અડધા ગુજરાતમાં ફેલાયો લમ્પી વાયરસ, રાજકોટમાં જાહેરનામું બહાર પાડવું પડ્યું

ગુજરાતના 16થી વધુ જિલ્લામાં ફેલાયો લમ્પી વાયરસ... રાજકોટમાં પશુઓના વેપાર, પશુમેળા તેમજ પશુ પ્રદર્શન પર 21 ઓગસ્ટ સુધી મુકાયો પ્રતિબંધ......

અડધા ગુજરાતમાં ફેલાયો લમ્પી વાયરસ, રાજકોટમાં જાહેરનામું બહાર પાડવું પડ્યું

ગૌરવ દવે/રાજકોટ :અડધા ગુજરાતમાં હવે લમ્પી વાયરસ પહોંચી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છથી શરૂ થઈને હવે દક્ષિણ ગુજરાત સુધી લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ન જાણે આ વાયરસે ગુજરાતના કેટલાય પશુધનનો ભોગ લીધો છે. ગાયોની લાશોના ઢગલા કર્યાં છે. ગુજરાતના 16 થી વધુ જિલ્લામાં હવે લમ્પી વાયરસે પગપેસારો કરી દીધો છે. જેથી પશુપાલકો ચિંતામાં મૂકાયા છે. પોતાના પશુઓને તેઓ મોતના મુખમાં જતા જોઈ રહ્યાં છે. સરકારનું વેક્સીનેશન અભિયાન પણ વાયરસને ફેલાતો રોકવા કામમાં આવી રહ્યુ નથી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ દેખાતા તંત્ર દોડતુ થયુ છે. તો સાબરકાંઠામાં પણ એક પશુમાં લમ્પી દેખાતા સ્થાનિકોએ ટેન્શનમાં મૂકાયા છે. આવામાં રાજકોટમાં પશુઓના વેપાર, પશુમેળા તેમજ પશુ પ્રદર્શન પર 21 ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકી દેવાયો છે. 

રાજકોટમાં લમ્પી વાયરસને પગલે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. રોગને ફેલાતો અટકાવવા માટે કાર્યવાહીને પગલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા માટે કાર્યવાહી કરી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામુ 30 જુલાઈથી 21 ઓગસ્ટ, 2022 સુધી લાગુ રહેશે. જે મુજબ, 

  • અન્ય રાજ્યો / જિલ્લો / તાલુકાઓ / શહેરમાંથી કે એક ગામમાંથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
  • પશુઓના વેપાર, પશુમેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતા હોય તેવા આયોજનો ઉપર પ્રતિબંધ મૂકાયો
  • કોઇ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલા જાનવરોના મળદાને અથવા તેના કોઇ ભાગને ખુલ્લા/છૂટા છોડી દેવાની અથવા તેમને લાવવા-લઇ જવા ઉપર પ્રતિબંધ 
  • આવા રોગવાળા જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યા વિગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગબીજનો નાશ કરવા અને આવા રોગવાળા અથવા જેમને એવો રોગ થયો છે તેમ દેખાતુ હોય તેવા જાનવરોએ એકમેકથી છૂટા રાખવા તથા તે મુજબ તેમની વ્યવસ્થા કરવી

આ પણ વાંચો : વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ સ્લીમ બોડીનું રહસ્ય, પાતળા લોકોનુ વજન આ કારણે વધતુ નથી

વલસાડમાં પહોંચ્યો
અત્યાર સુધી લમ્પી વાયરસના કહેરથી દક્ષિણ ગુજરાત બાકી હતું, પરંતુ હવે ઝડપી પગલે વાયરસ ત્યાં પણ પહોંચી ગયો છે. વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. ગૌશાળાની ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. વલસાડના ગૌશાળામાં લમ્પી વાયરસના 3 કેસ નોંધાયા છે. જેથી આરોગ્યની ટીમ ડૉક્ટરો સાથે ગૌશાળામાં દોડી આવી છે. પશુ ચિકિત્સકે ગાયોને વેક્સીન આપી પીડિત ગાયોને આઈસોલેટ કરી છે. 

સાબરકાંઠામાં પણ શંકાસ્પદ લમ્પી
હિમતનગરમાં શંકાસ્પદ લમ્પી વાયરસવાળી ગાય રખડતી જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ પહોંચ્યો છે. શહેરમાં લપ્પી વાયરસ બીજા પશુમાં ફેલાવવાની શંકાથી લોકોમાં ચિંતા ફરી વળી છે. શહેરના છાપરિયા વિસ્તારમાં આ ગાય ફરી રહી છે. ત્યારે સ્થાનિકોએ તંત્રની બેદરકારી ગણાવી છે. તેમણે કહ્યું કે, શંકાસ્પદ લમ્પી વાયરસવાળી ગાયનું સેમ્પલ પણ લેવાયું નથી. આ ગાય આખા શહેરમાં રખડતી જોવા મળી રહી છે. જે અન્ય પશુઓમાં પણ ચેપ લગાડશે. તંત્ર પાસે શંકાસ્પદ લમ્પી વાયરસવાળી ગાયને રાખવા માટે કોઈ વ્યવસ્થા નથી. જોકે બાદમાં હેલ્પલાઈન 1962 દ્વારા ગઈકાલે તાત્કાલિક સારવાર કરી પશુપાલન વિભાગને જાણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news