કોવિશિલ્ડ રસીની બોટલ ખૂલ્યા બાદ 4 કલાકમાં તેનો ઉપયોગ કરવો પડશે, નહિ તો...
- કોવિશિલ્ડની એક બોટલમાંથી 10 લોકોને રસી આપવામાં આવશે
- એક વાર બોટલ ખૂલ્યા બાદ 4 કલાકમાં રસીનો ઉપયોગ કરવો પડશે
- રસીને માનવ સંપર્કથી દૂર રાખીને તૈયાર કરવામાં આવી
ઝી મીડિયા/બ્યૂરો :દેશભરના અનેક રાજ્યોમાં ગઈકાલે કોરોના વેક્સીનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ 2 લાખ 76 હજાર વેક્સીન (corona vaccine) ના ડોઝ આવ્યા છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટે બનાવેલી આ રસી (covishield) કેવી છે, તેમાં શુ છે તે જાણવાની દરેકને તાલાવેલી છે. ત્યારે દેશની પહેલી રસીની EXCLUSIVE માહિતી તમને ઝી 24 કલાક આપી રહ્યું છે. ગુજરાતમાં આવેલી દેશની પહેલી રસીની અનેક મહત્વની અને રસપ્રદ માહિતી સામે આવી છે.
એક વાર બોટલ ખૂલ્યા બાદ 4 કલાકમાં આપવા પડશે ડોઝ
સિરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જે કોવિશિલ્ડ વેક્સીન મોકલવામાં આવી છે. તેમાં 5 MLની નાની બોટલમાં 10 ડોઝનો સમાવેશ થાય છે. કોવિશિલ્ડની એક બોટલમાંથી 10 લોકોને રસી આપવામાં આવશે. પરંતું એક વાર બોટલ ખૂલ્યા બાદ 4 કલાકમાં રસીનો ઉપયોગ કરવો પડે છે. તો 4 કલાક વીતી જશે તો એ ડોઝ કોઈ કામનો નહિ રહે. દરેક લોકોએ વેક્સીનના 2 ડોઝ લેવા જરૂરી છે. 1 મહિનાની અંદર જ રસીનો બીજો ડોઝ લેવાનો રહેશે. બે ડોઝ લીધાના 15 દિવસ પછી વ્યક્તિ સંપૂર્ણ સુરક્ષિત બની જશે.
આ પણ વાંચો : રસીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં એક ગુજરાતી યુવતીનું મોટું યોગદાન
રસીના સ્ટોરેજની ખાસ સૂચના
2થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે કોરોના રસીનું સ્ટોરેજ કરવાની સૂચના આપવામાં આવી છે. તેનુ પાલન કરવામાં આવશે. તેમજ આ રસીને માનવ સંપર્કથી દૂર રાખીને તૈયાર કરવામાં આવી છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટમાં રસી વિશે બારીકાઈથી કામ કરવામાં આવી રહ્યું છે. રસીના પેકેજિંગનું પૂરું કામ મશીનથી કરવામાં આવ્યું છે. નાની બોટલને ધોયા બાદ તેમાં રસી ભરવામાં આવે છે.
આ તમામ વેક્સીન 3 નવેમ્બર, 2020 બની છે. તેની એક્સપાયરી ડેટ 1 મે, 2021 છે. એટલે કે, ત્રણ મહિનામા જ તમામ વેક્સીનો ઉપયોગ કરી લેવાનો રહેશે. વેક્સિનને કોલ્ડ સ્ટોરેજના 2 થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવશે.
આ પણ વાંચો : લક્ઝુરિયરસ ગાડીઓ હંકારતા નબીરા બેફામ બન્યા, રાજકોટમાં BMW કારની અડફેટે બાઈક ચાલકનું મોત
દેશમાં બે નહિ, ચાર રસી તૈયાર થઈ છે
ઉલ્લેખનીય છે કે, દેશમાં 4 અન્ય રસીઓ પણ તૈયાર થઈ રહી છે. તેમાં 2 રસી આવી ગઈ છે, 4 રસી હજુ આવી રહી છે. જે બે રસીને મંજૂરી મળી છે તે બંને મેડ ઈન ઈન્ડિયા છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડ રસી તૈયાર કરી છે. તો ભારત બાયોટેક કંપનીએ કોવેક્સીન રસી તૈયાર કરી છે. ભારતની રસી અન્ય દેશની સરખામણીએ ઘણી સસ્તી છે. કોવિશિલ્ડનો એક ડોઝ સરકારને 200 રૂપિયામાં પડશે. ત્યારે કેન્દ્ર સરકારે 1.10 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.