ગુજરાતમાં વધુ એક આંદોલન સમેટાયું, સરકારે સ્વીકારી માંગણીઓ
Gandhinagar News : આખરે કિસાન સંઘનું આંદોલન સમેટાયુ... છેલ્લા લાંબા સમયથી વિવિધ માગ માટે ચાલી રહ્યુ છે આંદોલન... સરકારે બાંહેધરી આપતા કિસાન સંઘે આંદોલન સમેટ્યુ...
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમાં વધુ એક આંદોલન સમેટાયું છે. ભારતીય કિસાન સંઘે 45 દિવસ બાદ આંદોલન સમેટ્યું છે. કિસાન સંઘે 10 થી વધુ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો હતો. ત્યારે તેમની મોટાભાગની માંગણીઓ સંતોષાતા આખરે આંદોલન સમેટવાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે કહ્યું કે, ખેડૂતોના હિતમાં સરકાર સતત કામ કરી રહી છે. ખેતીમાં લો વૉલ્ટેજની સમસ્યાના ઉકેલ માટે વાત થઈ છે. ખેતીવાડીમાં લોડ વધારા અંગે 200 નું TC ખેતીવાડી ભાવે નક્કી કર્યું છે. વીજળીની ડિમાન્ડ વધવાના કારણે ઉપકરણોને જે નુકસાની થાય છે તે અંગે પણ ખેડૂતો સાથે ચર્ચા કરી છે. તો કૃષિ યુનિવર્સિટી સાથે મળીને નિયમો બને તે માટે ચર્ચા કરી છે. જેમાં ખેડૂતોની મોટાભાગની માંગણીઓનો સુખદ અંત લાવ્યો છે. અમે ડ્રીપ ઈરીગેશનમાં 85% સહાય અને પીએમ કિસાન સન્માન યોજનાના લાભ અંગે પણ ચર્ચા કરી છે. ખેડૂતોની જમીનને ઉદ્યોગોના કારણે નુકસાન ન થાય તેનો નિર્ણય કરાયો છે. આમ, ખેડૂતોની મોટાભાગની માંગણીઓ સંતોષાઈ છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, મીટર આધારિત બોરવેલના વીજબીલ દર બે મહિને બિલિંગ લેવા અંગે નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્વૈચ્છિક લોડ વધારવાની માંગણી સ્વીકારી છે. બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજકંપનીની જવાબદારી છે. ચાલુ ખેતીવાડી વીજ કનેક્શનમાં સિક્યુરિટી ડિપોઝિટ જમા હોય તો નામ બદલવા સીધી લીટીના વારસદારો અથવા આડી લીટીના ખેડૂતો મીનીમમ 300 રૂપિયાનો ચાર્જ લઈને વીજ કનેક્શનમાં નામ બદલી આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
તેમણે કહ્યું કે, ખેડૂતોને જે લો વોલ્ટેજની સમસ્યા હતી, એના માટે વીજ કંપની સાથે બેસીને સમસ્યા દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ખેતીવાડીમાં 657 પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધાર્યો કર્યો છે, જે 100 કિલો વોટથી ઉપર છે, તેવા ખેડૂતોને 200ની ટીસી ખેતીવાડી ભાવે મંજૂર કરવાનો નિર્ણય પણ કર્યો છે.