23 સિંહોના મોત બાદ હાઈકોર્ટ ગંભીર, બુધવારે જાહેર કરી શકે છે નવી ગાઈડલાઈન
આજે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો.
અમદાવાદઃ ગુજરાતમાં એક પછી એક એમ 23 સિંહોના મોતને લઈને ગુજરાત હાઈકોર્ટ ગંભીર છે. મહત્વનું છે કે, સપ્ટેમ્બર મહિનામાં દલખાણિયા રેન્જમાં કુલ 23 જેટલા સિંહોના મોત થયા હતા. આ મામલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. બુધવારે હાઈકોર્ટ આ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે. જેમાં તમામ સિંહોનું રસીકરણ કરવા આદેશ અપાઈ શકે છે. તો ગેરકાયદેસર વીજ કરંટ બંધ કરવા આદેશ અપાશે. ઉપરાંત રસ્તા પર કેમેરા અને સ્પીડ ગન મૂકવાનું સૂચન આપશે. જરૂરી સ્થળોએ ફેન્સિંગ કરવાનું સૂચન પણ અપાઈ શકે છે. આ તમામ સૂચનો હાઈકોર્ટમાં કોર્ટમિત્રો દ્વારા આપવામાં આવ્યાં છે. આ મામલે રાજ્ય સરકારે પણ પોતાનો જવાબ રજૂ કર્યો છે. જેમાં સરકારે જણાવ્યું કે હાલમાં 31 સિંહોને અન્ય સિંહોથી અલગ રખાયા છે. કુલ 500 જેટલી રસી સિંહોને અપાઈ છે. જ્યારે વધુ 500 રસી મંગાવવામાં આવી છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું કે, સરકાર સિંહોના મોત મામલે ગંભીર છે. સરકારે કહ્યું કે, 500 જેટલા સિંહોને રસી આપવામાં આવી છે. સરકારે કહ્યું કે, સિંહોના મોતને અટકાવવા માટે ફેસિંગ પણ કરવામાં આવશે. આ સાથે ગીર વિસ્તારમાં નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફના જાણકાર લોકો કામ કરી રહ્યાં છે. સરકાર દ્વારા સિંહોના મોતને અટકાવવા માટે જરૂરી પગલા પણ લેવામાં આવશે.