ભાવનગર જિલ્લામાં માઇનિંગને કારણે જમીનમાં અસાધારણ ફેરફાર જોવા મળ્યો, ખેડૂતોમાં ભયનો માહોલ
જમીનો પર કરવામાં આવી રહેલા ડમ્પિંગના કારણે ખેડૂતોની સોના જેવી જમીન નષ્ટ થઈ રહી છે. ડમ્પિંગના કારણે ૪૦ ફૂટ જેટલી જમીન ઉપસી આવી છે જેના કારણે ખેડૂતોમાં ભય ફેલાયો છે.
નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં ઘોઘાનાં બાડી-પડવા લિગ્નાઇટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા માઈનિંગના કારણે આજુબાજુના ગામની જમીનોમાં અસાધારણ ફેરફાર જોવા મળી રહ્યા છે. અહીં જમીનો પર કરવામાં આવી રહેલા ડમ્પિંગના કારણે ખેડૂતોની સોના જેવી જમીન નષ્ટ થઈ રહી છે. ડમ્પિંગના કારણે ૪૦ ફૂટ જેટલી જમીન ઉપસી આવી છે જેના કારણે ખેડૂતોમાં ભય ફેલાયો છે.
ભાવનગર નજીક આવેલા ઘોઘા અને ભાવનગર તાલુકાનાં ગામડાઓની ધરતીનાં પેટાળમાં ખનીજ તત્વોનો વિશાળ ખજાનો છુપાયેલો છે. આ વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી લિગ્નાઇટ માઈનિંગ માટેની અનેક ખાણો આવેલી છે. જોકે આ લિગ્નાઇટ પ્રોજેક્ટનાં કારણે ખેડૂતોની સોના જેવી જમીન ખરાબ થતી હોવાના કારણે ખેડૂતો અને કંપનીઓ વચ્ચે કોઈને કોઈ બાબતોને લઈને વારંવાર વિવાદ ઊભો થતો રહ્યો છે. ઘોઘા અને ભાવનગર તાલુકાના બાડી, પડવા, ખડસલિયા, થોરડી, તગડી, લાખણકા સહિતના અનેક ગામોમાં માઈનિંગનું કામ ચાલી રહ્યું છે. પરંતુ સુરકા ખાતે GMDC અને બાડી-પડવામાં GHCL દ્વારા ચાલતા લિગ્નાઇટ માઈનિંગના કારણે આસપાસના અનેક ગામોની જમીનોમાં ના સમજી શકાય એવા ફેરફાર જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ ખોડલધામમાં બેઠક પૂર્ણ, ઉત્તર ગુજરાતના પાટીદાર નેતાઓએ કહ્યુ, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય
અહીંની જમીન અચાનક 20 થી 40 ફૂટ જેટલી ઉપસી આવી છે. તો અનેક જગ્યા પર જમીન 10 થી 30 ફૂટ જેટલી નીચે ધસી ગઈ છે. છેલ્લા ચાર વર્ષ 2019, 2020, 2021 માં પણ આવી ઘટનાઓ બની હતી, અને હવે 2022 માં પણ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ મામલે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કંપનીઓ ચૂપ છે અને સરકારી વિભાગ પણ આ બાબતે કોઈ નક્કર કારણ શોધી નથી શક્યા. જેથી આજુબાજુના રહેણાંક વિસ્તાર ધરાવતા ગામોના લોકોમાં ફફડાટ ફેલાયો છે. જે જગ્યા પર માઈનિંગ ચાલી રહ્યું છે તેના 500 મીટર એરિયામાં રહેણાંકી વિસ્તાર આવેલો હોવાથી જમીન ધસી જવી કે ઉપસી જવાની ઘટનાને પગલે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
જ્યારે આવી ઘટનાઓના કારણે અહીંના ભૂગર્ભ જળ પર પણ ગંભીર અસરો જોવા મળી રહી છે, આ મામલે પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા સંબંધિત વિભાગને નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે આજુબાજુના 12 જેટલા ગામના લોકોએ લિગ્નાઇટ માઈનિંગનું કામ સ્થગિત કરી દેવા માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube