લક્ઝુરિયરસ ગાડીઓ હંકારતા નબીરા બેફામ બન્યા, રાજકોટમાં BMW કારની અડફેટે બાઈક ચાલકનું મોત
Trending Photos
- BMW કારે જયંતીભાઈને ધસડ્યા હતા. જ્યાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું
- લક્કીરાજ કેફી પદાર્થ પીને ગાડી હંકારતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં લક્ઝુરિયસ ગાડીઓના અકસ્માતો (accident) નું પ્રમાણ વધી રહ્યું છે. લક્ઝુરિયરસ ગાડીઓના નબીરા હવે બેફામ બન્યા છે. નશો કરીને ગાડી ચલાવવી અને સ્પીડમાં ગાડી હંકારવાનું ચલણ બની ગયું છે. ત્યારે રાજકોટમાં BMW કાર મોતની સવારી બની છે. મોડી રાત્રે BMW કારની અડફેટે એક બાઈક સવાર શખ્સનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે રાત્રે થોરાળા વિસ્તારના રહેવાસી 45 વર્ષીય જયંતીભાઈ રાઠોડ પોતાની નોકરી પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ કોર્પોરેશનમાં ઢોર પકડવાનું કામ કરતા હતા. તેઓ પોતાની બાઈક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાજકોટના અમૂલ સર્કલ પાસે પૂરપાટ દોડતી આવેલી એક BMW કારે બાઈકને ટક્કર મારી હતી. GJ-12-AX-7785 નંબરની BMW કારે જયંતીભાઈની બાઈકને અડફેટે લીધી હતી. અમૂલ સર્કલના 80 ફૂટ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં BMW કારે જયંતીભાઈને ધસડ્યા હતા. જ્યાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ અકસ્માતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. થોરાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ કરતા BMW કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા નામનો યુવક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. લક્કીરાજ કેફી પદાર્થ પીને ગાડી હંકારતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ત્યારે હાલ પોલીસે લક્કીરાજની અટકાયત કરી છે. અકસ્માતમાં બીએમડબલ્યુ કારના આગળના ભાગનો કચ્ચરધાણ નીકળી ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે