રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા જિલ્લા તંત્રએ ઢાઢર નદી અને દેવ નદીના કાંઠાના ગામોને ભારે વરસાદને પગલે એલર્ટ કરાયા છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા વાઘોડિયા અને ડભોઈના ગામોમાં પાણી ફરી વળે તેવી ભીતિ છે. જેથી વાઘોડિયાના 19 ગામો અને ડભોઈના 7 ગામોને એલર્ટ કરાયા છે. તો ઢાઢર નદીના કારણે કરજણના 9, પાદરાના 2, વડોદરા ગ્રામ્યના 11 ગામોને એલર્ટ કરાયા છે. પ્રાંત અધિકારી અને મામલતદારને ગામોમાં જઈ સ્થળનું નિરીક્ષણ કરવા કલેકટરે સૂચના આપી છે. જરૂર પડે તો ગ્રામજનોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા પણ સૂચના આપી છે. તેમજ લોકોને નદી કાંઠે ન જવા, ઢોર ન ચરાવવા પણ સૂચના જાહેર કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવ ડેમના 6 દરવાજા આંશિક ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી પાણીની આવક વધતા હાલોલ તાલુકામાં આવેલાં દેવ નદી પરના દેવ ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવકને પગલે ગેટ નં. ૨, ૩, ૬ અને ૭ ને ૧.૨ મીટર અને ૪ અને ૫ ને ૧.૫ મીટર જેટલા ખુલ્લા રાખીને ૨૪,૫૦૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દેવ નદી આગળ જઈને ઢાઢર નદીને મળે છે. જેને અનુલક્ષીને દેવ અને ઢાઢર કાંઠે આવેલા વડોદરા જિલ્લાના ગામોમાં એલર્ટ રહેવા અને નાગરિકોને સલામત સ્થળ પર ખસી જવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : ગીરના રાજાનો બાહુબલી અંદાજ, ખેડૂતના મકાનની છતને માહિષ્મતી સામ્રાજ્ય સમજીને બેસી ગયો!


ઢાઢર નદી અંગે તાકીદની સૂચના જાહેર કરતું વહીવટી તંત્ર
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઢાઢર નદી જ્યાંથી પસાર થાય છે એ વિસ્તારના પ્રાંત અધિકારીઓ અને મામલતદારો ને તાકીદની સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેકટર અતુલ ગોર દ્વારા આ અધિકારીઓને તકેદારીના તમામ પગલાં લેવા અને નદીકાંઠાના વિસ્તારોની નિરીક્ષણ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી છે. નદી કાંઠાના રહીશોને સાવધ કરવા અને અસરગ્રસ્ત થવાની શક્યતા વાળા તમામ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા જણાવવામાં આવ્યું છે. લોકોને પણ ઢાઢર નદી કાંઠે ન જવા, તટમાં ઉપસ્થિત ન રહેવા, ઢોર ન ચરાવવા અને ભય જણાય તો સલામત સ્થળે ખસી જવા/ તંત્રને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.