ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ઈન્દિરા ગાંધીની હત્યા અને 1984ની લોકસભા ચૂંટણી

31 ઓક્ટોબર, 1984ના રોજ ઈન્દિરા ગાંધીની વડાપ્રધાન આવાસમાં તેમના જ બોડીગાર્ડ દ્વારા હત્યા કરી દેવાઈ હતી. ત્યાર પછી મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ આર. વેંકટરામને જાહેરાત કરીને દેશને જણાવ્યું કે, ઈન્દિરા ગાંધીનું નિધન થયું છે અને રાજીવ ગાંધીના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ છે 

ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ઈન્દિરા ગાંધીની હત્યા અને 1984ની લોકસભા ચૂંટણી

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ ઈન્દિરા ગાંધીએ 14 જાન્યુઆરી, 1980ના રોજ જ્યારે દેશના સત્તાસુત્રો હાથમાં લીધા ત્યારે દેશ મંદીમાં સપડાયેલો હતો અને ફુગાવો ટોચ પર પહોંચ્યો હતો. 1977-1979 દરમિયાન ભારતમાં ગઠબંધન સરકારમાં જે અસ્થિરતાનું વાતાવરણ જોવા મળ્યું તેના કારણે દેશ હવે એક સ્થિર સરકારની રાહ જોઈ રહ્યો હતો. આ કારણે, 1980માં દેશના લોકોએ કોંગ્રેસ(આઈ) અને ઈન્દિરા ગાંધીને સંપૂર્ણ બહુમતિ સાથે ચૂંટી કાઢ્યા હતા. 

વડાપ્રધાન પદે બીજી ટર્મમાં આવતાની સાથે જ તેમણે જનતા સરકારની પંચવર્ષીય યોજના નાબૂદ કરી અને 1980-85 માટે નવી છઠ્ઠી પંચવર્ષીય યોજના લોન્ચ કરી. નવી છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં સરકારે માત્ર 'ગરીબી હટાવો' પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું ન હતું, પરંતુ આર્થિક વિકાસ, ટેક્નોલોજી પર સ્વનિર્ભર બનવું, ગરીબી ઘટાડવી, બેરોજગારી દૂર કરવી, આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગો માટે નવી સુવિધાઓ, વસતી નિયંત્રણ સહિતની અનેક બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. 

રાજીવ ગાંધી તેમની સરકારને નવી ઊંચાઈઓએ પહોંચાડવા મથી રહ્યા હતા ત્યાં જ તેમના પુત્ર સંજય ગાંધીનું એક વિમાન અકસ્માતમાં મોત થયું. ત્યાર પછી તેમણે પોતાના બીજા પુત્ર રાજીવ ગાંધીને રાજકારણમાં સક્રિય કર્યો. 31 ઓક્ટોબર, 1984ના રોજ ઈન્દિરા ગાંધી જ્યારે તેમના પીએમ આવાસના ગાર્ડનમાં ફરી રહ્યા હતા ત્યારે તેમના જ બે અંગત બોડીગાર્ડ દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. 

ઈન્દિરા ગાંધીની જે દિવસે હત્યા કરવામાં આવી એ દિવસે રાજીવન ગાંધી પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા. તેઓ અહીં પાર્ટીને મજબૂત કરવાના હેતુ સાથે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા આવ્યા હતા. કોંગ્રેસના સિનિયર મોસ્ટ નેતા પ્રણવ મુખરજી પણ તેમની સાથે જ હતા. તેમણે એ દિવસને યાદ કરતા જણાવ્યું કે, "રામનગર ખાતે પ્રથમ મિટિંગને સંબોધન કર્યા પછી રાજીવ ગાંધી કોન્ટા પહોંચ્યા હતા અને અહીં તેમણે બીજી મીટિંગને સંબોધન શરૂ કર્યું હતું. સવારે 9.30 કલાકે પોલીસના વાયરલેસમાં મને એક મેસેજ મળ્યો કે, 'ઈન્દિરા ગાંધીની હત્યા કરાઈ છે. તાત્કાલિક દિલ્હી પાછા આવો.' વિમાનમાં ટેકઓફ કર્યા પછી રાજીવ ગાંધી કોકપીટમાં ગયા અને થોડા સમય પછી પરત આવીને કહ્યું કે, તેમનું મૃત્યુ થયું છે. બે ઘડી માટે વિમાનમાં સન્નાટો છવાઈ ગયો હતો. આઘાતમાંથી બહાર આવ્યા પછી અમે હવે શું કરવું જોઈએ તેના અંગે ચર્ચા શરૂ કરી. મેં વડાપ્રધાન નેહરુ અને ત્યાર પછી લાલ બહાદ્દુર શાસ્ત્રીના નિધનની ઘટનાઓ પછી જે રીતે વચગાળાની સરકાર રચવામાં આવી હતી તેને યાદ કરી. ચર્ચાના અંતે અમે એ નિષ્કર્ષ પર આવ્યા કે, આ કપરી પરિસ્થિતિમાં આપણે રાજીવ ગાંધીને પૂર્ણકાલીન વડાપ્રધાન તરીકે જવાબદારી ઉપાડી લેવા વિનંતી કરવી જોઈએ."

એ સાંજે ઉપરાષ્ટ્રપતિ આર. વેંકટરામને દૂરદર્શન પર રાષ્ટ્રને સંબોધનમાં જાહેરાત કરી કે ઈન્દિરા ગાંધીનું નિધન થયું છે અને રાજીવ ગાંધીને નેતૃત્વમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. 

વડાપ્રધાન બન્યાના થોડા સમય પછી જ વડાપ્રધાન રાજીવ ગાંધીએ લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી હતી. લોકસભાની 514 બેઠકો પર 24, 27 અને 28 ડિસેમ્બર, 1984ના રોજ મતદાન યોજાયું. આસામ અને પંજાબમાં આતંકવાદી ઘટનાઓને કારણે ચુંટણી મુલતવી રાખવામાં આવી અને અહીં 1985માં યોજવામાં આવી. 

ઈન્દિરા ગાંધીએ તેમના કાર્યકાળમાં જે સુધારા કર્યા હતા તેના પરિણામ સ્વરૂપે કોંગ્રેસે 514માંથી 404 બેઠકો પર વિજય મેળવ્યો. નિષ્ણાતોનો મત એવો હતો કે, ઈન્દિરા ગાંધીના મૃત્યુની લાગણીમાં કોંગ્રેસને પ્રજાનું આટલું મોટું સમર્થન મળ્યું છે. 

કોંગ્રેસે ઉત્તર ભારતીય રાજ્યોમાં ઉત્તરપ્રદેશની 85માંથી 83, બિહારની 54માંથી 48, હરિયાણાની તમામ 10, રાજસ્થાનની તમામ 25 બેઠકો પર વિજય મેળવ્યો હતો. દક્ષિણ ભારતમાં કર્ણાટકની 28માંથી 24, કેરળની 20માંથી 13, તમિલનાડુની 39માંથી 25 સીટ જીતી હતા. આંધ્રપ્રદેશમાં 42માંથી 30, ગુજરાતમાં 26માંથી 24, મધ્યપ્રદેશમાં 40 અને મહારાષ્ટ્રમાં 48માંથી 43 બેઠકો જીતી હતી. પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીઓએ તેમની પકડ જાળવી રાખી હતી અને 42 માંથી 18 સીટ જીતી હતી, જ્યારે કોંગ્રેસ 16 બેઠક જીતવામાં સફળ થઈ હતી. 

જનતા ગઠબંધન સંપૂર્ણ પડી ભાંગ્યું હતું. અગાઉ જે જનસંઘ હતું તેણે 1980માં ભારતીય જનતા પાર્ટી તરીકે નવો રાજકીય પક્ષ બનાવ્યો. આ નવા પક્ષે 1984માં 224 સીટ પર ચૂંટણી લડી હતી, જેમાંથી તે માત્ર 2 સીટ જ જીતી શક્યો હતો.

1984ની ચૂંટણીમાં કુલ 5312 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાંથી 1244 રાષ્ટ્રીય પક્ષો અને 151 રાજ્યની પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં કલ્પના ન કરી શકાય એટલા 3791 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાંથી 5 ઉમેદવાર લોકસભામાં પહોંચવામાં સફળ રહ્યા હતા. સાથે જ 1984ની લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં ચૂંટાયા હતા. 

31 ડિસેમ્બર, 1984ના રોજ જૂની સરકારે રાજીનામું આપ્યું અને રાજીવ ગાંધીએ તેમના 40 મંત્રીઓ સાથે નવી સરકારની રચના કરી. 

ઈન્દિરા ગાંધીની હત્યાનું કારણ
1970માં પંજાબમાં અકાલી દળની સરકાર બની હતી. કોંગ્રેસે તેના વિરોધમાં ધાર્મિક નેતા જર્નૈલસિંઘ ભિંડરાનવાલેને ઊભા કર્યા. ભિંડરાનવાલેના દમદામી તક્સાલે જ્યારે સંત નિરંકારી સામે હિંસક પ્રદર્શન શરૂ કર્યું ત્યારે સમસ્યા પેદા થઈ.  જોકે, ત્યાર પછી ભિંડરાનવાલે કોંગ્રેસ છોડીને અકાલી દળમાં જોડાઈ ગયા. આ દરમિયાન 'આનંદપુર ઠરાવ' પસાર કરીને તેઓ શીખ રાજકીય વર્તુળોમાં સર્વમાન્ય નેતા બની ગયા. સાથે જ તેમણે શીખોની ધરતીને અલગ 'ખાલિસ્તાન' દેશની માગ પણ શરૂ કરી દીધી. જો આ ઠરાવ પસાર થાય તો ભારતના ભાગલા પડે એ જોતાં ઈન્દિરા ગાંધીની સરકારે તેનો વિરોધ કર્યો. 

INKredible India: The story of 1984 Lok Sabha election - All you need to know

ત્યાર પછી તેમણે રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓની શરૂઆત કરી. ભિંડરાનવાલેએ સુવર્ણ મંદિરને પોતાનું નિવાસસ્થાન બનાવી દીધું અને અહીંથી તેમણે રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનું શરૂ કર્યું. જુન, 1984માં ભિંડરાનવાલે અને ટેકેદારોને સુવર્ણમંદિરમાંથી બહાર કાઢવા માટે 'ઓપરેશન બ્લ્યૂ સ્ટાર' અમલમાં મુકવામાં આવ્યું. 5 જુનના રોજ ભારતની સેનાએ હરમંદિર સાહિબમાં પ્રવેશ કર્યો. અહીં, સામ-સામે થયેલી ભીષણ અથડામણમાં ભારતીય સેનાના 83 જવાનના મોત થયા અને 493 શીખ આતંકવાદી અને નાગરિકોનાં મોત થયા. 7 જુનના સવારે ભારતીય સેનાએ હરમંદિર સાહિબ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું. આ ઓપરેશનમાં ભિંડરાનવાલેનું પણ મોત થયું હતું. 

શીખ સમુદાય આ ઘટનાના કારણે ઈન્દિરા ગાંધીનો વિરોધી બની ગયો હતો. ઈન્દિરા ગાંધીના અંગત બોડીગાર્ડ પણ બે શીખ યુવાન હતા. આ યુવાનોએ સુવર્ણ મંદિરની ઘટનાનો બદલો લેવા માટે 31 ઓક્ટોબર, 1984ના રોજ ઈન્દિરા ગાંધી જ્યારે તેમના પીએમ આવાસના ગાર્ડનમાં આંટા મારી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કર્યો હતો. બંને બોડીગાર્ડે ઈન્દિરા ગાંધી પર 33 ગોળીઓ છોડી હતી, જેમાંથી 30 ગોળી તેમને વાગી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર 23 ગોળીઓ ઈન્દિરા ગાંધીના શરીરની આરપાર નિકળી ગઈ હતી, જ્યારે 7 ગોળી તેમના શરીરમાં રહી હતી. 

શીખોનો બીજો બદલો 
1985માં એર ઈન્ડિયાની ફ્લાઈટ-182માં જે બોમ્બ વિસ્ફોટ થયો હતો તે પણ કેનેડિયન શિખ આતંકવાદીઓ દ્વારા ઓપરેશન બ્લ્યૂસ્ટારનો બદલો લેવા માટે મુકાયો હોય એવું માનવામાં આવે છે. આ હુમલામાં વિમાનમાં રહેલા તમામ 329 મુસાફરોનાં મોત થયા હતા. જેમાં 268 કેનેડાના નાગરિકો, 27 બ્રિટિશ નાગરિક અને 24 ભારતીય નાગરિક હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news