ગુજરાતમાં વહેતી હતી દૂધની નદીઓ, લમ્પી વાયરસને કારણે ઘટી ગયુ દૂધનું ઉત્પાદન
Lumpy Virus Effect : કચ્છમાં લમ્પી રોગને કારણે દૂધમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જે ગાય પાંચ લીટર દૂધ આપતી હોય તે અઢી લીટર અને 3 લીટર દૂધ આપતી થઈ ગઈ
નિધિરેશ રાવલ/કચ્છ :લમ્પી રોગને કારણે ગાય માતાના મૃત્યુ નીપજી રહ્યાં છે. અનેક ગામોમાં આ રોગચાળો ફાટી નીકળ્યો છે. જેના કારણે પશુપાલકોને મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગુજરાતમાં જ્યાં દૂધની નદીઓ વહેતી હતી, ત્યાં લમ્પી રોગને કારણે દૂધમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. કચ્છમાં ગૌવંશ મૃત્યુ પામતા દૂધનું પ્રોડક્શન ઘટ્યુ છે. તો સાથે જ ગાયોએ દૂધ આપવાનું પણ ઓછું કરી દીધું છે.
એક તરફ પશુધનને બચાવવા માટે પશુપાલકો પ્રયત્નશીલ છે. તો બીજી તરફ રોગચાળો બેકાબુ બનતા મૃત્યુ આંક પણ વધી રહ્યો છે અને આ મૃત પામેલ પશુઓના નિકાલ માટેની પણ મોટી સમસ્યા સર્જાઈ છે. કચ્છમાં અગાઉ ગૌમાતા અને પશુઓના મૃત્યુ નિપજ્યા બાદ વગડા વિસ્તારમાં મૃતદેહના ઢગલાઓ ખડકાયા હતા. તેના વીડિયો પણ વાયરલ થયા છે. જો કે હાલમાં તો પશુપાલકો અને સંસ્થાઓ દ્વારા મૃત પામેલ ગૌમાતાને ખાડો ખોદી સમાધિ આપી તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે કચ્છમાં લમ્પી રોગને કારણે દૂધમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જે ગાય પાંચ લીટર દૂધ આપતી હોય તે અઢી લીટર અને 3 લીટર દૂધ આપતી થઈ ગઈ છે. એટલે કે દૂધના ઉત્પાદનમાં 1.5 લીટર એટલે કે અડધો અડધ ઘટાડો નોંધાયો છે. જેના કારણે પણ પશુપાલકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે.
આ પણ વાંચો : અડધા ગુજરાતમાં ફેલાયો લમ્પી વાયરસ, રાજકોટમાં જાહેરનામું બહાર પાડવું પડ્યું
દૂધ ઘટ્યું એટલે અમારી આવક ઘટી
અંતરિયાળ ગામોમાં અનેક ગાયો ભોગ બની છે. ત્યારે સ્થાનિક પશુપાલક રામાભાઇ ભરવાડ જણાવે છે કે, હવે રોગ થોડો ધીમો પડ્યો છે, પરંતુ શરૂઆતમાં તો રોગચાળો એટલો ભયાનક હતો કે અમે ડરી ગયા હતા. દૂઘ ઉત્પાદન સાવ ઓછું થઈ ગયુ છે. જેની અસર અમારી આવક પર થઈ છે. ગાયો કરતા પણ વાછરડાના મોતનુ પ્રમાણ વધુ છે. અમારા માટે મોટી ખોટ સમાન છે. અમારી ગાયોને વેક્સીન તો આપી છે, પરંતુ અમે સાકર, વરિયાળી, હળદર જેવી પરંપરગત દવાઓથી પણ અમે લમ્પી વાયરસને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દૂધ ઉત્પાદનને મોટી અસર થઈ છે.
આ પણ વાંચો : ઈચ્છા ન હોવા છતાં નરેન્દ્ર મોદીને ગુજરાત આવવું પડ્યું હતું, માત્ર એક ફોનથી થઈ હતી તેમની વતન વાપસી
17 જિલ્લામાં પહોંચ્યો લમ્પી
અડધા ગુજરાતમાં હવે લમ્પી વાયરસ પહોંચી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છથી શરૂ થઈને હવે દક્ષિણ ગુજરાત સુધી લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ન જાણે આ વાયરસે ગુજરાતના કેટલાય પશુધનનો ભોગ લીધો છે. ગાયોની લાશોના ઢગલા કર્યાં છે. ગુજરાતના 16 થી વધુ જિલ્લામાં હવે લમ્પી વાયરસે પગપેસારો કરી દીધો છે. જેથી પશુપાલકો ચિંતામાં મૂકાયા છે. પોતાના પશુઓને તેઓ મોતના મુખમાં જતા જોઈ રહ્યાં છે. સરકારનું વેક્સીનેશન અભિયાન પણ વાયરસને ફેલાતો રોકવા કામમાં આવી રહ્યુ નથી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ દેખાતા તંત્ર દોડતુ થયુ છે. તો સાબરકાંઠામાં પણ એક પશુમાં લમ્પી દેખાતા સ્થાનિકોએ ટેન્શનમાં મૂકાયા છે. આવામાં રાજકોટમાં પશુઓના વેપાર, પશુમેળા તેમજ પશુ પ્રદર્શન પર 21 ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકી દેવાયો છે.