Maha Cyclone બ્રેકિંગ : દરિયામાં ટર્ન લીધા બાદ વાવાઝોડાએ 100 કિમીનું અંતર કાપ્યું, આવતીકાલે સવારે ટકરાશે
મહા વાવાઝોડા (maha cyclone) અને ગુજરાતના દરિયાકાંઠા વચ્ચે હવે માત્ર 540 કિલોમીટરનું અંતર છે. ત્યારે દરિયા કિનારાના વિસ્તારો પર મહા વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ છે અને ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ :મહા વાવાઝોડા (maha cyclone) અને ગુજરાતના દરિયાકાંઠા વચ્ચે હવે માત્ર 540 કિલોમીટરનું અંતર છે. ત્યારે દરિયા કિનારાના વિસ્તારો પર મહા વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ છે અને ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે. મહા વાવાઝોડું હાલ પોરબંદરના સમુદ્ર તટથી 540 કિલોમીટર દૂર છે અને વેરાવળના દરિયાકાંઠાથી 580 કિલોમીટર દૂર છે. તેમજ દીવ (Diu) ના દરિયા કાંઠાથી 630 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગની આગાહી મુજબ મહા વાવઝોડુ ગણતરીની કલાકોમાં જ ગુજરાત (Gujarat) ના દરિયા કાંઠેથી પસાર થશે. જે સમયે વાવાઝોડું સૌરાષ્ટ્રના સમુદ્રી કાંઠાના જિલ્લાઓ સાથે ટકરાશે, ત્યારે પવનની ગતી 70 થી 80 કિમી પ્રતિ કલાક રહેશે. ટર્ન લીધા બાદ મહા વાવાઝોડાએ 100 કિલોમીટરનું અંતર કાપ્યું છે. મહા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધ્યું અને 7 નવેમ્બરના રોજ સવારે દીવના દરિયાની આસપાસ ટકરાશે. ગુજરાતમાં મંડરાતા મહા વાવઝોડાના ખતરાથી NDRFની 30થી વધારે ટીમો તૈનાત કરવામાં આવી છે.
વિચિત્ર કિસ્સો : હાઈટેન્શન વાયરના કરંટથી કિશોરનું હૃદય પણ દાઝ્યું, જટિલ સર્જરી કરીને બચાવી લેવાયો જીવ
મહા વાવાઝોડું છેલ્લા છ કલાકમાં 14 કિલોમિટરની ઝડપે આગળ વધી રહ્યું છે. અગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કિનારેથી પસાર થશે. ત્યારે વાવાઝોડાના પગલે દરિયા કાંઠે યલો એલર્ટ અપાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે.
સુરતના 2 બીચ બંધ કરાયા
મહા વાવાઝોડાને લઈને ગુજરાતના અનેક બીચ બંધ કરાયા છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે સુરતના સુવાલી અને ડુમસ બીચ સહેલાણીઓ માટે 3 દિવસ બંધ કરાયા છે. તો સાથે જ સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા ઉભી કરાઈ છે. દરેક ઝોન દીઠ 40 ટીમ ઉભી કરાઇ છે.
NDRFની 30થી વધારે ટીમો તૈનાત
ગુજરાતમાં મંડરાતા મહા વાવઝોડાના ખતરાથી NDRFની 30થી વધારે ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાની આફતને પહોચી વળવા જામનગરમાં 8, પોરબંદરમાં 1, દીવમાં 5, ગીર સોમનાથમાં 2, ભાવનગરમાં 8 અને સુરતમાં NDRFની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની ટીમો તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. તમામ ટીમોએ પોતાનો મોરચો સંભાળી લીધો છે. વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને દરિયાકાંઠે તમામ બચાવ ટુકડીઓ ખડે પગે ઊભી છે. વાવાઝોડાથી પ્રભાવિત થનારા તમામ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 24 કલાક ચાલતા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દીવના દરિયાકાંઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગાંધીનગરમાં ડિઝાસ્ટર કંટ્રોલ મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાંથી પણ સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ સ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બદલાતા હવામાન પર નજર રાખી રહ્યા છે.
પ્રવાસીઓને દીવ છોડવાની સૂચના
મહા વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થાય તે પહેલાં દીવ ફરવા આવેલા તમામ પ્રવાસીઓને દીવ છોડી દેવાની સૂચના આપવામાં આવી છે. દીવના તમામ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. દીવના દરિયાકિનારે જવા માટે હવે કોઈ પ્રવાસીને પરમિશન નથી. એટલે કે દીવના દરિયાકાંઠે ‘નો એન્ટ્રી’નાં બોર્ડ લાગી ગયાં છે. દીવની હોટલોએ પ્રવાસીઓનાં એડવાન્સ બુકિંગ કર્યાં હતાં તે કેન્સલ કરી દીધાં છે અને વેકેશનમાં જે પ્રવાસીઓ દીવ જવાના હતા તેમણે પોતાનો પ્રવાસ મુલત્વી રાખ્યો છે. દીવથી મહા વાવાઝોડાનું અંતર ઘટીને હવે માત્ર 630 કિલોમીટર રહી ગયું છે. આવતી સવાર સુધીમાં દીવમાં આ વાવાઝોડું પહોંચી જશે અને દરિયામાંથી સીધું જ તે દીવની જમીન પર ત્રાટકશે. જ્યારે જમીન પર આ તોફાન ત્રાટકશે ત્યારે પવનની ગતિ 60થી 70 કિલોમીટર હોઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું નબળું પડી રહ્યું છે અને એના જ કારણે પવનની જે ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાકની હતી તે ઘટીને હવે 60થી 70 કિલોમીટર હોઈ શકે છે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :