ભૌમિક સિદ્ધપુરા/ભાવનગર :ભાવનગરમાં ગઈકાલની સવાર સમગ્ર શહેરવાસીઓની એક ખૂંખાર પ્રાણીથી થઇ હતી. ભાવનગરમાં લોકોની વસાહત વચ્ચે એક દીપડો ઘૂસી ગયો હતો અને રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા આ દીપડાએ એક વ્યક્તિ પર ઈજા પહોંચાડી હતી. સમગ્ર દિવસ દરમ્યાન આ દીપડો શહેર માટે ટોક ઓફ ધ ટાઉન બન્યો અને તેના વીડિયોએ સોશિયલ મીડિયામાં હાહાકાર મચાવ્યો હતો. જો કે ફોરેસ્ટ વિભાગે બાદમાં તેનુ રેસ્ક્યુ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં ગઈકાલે પાલીતાણાના નવાગઢ વિસ્તારમાં જેન્તીભાઈ નામના એક શખ્સના મકાનમાં દીપડો મોડી રાત્રે ઘૂસ્યો હતો અને મકાનના બાથરૂમમાં આરામ ફરમાવતો હતો. ગઈકાલે વહેલી સવાર થતા મકાન માલિક ઘરમાં ઉઠીને બાથરૂમ તરફ ગયા અને બાથરૂમ ખોલતા દીપડાએ તેમના હુમલો કર્યો. ઘાયલ થયા બાદ જેન્તીભાઈએ બૂમો પાડવાની શરૂઆત કરતા દીપડો બાથરૂમમાંથી નીકળીને બાજુના મકાનમાં જઈ ચડ્યો હતો. આમ, લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ કરનારી ટીમ આવી ગઈ હતી. દીપડો એવા ઘરમાં ઘુસ્યો હતો કે તેને ચાર તરફથી નીકળવું મુશ્કેલ હતું. દીપડો ઘરમાં રહ્યો એટલી વારમાં વનવિભાગ અને પોલીસ બોલાવી લેવામાં આવી હતી અને સમગ્ર શહેરના લોકો નવાગઢ વિસ્તારમાં દીપડાવાળા મકાનની આજુબાજુમાં અને અન્ય મકાનોના ધાબા પર ગોઠવાઈ ગયા હતા. 


વનવિભાગે મકાનને તુરંત ચારે તરફથી ઘેરી લીધું અને બે થી ત્રણ કલાક રેસ્ક્યુ બાદ દીપડાને પકડવામાં સફળતા મળી હતી. દીપડો ૭ થી ૮ વર્ષનો યુવાન દીપડો હોવાથી તેને પકડવામાં તકલીફ ઉભી થઇ હતી. પરંતુ ડોક્ટરને બોલાવીને ગન ઇન્જેક્શન દ્વારા બેભાન કરવામાં આવ્યો અને બાદમાં તેને પિંજરામાં પૂરી દીધો હતો. 


દીપડાનું શહેરી વિસ્તારમાં આવવાનું કારણ
શહેરી વિસ્તારમાં દીપડો ઘૂસવા પાછળ બે કારણો છે. જેમાં પ્રથમ પાલીતાણા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર જંગલ વિસ્તાર છે. જેમાં શેત્રુંજી પર્વત અને શેત્રુંજી ડેમ આસપાસ સિંહો પણ વસવાટ કરે છે. દીપડાઓ સહિત અન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે. ત્યારે વિચરતા સમયે દીપડો ક્યાંક માર્ગ ભૂલ્યો હોવાથી રાત્રે શહેરી વિસ્તારમાં આવી પહોંચ્યો હશે અને બાદમાં સવારમાં મનુષ્યોની વસ્તી જોઇને એક સ્થળ પર બેસી ગયો હોવાનું અનુમાન ડીએફઓ સંદીપ કુમારે લગાવ્યું છે. જો કે ડીએફઓનું કહેવું છે કે આ પ્રકારની ઘટનામાં વનવિભાગની ટીમ સરસ કામ કરવામાં સફળ થઈ છે. જેમાં કોઈ જાનહાનિ થઇ નથી અને હાલ દીપડાને છોડવામાં આવ્યો નથી.