ગાંધીધામ: કચ્છના પંડિત દિનદયાળ પોર્ટમાં એક ઓટીબીમાં ઉભેલા એક ડીઝલ ભરેલા ઓઈલ ટેન્કર જહાજમાં આગ લાગી ગઈ હતી. લાંગરેલા જહાજમાં એકાએક જ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ એન્જિન રૂમમાં લાગેલી આગે મોટું રૂપ ધારણ કર્યુ હતું. આ જહાજ પર 26 લોકો સવાર હતાં જેમાંથી 24નો આબાદ બચાવ કરાયો હતો. બે ક્રુ મેમ્બરો ઘાયલ થયા હતાં. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. છેલ્લે મળતી માહિતી મુજબ બે ઘાયલોમાંના એક ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતા અહેવાલ મુજબ બે ઈજાગ્રસ્તોમાંના એક મેનલીન ફર્નાન્ડો નામના ક્રુ મેમ્બરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ડીપીટીના ઓટીબીમાં ઉભેલા જહાજમાં લાગેલી આગ મહદઅંશે કંટ્રોલમાં આવી ગઈ છે. 30000 ટન ડીઝલ વેસલ જીનોસામાં ભરેલું હતું અને જહાજ મુંબઈથી આવ્યું હતું. નજીકથી નિકળેલા એક જહાજે આ જહાજમાં આગ લાગ્યાની જાણ કરી હતી અને ત્યારબાદ તરત રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. પ્રશાસને ત્રણ ટગને ત્યાં રવાના કર્યા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતાં. 


બચાવ કાર્યમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની પણ મદદ લેવાઈ હતી. આગનો ભોગ બનેલું જહાજ ખાનગી કંપનીનું હતું. સાંજે લાગેલી આગ મોડી રાતે કાબુમાં આવી હતી. આગ એન્જિન રૂમમાં જ લાગી હતી અને ડીઝલના જથ્થા સુધી પહોંચી નહતી તેવું કહેવાય છે. જો ડીઝલના જથ્થા સુધી પહોંચી હોત તો મોટી જાનહાનિ થઈ હોત.