સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ કેવી ઘાતક નીવડી શકે છે કે તે વલસાડની સગીરાને પૂછો...
- આજે 30 જૂને સોશિયલ મીડિયા દિવસ છે, ત્યારે સોશિયલ મીડિયાની બીજી સાઈડ ઉજાગર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સગીરાની જિંદગી વિખેરાઈ ગઈ છે
ઉમેશ પટેલ/વલસાડ :આજની નવી પેઢી સવારે ઉઠે અને રાત્રે સૂવે તે દરમિયાન તેમને મોબાઈલ વગર એક મિનિટ પણ ચાલતું નથી. સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર મિત્રો અને ફોલોઅર્સ વધારવાની હોડ તેમનામાં લાગેલી હોય છે. આજની નવી પેઢી માટે આભાસી મિત્રો ભારે ઘાતક પણ નીવડી શકે છે. વલસાડના ઉમરગામમાં સ્નેપચેટ પર થયેલી એક મિત્રતાએ એક સગીરાની જિંદગી નરક કરી નાંખી છે.
ઘટનાની વિગતો જોઈએ તો, ઉંમરગામ પોલીસ સ્ટેશનમાં એક પીડિતાના પિતાની ફરિયાદ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉમરગામ પોલીસ સમક્ષ એક સગીર પીડિતાના પિતાએ ફરિયાદ આપી હતી કે, તેની 14 વર્ષીય સગીરા સાથે એક યુવાને દુષ્કર્મ આચર્યું છે. આદિલ અલબલુચી નામના ઈસમે તેમની દીકરીને ભોળવીને એકાંતમાં બોલાવી હતી. સગીર દીકરીને પોતાના ઘરે બોલાવી તેની સાથે અપકૃત્ય કર્યું હતું. ત્યારે સગીરાએ પોતાની સાથે બનેલ આ ઘટનાની જાણ તેના પિતાને કરી હતી. ત્યારે પિતાની આ ફરિયાદને આધારે ઉમરગામ પોલીસે ગણતરીના સમયમાં હેવાન ઈસમ આદિલની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો : હિટ એન્ડ રન : પર્વ શાહ સાથે ભાગેલા મિત્રોને પણ પોલીસે પકડ્યા, હાલ પૂછપરછ શરૂ
આ વિશે વલસાડના એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યુ કે, આ સગીરા આદિલને સ્નેપચેટ નામની સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મળી હતી. આદિલે આ સગીરા સાથે દોસ્તી કેળવી હતી. માત્ર સોશિયલ મીડિયામાં થયેલ પરિચયના આધારે સગીરા આદિલને મળવા તેના ઘરે ગઈ હતી. આરોપી આદિલે પહેલા તો પીડિતા સાથે મીઠી મીઠી વાતો કરી હતી અને ત્યારબાદ એકાંતનો મોકો જોઈને આદિલે તેની સાથે અપકૃત્ય આચર્યું હતું. ઉમરગામ પોલીસે પણ આરોપી આદિલની ગણતરી સમયમાં ઝડપી લીધો છે અને ઉમરગામ પોલીસે આરોપી વિરુદ્ધ પોસ્કોની કલમ લગાવી છે. આરોપીના મેડિકલ ટેસ્ટ બાદ તેને જેલ ભેગો કરાયો છે.
આ પણ વાંચો : રુંવાડા ઉભી કરી દે તેવી પંચમહાલના ભૂતોની વાત, વાત સીધી પોલીસ સ્ટેશન પહોંચી
આ ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસ વડાએ તમામ વાલીઓને પણ એક અપીલ કરી છે કે, તમારા બાળકના સ્માર્ટ ફોન અને તેની ફોનની તમામ પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવી જોઈએ.
માત્ર ગણતરીના સમયમાં સોશિયલ મીડિયાની મિત્રતા યુવક-યુવતીઓ માટે જોખમ બની છે. પોતાના દીકરા અને દીકરીઓને વિના વિચારે મોંઘા અને સ્માર્ટ મોબાઈલ અપાવતા વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. સગીર દીકરા દીકરીઓની મોબાઈલમાં કરવામાં આવતી તમામ હરકતો પર વાલીઓએ નજર રાખવી ખુબ આવશ્યક છે. આ કિસ્સામાં પણ સગીરાની સ્નેપચેટની દોસ્તીએ જીવનમાં ન ભૂલાય તેવું દર્દ આપ્યું છે. જોકે ઉમરગામ પોલીસે સગીરાનું કાઉન્સલીંગ પણ શરૂ કર્યું છે.