ઝી બ્યુરો/અમદાવાદ: પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓ બાદ હવે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં વિધાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરાવવા માટે સરકારી યુનિવર્સીટીનાં VC ને રાજ્ય પોલીસ વડાએ પત્ર લખી અપીલ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં અવર-જવર માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આથી, તેમણે ફરજિયાત હેલ્મેટ પહેરવા સૂચન કરવામાં આવે અને હેલ્મેટ પહેરવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવે. આ સિવાય હેલ્મેટ વગર કર્મચારીને પણ યુનિવર્સિટીમાં પ્રવેશ ના આપવા માટે જણાવવામાં આવ્યું છે. પાછળ બેસનારાને પણ હેલ્મેટનો નિયમ લાગુ પડશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં રોજ અકસ્માતોથી સરેરાશ 21 લોકોનાં મોત થાય છે.  


તમામ યુનિવર્સિટીનાં VCને DGPનો પત્ર
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તમામ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરોને ફરજિયાત હેલ્મેટના નિયમની અમલવારીને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં યુનિવર્સિટીમાં ટુ-વ્હીલર પર આવતા-જતાં વિધાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરાવવા માટે વિનંતી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ પત્રમાં લખ્યું કે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજોમાં અંદાજે 16.4 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.


ગત વર્ષે માર્ગ અકસ્માતમાં કુલ 7,854 લોકોનાં મોત નીપજ્યાં
રાજ્ય પોલીસ વડાએ આગળ લખ્યું કે, ગત વર્ષ દરમિયાન માર્ગ અકસ્માતમાં કુલ 7,854 લોકો મુત્યુ પામ્યા હતા, જેમાંથી 2,767 (35%) લોકોનાં મૃત્યુ હેલ્મેટ ન પહેરવાનાં કારણે થયા હતા. 


કુલ જીવ ગુમાવનારમાંથી 2,082 (26.50%) વ્યક્તિ 26 વર્ષની નીચેની હતી, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. પરિસરમાં ટુ-વ્હીલર વાહનોનો ઉપયોગ કરતા અધિકારીઓ, કર્માચારીઓ અને સ્ટાફ માટે હેલ્મેટ (Helmet) પહેરવા અંગે જરૂરી સૂચના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છે. આથી, રાજ્યની તમામ યુનિવર્સિટીઓ (ખાનગી/સરકારી) પણ પોતાના તમામ અધિકારી, કર્મચારી અને વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરે તે માટે સહકારની વિનંતી છે.