અમદાવાદઃ સોશિયલ મીડિયા પર છબી ખરડાય તેવું લખાણ લખવાના વિરુદ્ધમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અમદાવાદ શહેરની સિટી સિવિલ કોર્ટમાં અશ્વિન સાંકડસરિયા નામની વ્યક્તિ સામે બદનક્ષીનો દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. ગુરૂવારે આ અરજીની સુનાવણી દરમિયાન જેમની સામે અરજી કરાઈ છે તે અશ્વિન સાંકડસરિયા કે તેમનો વકીલ બંનેમાંથી કોઈ પણ કેસની સુનાવણી દરમિયાન હાજર ન રહેતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા શહેરની કોર્ટમાં પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અશ્વિન સાંકડસરિયા દ્વારા સોશિયલ મીડિયામાં થતી તેમની બદનામી પર રોક લગાવવા માટે બુધવારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. ગુરૂવારે આ કેસની સુનાવણી દરમિયાન કાજલ ઓઝા વૈદ્યના વકીલે દલીલો આપતા કોર્ટને કહ્યું કે, "સોશિયલ મીડિયામાં વાણી સ્વાતંત્ર્યનો હક્ક છે, પરંતુ અપશબ્દોથી કોઈની છબી ખરડાય તેવું લખાણ યોગ્ય નથી. કોઈના વિશે અપશબ્દો લખ્યા પછી પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી હોય તો પણ આ પોસ્ટ લોકોનાં મગજમાં રહેતી હોય છે તેનું શું?"


જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્યે અશ્વીન સાંકડસરિયા સામે કર્યો બદનક્ષીનો દાવો


કાજલ ઓઝાના વકીલે કોર્ટને જણાવ્યું કે, આરોપી અશ્વિન સાંકડસરિયા આજે કોર્ટમાં હાજર રહ્યા નથી. તેમણે આજે પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે. અશ્વિન સાંકડસરિયાએ વાણી સ્વાતંત્ર્યના અધિકારનો દુરૂપયોગ કર્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન આરોપી અશ્વિન સાંકડસરિયા કે તેમના વકીલ કોઈ પણ હાજર ન થતાં કોર્ટ નારાજ થઈ હતી. 


ઝી 24 કલાક દ્વારા આ અંગે અશ્વિન સાંકડસરિયાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું કે, "મને કોર્ટ તરફથી કોઈ સમન્સ મળ્યું નથી. ફેસબુક પર પોસ્ટ કરવી એ કોઈ ગુનો નથી. જો કોર્ટ તરફથી સમન્સ મળશે તો ચોક્કસ આવતી તારીખે કોર્ટમાં હાજર થઈશ. કાજલ ઓઝાની માફી માગવાનો સવાલ જ આવતો નથી. જો કાજલ ઓઝા પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયનું અપમાન કરવા બદલ માફી માગશે તો હું પણ માફી અંગે વિચારીશ."


જુઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....