ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણી : દેશમાં 1989માં બીજી વખત બિનકોંગ્રેસી સરકારની રચના

ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણી : દેશમાં 1989માં બીજી વખત બિનકોંગ્રેસી સરકારની રચના

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભારતના ઈતિહાસકારો અને રાજકીય વિશ્લેષકોના મતે 1989નું વર્ષ ભારતીય રાજકારણમાં ગઠબંધન રાજકારણનો પાયો નાખનારું વર્ષ રહ્યું. 1970માં કટોકટી લાગુ થયા બાદ કોંગ્રેસના વિરોધમાં રાજકીય પક્ષો એક્ઠા થયા હતા. જોકે, ઈન્દિરા ગાંધીની હત્યાના કારણે પાર્ટીને જોરદાર સહાનુભૂતિ મળી અને 1984ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધી ભારે બહુમત સાથે વડાપ્રધાન પદે બિરાજમાન થયા. જોકે, આ સહાનુભુતિ લાંબો સમય સુધી ટકી શકી નહીં, કેમ કે જમીની ધોરણે આ સરકાર કામ કરવામાં નિષ્ફળ સાબિત થઈ. 

રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકે નવી ઈનિંગની શરૂઆત કરી, પરંતુ એક રાષ્ટ્રીય નેતા તરીકેનો તેમનો અનુભવ ખુબ જ મર્યાદિત હતો. તેમની સામે પાંચ વર્ષના કાર્યકાળમાં નવા-નવા પડકારો આવતા ગયા, જેનો સામનો કરવામાં તેઓ પ્રજાની નજરે એક નિષ્ફળ નેતા સાબિત થયા હતા. પંજાબમાં આતંકવાદનો મુદ્દો હજુ પણ સળગતો જ રહ્યો હતો. શ્રીલંકામાં ત્યાંનીસ રકાર અને LTTE વચ્ચે શરૂ થયેલા નાગરિક યુદ્ધની દક્ષિણના રાજ્યમાં થઈ રહેલી અસર ભારત સરકાર માટે માથાનો દુખાવો સાબિત થઈ. જેના કારણે ભારતને શ્રીલંકામાં શાંતિ સેના મોકલવી પડી. જેની પાછળથી રાજીવ ગાંધીને જીવ આપીને કિંમત ચૂકવવી પડી હતી. 

આ ઉપરાંત, રાજીવ સરકારમાં થયેલું બોફોર્સ કૌભાંડ, શાહબાનો કેસ અને અયોધ્યા વિવાદ 1989માં યોજાયેલી ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની ગયા હતા. ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલી રાજીવ ગાંધીની સરકાર માટે પ્રજાની વચ્ચે મુદ્દો લઈને લડવા જેવું કંઈ ન હતું. ભ્રષ્ટાચારના આરોપોને કારણે રાજીવ ગાંધી સરકારમાં રહેલા સંરક્ષણ મંત્રી વી.પી. સિંઘે રાજીનામું આપ્યું અને ત્યાર બાદ તેમણે કોંગ્રેસને અલવિદા કહીને અરુણ નેહરુ અને આરીફ મોહમ્મદ ખાન સાથે મળીન 'જન મોરચા' નામનો નવો પક્ષ સ્થાપ્યો. 

1988માં કોંગ્રેસ સરકારના વિરોધમાં વી.પી. સિંઘના નેતૃત્વમાં પાંચ પાર્ટીઓએ ભેગા મળીને એક નવો સંયુક્ત મોરચો 'નેશનલ ફ્રન્ટ' નામથી બનાવ્યો. આ મોરચામાં જનતા દળ, તેલુગુ દેશમ, કોંગ્રેસ (એસ), આસામ ગણ પરિષદ અને દ્રવિડ મુનેત્ર કઝગમ હતા. કોંગ્રેસને સત્તામાંથી બહાર રાખવા માટે વિરોધ પક્ષોએ સંયુક્ત રીતે ઉમેદવાર ઊભા રાખવાનું નક્કી કર્યું હતું. 

કોંગ્રેસ પાસે સરકારના ગુણગાન ગાનારા એકમાત્ર નેતા રાજીવ ગાંધી હતા. જેની સામે વિરોધ પક્ષો પાસે અનેક જાણીતા અને ટોચના રાજકીય નેતાઓ હતા. જેમાં ઉત્તર ભારતમાં ભેરોસિંહ શેખાવત, વી.પી. સિંઘ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, દેવી લાલ, ચંદ્રશેકર અને દક્ષિણમાં રામકૃષ્ણ હેગડે, એન.ટી. રામારાવ અને કરૂણાનિધી જેવા નેતાઓ હતો. આ દરેક નેતાની લોકોમાં એક આગવી ઓળખ પણ હતી. 

વિરોધ પક્ષોએ રાજીવ ગાંધી સરકારને તેના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને લઈને ચારે તરફથી ઘેરવાનું શરૂ કર્યું હતું અને તેમનો સંદેશો પણ લોકોમાં સીધો પહોંચ્યો હતો. 

INKredible India: The story of 1989 Lok Sabha election - All you need to know

1989ની લોકસભા ચૂંટણીમાં દેશમાં 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો હતા. આ વખતે લોકસભાની 525 સીટ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 18 લોકસભા બેઠકની ચૂંટણી સ્થગિત રાખવામાં આવી હતી. 

1989ની ચૂંટણીમાં રહેલા રાજકીય પક્ષો
1989ની લોકસભા ચૂંટણી 8 રાષ્ટ્રીય પક્ષો અને 20 સ્થાનિક પક્ષો વચ્ચે લડાઈ હતી. 

રાષ્ટ્રીય પાર્ટી

  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ભારતીય જનતા પાર્ટી
  • કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા
  • કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્ક્સવાદી)
  • ઈન્ડિયન કોંગ્રેસ(એસ-સરત ચંદ્ર સિન્હા)
  • જનતા દળ
  • જનતા પાર્ટી(જેપી)
  • લોક દલ(બહુગુણા)

ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ઈન્દિરાના વટના કારણે યોજાઈ 1971ની વચગાળાની ચૂંટણી 

રાજ્ય સ્તરની પાર્ટી

  • ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ
  • દ્રવિડ મુનેત્ર કઝગમ
  • ઓલ ઈન્ડિયા ફોરવોર્ડ બ્લોક
  • ઈન્ડિયા કોંગ્રેસ(જે) તિરખા ગ્રૂપ
  • જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ
  • જમ્મુ એન્ડ કાશ્મીર પેન્થર્સ પાર્ટી
  • કેરળ કોંગ્રેસ
  • કૂકી નેશનલ એસેમ્બલી
  • મહારાષ્ટ્રવાદી ગોમાંતક
  • મિઝો નેશનલ ફ્રન્ટ
  • મણિપુર પીપલ્સ પાર્ટી
  • મુસ્લિમ લીગ
  • નાગા નેશનલ ડેમોક્રેટિક પાર્ટી
  • પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલ
  • પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી
  • રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી
  • શિરોમણી અકાલી દલ
  • શિરોમણી અકાલી દલ(બાદલ)
  • સિક્કિમ સંગ્રામ પરિષદ
  • તેલુગુ દેશમ

ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસનો ગ્રાફ 1967ની ચૂંટણીમાં આવ્યો નીચે 

લોકસભા ચૂંટણી 1989
વર્ષ 1989ની લોકસભા ચૂંટણી 22 અને 26 નવેમ્બર દરમિયાન યોજાઈ હતી. આ દરમિયાન ચૂંટણી લક્ષી હિંસાની ઘટનાઓ પણ અનેક ઘટી હતી, જેમાં ભાગલપુરના પ્રખ્યાત રમખાણોનો પણ સમાવેશ થાય છે. અનેક રાજકીય પક્ષો પર મત મેળવવા માટે હિંસાને સમર્થન આપવાના આરોપો પણ લાગ્યા હતા. 

આ ચૂંટણીમાં અત્યાર સુધી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 6,160 ઉમેદવારો મેદાનમાં હતા. આ સાથે જ ભારતની આઝાદી પછી પ્રથમ વખત એક સાથે 4 કરોડ 90 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા હતા. 

કોંગ્રેસ દ્વારા સ્થિર સરકાર અને રાજીવ ગાંધી સરકારે મેળવેલી ઉપલબ્ધીઓને પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવાયો હતો. જ્યારે વિરોધ પક્ષોએ સરકાર પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અને તેની બિનઅસરકારક્તાને મુદ્દો બનાવ્યો હતો. 

વી.પી. સિંઘ સ્થાનિક પક્ષો દ્વારા બનેલા ગઠબંધન 'નેશનલ ફ્રન્ટ'માં એક સર્વમાન્ય નેતા તરીકે ઉભર્યા હતા અને તેઓ કોંગ્રેસ સામે મુખ્ય ચહેરો હતા. આ ઉપરાંત, દેશમાં એક ત્રીજા વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટીનો પણ ઉદય થયો હતો. 

નેશનલ ફ્રન્ટ દ્વારા એક સ્વચ્છ અને સ્થિર સરકારનો વાયદો કરાયો હતો. પાર્ટીએ ભૂતકાળમાંથી બહાર નિકળવા અને પરિવર્તન માટે મત આપવા અપીલ કરી હતી. સાથે જ તેમણે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને પંચાયત અને નગરપાલિકાઓને વધુ સત્તા આપવાનું પણ વચન આપ્યું હતું. બોફોર્સ સોદામાં સંકળાયેલા લોકો સામે સીધી કાર્યવાહી કરવાનું પાર્ટીએ વચન આપ્યું હતું. 

ભારતીય જનતા પાર્ટીએ પણ બોફોર્સ સોદાના આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું અને ભ્રષ્ટાચાર નાબૂદીનું વચન આપ્યું હતું. સાથે જ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની કામગીરી પર નજર રાખવા લોકાયુક્તની રચના, કિંમતોના નિયમન માતે પ્રાઈઝ કમિશનની રચના, તમામ ધાર્મિક જૂથો માટે સમાન નાગરિક સંહિતાની રચના અને રાષ્ટ્રીય વસતી નીતિને સ્વીકારવાનું વચન આપ્યું હતું. 

જોકે, ચૂંટણીના પરિણામમાં વિરોધ પક્ષોના તમામ આરોપો વચ્ચે કોંગ્રેસ(આઈ) લોકસભામાં સૌથી મોટો પક્ષ બનીને બહાર આવી હતી. પાર્ટીએ લોકસભાની 525માંથી 510 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા, પરંતુ તેના માત્ર 197 ઉમેદવાર જ જીતી શક્યા હતા. આઝાદી પછીના ઈતિહાસમાં કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન હતું. પાંચ વર્ષ પહેલા જે પાર્ટીએ 414 બેઠકો પર વિજય મેળવ્યો હતો, તે બહુમતિ મળી શકે તેટલી બેઠકો પણ જીતી શકી ન હતી. 

જનતા દલના ગઠબંધને તેણે લડેલી 244 બેઠકોમાંથી 143 બેઠકો જીતી હતી. આ સિવાય ભારતીય જનતા પાર્ટી (BJP) કે જેણે 225 બેઠકો પર ચૂંટણી લડી હતી, તેણે 85 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને દેશમાં તે ત્રીજો વિકલ્પ બનીને બહાર આવી હતી. ભાજપે 1984ની ચૂંટણીમાં માત્ર બે જ બેઠકો પર વિજય મેળવ્યો હતો. 

નેશનલ ફ્રન્ટ કે જેણે 143 બેઠકો જીતી હતી, તેણે ભારતીય જનતા પાર્ટીના સમર્થન અને ડાબેરીઓના સમર્થન સાથે સરકારની રચના કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ વી.પી. સિંઘની સરકારને બહારથી ટેકો આપ્યો હતો. વી.પી. સિંઘે 2 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને 5 ડિસેમ્બરના રોજ તેમણે મંત્રીમંડળની રચના કરી હતી. આ ચૂંટણીની સૌથી મહત્વની બાબત એ રહી કે 275 સભ્યો સૌ પ્રથમ વખત લોકસભામાં ચૂંટાઈને આવ્યા હતા. આ ઉપરાંત, 1947ની આઝાદી પછી દેશમાં પ્રથમ વખત લઘુમતિ સરકાર રચાઈ હતી. 

જોકે, વી.પી. સિંઘ પણ વધુ સમય સુધી વડાપ્રધાન પદ ભોગવી શક્યા ન હતા. માત્ર બે વર્ષના ગાળામાં જ તેમની સામે વિરોધનો વંટોળ પેદા થયો. કેમ કે, તેમને બે વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટી ભાજપ અને ડાબેરીઓનું બહારથી સમર્થન હતું. 7 ઓગસ્ટ, 1990ના રોજ વી.પી. સિંઘે દેશમાં 'મંડલ પંચ રિપોર્ટ' લાગુ કરવાનો આદેશ આપ્યો, જેમાં દેશના અન્ય પછાત વર્ગને 27 ટકા અનામત આપવાની ભલામણ કરાઈ હતી. આ વાતનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો. 

વી.પી. સિંઘ હજુ આ સમસ્યામાંથી બહાર આવે ત્યાં 20 સપ્ટેમ્બર, 1990ના રોજ ભાજપના લાલકૃષ્ણ અડવાણી દ્વારા અયોધ્યા મંદિરના નિર્માણના સંકલ્પ સાથે ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢવામાં આવી. તેઓ 30 ઓક્ટોબર, 1990ના રોજ અયોધ્યા પહોંચવાના હતા. રથયાત્રા શરૂ કરતા સમયે અડવાણીએ વી.પી. સિંઘને જણાવ્યું હતું કે જો તેમની રસ્તામાં ધરપકડ કરાશે તો તેમની પાર્ટી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેશે. અડવાણીની રથયાત્રા બિહાર પહોંચી ત્યારે બિહારના તત્કાલિન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે સમસ્તીપુરમાં તેમની રથયાત્રા અટકાવી દીધી અને 23 ઓક્ટોબર, 1990ના રોજ અડવાણીની ધરપકડ કરી હતી. આ સાથે જ ભાજપે વી.પી. સિંઘને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો.

આ દરમિયાન જનદળમાં રહેલા ચંદ્રશેખર અને દેવીલાલે 64 સાંસદો સાથે 'સમાજવાદી જનતા દલ'(રાષ્ટ્રીય) પાર્ટીની 5 નવેમ્બર, 1990ના રોજ રચના કરી. વી.પી. સિંઘ 7 નવેમ્બર, 1990ના રોજ લોકસભામાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા અને તેમને રાજીનામું આપવું પડ્યું. ત્યાર પછી કોંગ્રેસના બહારના ટેકા સાથે ચંદ્રશેખરે દેશના વડાપ્રધાન તરીકે 10 નવેમ્બર, 1990ના રોજ શપથ લીધા. ચંદ્રશેખરને 64 સભ્યોનું સીધું અને કોંગ્રેસના 197 સભ્યોનું બહારથી સમર્થન પ્રાપ્ત હતું. 

જોકે, ચંદ્રશેખર પણ વધુ સમય સુધી સત્તામાં ટકી શક્યા નહીં. સંસદનું બજેટ સત્ર ચાલુ હતું એ દરમિયાન કોંગ્રેસે માત્ર એવા નજીવા કારણસર ચંદ્રશેખર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો કે, બે પોલીસ કોન્સ્ટેબલ રાજીવ ગાંધીની જાસુસી કરી રહ્યા છે. આથી, રાષ્ટ્રપતિએ 9મી લોકસભાનું વિસર્જન કરી નાખ્યું હતું. 

સત્તામાંથી બહાર ફેંકાઈ ગયેલા રાજીવ ગાંધી કોંગ્રેસ પાર્ટીને ફરીથી મજબૂત કરવાના કાર્યમાં લાગી ગયા હતા. બે વર્ષ પછી લોકસભા ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે શ્રીપેરામ્બદૂર પહોંચેલા રાજીવન ગાંધીની LTTEના એક આત્મઘાતી હુમલાખોર દ્વારા હત્યા કરી દેવાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news