મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ માટે ન્યાયિક તપાસ પંચની રચના
હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે.રાઠોડનું કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ન્યાયિક તપાસ પંચ રચવાની જાહેરાત કરી છે.
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં મગફળીના ગોડાઉનોમાં લાગેલી આગની ઘટનાઓના સંદર્ભમાં સંપૂર્ણ તપાસ માટે હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે.રાઠોડનું કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ન્યાયિક તપાસ પંચ રચવાની જાહેરાત કરી છે.
આ અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગોંડલ, શાપર(વેરાવળ), હાપા(જામનગર), ગાંધીધામ(કચ્છ) એમ ચારેક ગોડાઉનમાં મગફળીના જથ્થામાં લાગેલી આગ અંગે સરકારે શરૂઆતથી જ સી.આઇ.ડી. ક્રાઇમને તપાસ સોપી હતી અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીને પણ આ તપાસમાં જોડી હતી. આ તપાસ પ્રક્રિયા ચાલુ છે અને રાજય સરકાર કોઇપણ દોષિતને છોડવાની નથી.
સીએમ વિજયભાઇ રૂપાણીએ મગફળી ગોડાઉનમાં લાગેલી આગના બનાવના કારણો અને જવાબદારોને શોધી કાઢવા કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ હાઇકોર્ટના નિવૃત જજનું એક ન્યાયિક તપાસ પંચ રચવાનો નિર્ણય કર્યો છે. આ પંચ ઝડપથી પોતાની નિષ્પક્ષ તપાસ પૂર્ણ કરીને અહેવાલ રજૂ કરશે.
આ સાથે ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, જ્યાં-જ્યાં મગફળીમાં ભેળસેળ કરવામાં આવી છે કે તેમાં માટી ભેળવવામાં આવી છે આવા દોષિતો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.