ગાંધીનગર : આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શપથના આઠ દિવસ બાદ કાર્યભાર સંભાળ્યો છે. જોકે કાર્યભારના પહેલા જ દિવસે તેમના માથે મોટી મુસીબત આવી પડી છે. હાલમાં ખાતા ફાળવણી વિશે નીતિન પટેલે ઉભો કરેલો વિવાદ માંડમાંડ શાંત થયો છે ત્યારે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મંત્રી પરસોત્તમ સોલંકી હવે આડા ચાલ્યા છે. તેમણે સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત કરી તેમને કરવામાં આવેલી ખાતાની ફાળવણી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે નવી ખાતા ફાળવણીમાં પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગનું ખાતું ફાળવવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરસોત્તમ સોલંકીની નારાજગી
વિજય રૂપાણી સરકારને પાટીદારો બાદ હવે કોળી સમાજની પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા પરસોત્તમ સોલંકીએ જણાવ્યું છે કે 'પહેલી વખત ચુંટાઈને આ્વ્યા તેમને મોટામોટા ખાતા આપવામાં આવ્યા છે. આ મને નહીં કોળી સમાજને અન્યાય છે. કોળી સમાજ નારાજ છે અને સરકારે કંઇક કરવું જોઇએ. મારે લોકોની સેવા કરવી છે. પરંતુ મને યોગ્ય ખાતા આપવામાં આવ્યા નથી જેથી લોકોની સેવા કરી શકું. હું સતત 5 ટર્મથી ચૂંટાતો આવ્યો છું, પરંતુ મને મત્સ્ય ઉદ્યોગ ખાતું આપવામાં આવ્યું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે. જો યોગ્ય ખાતાની ફાળવણી નહીં કરવામાં આવે તો સમાજ કહેશે તેમ કરીશ.'



નીતિન પટેલના પગલે
ગુજરાતમાં વિજય રૂપાણી સરકારની શપથવિધી પછી કરાયેલી ખાતાંની ફાળવણીના કારણે ભારે અસંતોષ વ્યાપેલો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તો ખુલ્લેઆમ બગાવત કરીને ભાજપના હાઈકમાન્ડને ફરીવાર ખાતાની ફાળવણી કરવા ફરજ પાડી હતી અને હવે પરસોત્તમ સોલંકી પણ તેના પગલે ચાલ્યા છે. ગુજરાતના કોળી સમાજના ધારાસભ્યોની સંખ્યા વધારે હોવા છતાં કોળી સમાજમાંથી માત્ર એક જ ધારાસભ્યને મંત્રીપદ અપાયું તે મામલે કોળી સમાજે વિજય રૂપાણીને આંદોલનની ધમકી આપી હતી. રાષ્ટ્રીય કોળી સમાજના યુવા નેતા અને ભાવનગરના પ્રમુખ બળદેવ સોલંકીએ જણાવ્યું હતું કે, કોળી સમાજના 12 ધારાસભ્યો ચૂંટાણા છે, જ્યારે કોળી અને ઠાકોર સમાજના 15 કરતાં વધુ ધારાસભ્યો ચૂંટાયા હોવા છતાં મંત્રી મંડળમાં માત્ર પુરૂષોત્તમ સોલંકીની જ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમ કોળી સમાજને મંત્રી મંડળમાં અન્યાય થયો છે.


ભુપેન્દ્ર સિંહ ચુડાસમાનું ડેમેજ કંટ્રોલ
પરસોત્તમ સોલંકીના આ ધડાકા પછી વગદાર નેતા ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ તેમની મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે 'પરસોત્તમભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરી છે. પરસોત્તમભાઈ અને હું જૂના મિત્રો છીએ. તેઓ બિલકુલ નારાજ નથી પણ પોતાની લાગણી જણાવે છે. કેન્દ્રિય નેતાગીરી આ વિશે વિચારણા કરશે.'