પંચના અહેવાલના આધારે શું એક્શન લેવામાં આવ્યા એ પણ તમારે ગૃહની અંદર રજુ કરવું પડે. છતાં ક્યાંકને ક્યાંક આશારામને બચાવવા માટે, આશારામના ભક્તો ભાજપના હોવાના કારણે , ભાજપના મંત્રીઓ નેતાઓના કારણે આ અહેવાલ ગૃહમાં ટેબલ થતો નથી. તેમણે એમ પણ કહ્યું કે આશારામને બચાવવાની ભાજપની મેલી મુરાદ વધુ એકવાર ઉજાગર થઈ."