બેંગ્લુરુ: ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી હાલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં છે. મેવાણીએ કર્ણાટકમાં પણ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. શુક્રવારે ચિત્રદુર્ગમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જિજ્ઞેશે લોકોને વિવાદાસ્પદ અપીલ કરી જેના કારણે ભાજપે ચૂંટણી પંચને તેમની ફરિયાદ કરી છે. ચિત્રદુર્ગ ભાજપ અધ્યક્ષની ફરિયાદ પર જિજ્ઞેશ મેવાણી સામે એફઆઈઆર દાખલ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેવાણીએ લોકોને અપીલ કરતા કહ્યું કે તેઓ પીએમ મોદીની સભામાં હંગામો કરે. જિજ્ઞેશે કહ્યું કે કર્ણાટકના યુવાઓની સૌથી મોટી ભૂમિકા એ હોઈ શકે કે તેઓ 15 એપ્રિલના રોજ બેંગ્લુરુમાં થનારા કેમ્પેઈનમાં ખુરશીઓ ઉછાળે, તેમના કાર્યક્રમમાં હંગામો કરે અને પૂછે કે 2 કરોડ રોજગારનું શું થયું. જો તેમની પાસે જવાબ ન હોય તો તેઓ હિમાલય જતા રહે.


કર્ણાટક ભાજપે નારાજગી વ્યક્ત કરી
કર્ણાટક ભાજપે મેવાણીના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી છે. પાર્ટીએ એક ટ્વિટ કરીને કહ્યું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનમાં બહુ સમાનતાઓ છે. બંને દેશ તોડવા માંગે છે. બંને રાષ્ટ્રવાદી તાકાતો વિરુદ્ધ પ્રોક્સી યુદ્ધનો સહારો લે છે. બંનેનો પીએમ મોદી સામે કોઈ મુકાબલો નથી.



ભાજપ સામે મોરચો ખોલ્યો છે મેવાણીએ
અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતથી લઈને અન્ય રાજ્યોમાં પણ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. હાલમાં જ એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ દેશભરમાં ભાગ લીધો હતો. ગુજરાતમાં પણ ભાજપને ઘેરવાની કોઈ તક તે જવા દેતા નથી.