હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાતમાં સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી લોકસભાની ગાંધીનગર બેઠક માટે હવે કુલ 17 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે સમગ્ર દેશની નજર આ બેઠક પર છે. આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 1991થી આ બેઠક પર વિજય મેળવતા આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં 23 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે. આથી 8 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો અંતિમ દિવસ હતો. આજે અંતિમ દિવસે 10 ઉમેદવારોએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા હતા. આથી હવે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે બેઠક પરથી ચૂંટણી લડવાના છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 


અમિત શાહ સામે કોંગ્રેસ દ્વારા તેમના ગાંધીનગર ઉત્તરના વર્તમાન ધારાસભ્ય એવા સી.જે. ચાવડાને ઉતારવામાં આવ્યા છે. તેમના ઉપરાંત, અમિત શાહ સામે હવે કુલ 15 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. અમિત શાહ સામે જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમાં એક વ્યક્તિ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડનો સાક્ષી એવો પઠાણ ફિરોઝખાન સઈદ ખાન પણ છે. આ ઉપરાંત એક મુસ્લિમ મહિલા પણ અમિત શાહ સામે ચૂંટણી લડી રહી છે. 


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણી 1989: દેશમાં બીજી વખત બિનકોંગ્રેસી સરકારની રચના


આ રીતે, જોઈએ તો ભાજપના શાહ સામે એક પાટીદાર અને ત્રણ મુસ્લિમ ઉમેદવારો સહિત કુલ 16 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે. અમિત શાહ સામે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં 7 અપક્ષ ઉમેદવાર છે. 


લોકસભા ચૂંટણી 2019:  જાણો ગુજરાતનો સંપૂર્ણ કાર્યક્રમ અને મતદારો વિશે


ગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા ઉમેદવારોની અંતિમ યાદી
ક્રમ    ઉમેદવારનું નામ                                       પાર્ટી

(૧)    શાહ અમિતભાઇ અનિલચંદ્ર            ભાજપ
(૨)     સી. જે. ચાવડા                             કોંગ્રેસ
(૩)     જયેન્દ્ર કરશનભાઈ રાઠોડ              બીએસપી 
(૪)     ચંદ્રપાલ હસમુખ બાવજીભાઈ        પીપલ્સ પાર્ટી ઓફ ઇન્ડિયા
(૫)     નરેન્દ્રભાઇ રેવાશંકર ત્રિવેદી          જન સત્યપથ પાર્ટી
(૬)     પટેલ અમરીશ જશવંત લાલ         હિન્દુસ્તાન નિર્માણ દલ
(૭)     મકવાણા પ્રકાશભાઈ બેચરાજી       ગરવી ગુજરાત પાર્ટી
(૮)     રાઠોડ ભોગીભાઇ જેનાભાઈ           બહુજન મુક્તિ પાર્ટી
(૯)     રાહુલ ચીમનભાઈ મહેતા              રાઇટ ટુ રિકોલ પાર્ટી
(૧૦)   એન ટી સેંગલ                             બહુજન સુરક્ષા દલ
(૧૧)   ખોડાભાઈ લાલજીભાઈ દેસાઈ       અપક્ષ
(૧૨)   શેખ શાહીનબાનુ મૌલાના મુસ્તાક  અપક્ષ
(૧૩)   પઠાણ ફિરોઝ ખાન સઈદ ખાન      અપક્ષ
(૧૪)   મકવાણા અનિલકુમાર સોમાભાઈ   અપક્ષ
(૧૫)   મહેન્દ્રભાઈ સોમાભાઈ પટની         અપક્ષ 
(૧૬)   રાઠોડ વાલજીભાઇ બેચરભાઈ       અપક્ષ
(૧૭)   વોરા અલી મહમદ રાજાભાઈ        અપક્ષ


ભાજપનો ગઢ 
ગાંધીનગરની લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને અહીં રાજનાથ સિંહ, વાજપેયી અને લાલ કૃષ્ણ આડવાણી જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ સતત જીતતા આવ્યા છે. લાલકૃષ્ણ આડવાણી આ બેઠક પર પ્રથમ વખત 1991માં જીત્યા હતા. ત્યાર પછી આડવાણીએ અહીંથી 1998, 1999, 2004, 2009 અને 2014માં વિજય મેળવ્યો હતો. 


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ઈન્દિરા ગાંધીની હત્યા અને 1984ની લોકસભા ચૂંટણી


ગાંધીનગરમાં આવતી વિધાનસભા બેઠક
ગાંધીનગરની લોકસભા બેઠકમાં ગુજરાત વિધાનસભાની ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી બેઠકનો સમાવેશ થાય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પર નજર નાખીએ તો ગાંધીનગર ઉત્તરની બેઠક પર કોંગ્રેસના સી.જે. ચાવડા, સાણંદથી ભાજપના કનુભાઈ પટેલ, ઘાટલોડિયા બેઠક પર ભાજપના ભુપેન્દ્રભાઈ પટેલ, નારણપુરા બેઠક પરથી ભાજપના કૌશિકભાઈ પટેલ, સાબરમતી બેઠક પર ભાજપના અવિંદકુમાર પટેલ, વેજલપુર બેઠક પરથી ભાજપના કિશોર ચૌહાણ  અને કલોલ બેઠક પરથી કોંગ્રેસના બલદેવજી ઠાકોર વિજેતા બન્યા હતા. 


આમ, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી કુલ 7 વિધાનસભા બેઠકોમાંથી 5 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 2017ની લોકસભા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા અને બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. એટલે કે, ગાંધીનગરની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે છે અને આ ગણતરીને ધ્યાનમાં રાખીને જ અમીત શાહને લોકસભાના ઉમેદવાર બનાવાયા છે. 


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....