માંડવીમાં મેઘરાજા મહેર: બે દિવસમાં 15 ઇંચ વરસાદ, કૃષ્ણ સાગર તળાવ ઓવરફ્લો
જોકે, ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જેથી આ ચોમાસાનો વરસાદ છે. વહેલી સવારે ગાજવીજ સાથે શરૂ થયેલ વરસાદે જોતજોતામાં જોર પકડી લેતા માંડવીમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં આજે લાંબા વિરામ બાદ રવિવારે રજાના દિવસે મેઘરાજાએ મહેર વરસાવી હતી. મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેથી લોકોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. તો બીજી તરફ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટનો અંત આવ્યો છે. જોકે, ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જેથી આ ચોમાસાનો વરસાદ છે. વહેલી સવારે ગાજવીજ સાથે શરૂ થયેલ વરસાદે જોતજોતામાં જોર પકડી લેતા માંડવીમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
માંડવી પર મેઘરાજા વધુ પડતા મહેરબાન થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. છેલ્લા બે દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજીતરફ માંડવી તાલુકાના શીરવા, કાઠડા, નાના લાયજા, મોટા લાયજા, પાંચોટીયા બાયડ, મેરાઉ, ગોધરા, દુર્ગાપુર, મોટી રાયણ, કોડાય, ડોણ, ભાડઈ, બિદડા, મસ્કા, બાગ સહિતના વિસ્તારોમાં પણ 3 થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાત્રે વરસાદના લીધે ઉપરવાસમાંથી પાણી આવવાનું શરૂ થતાં ભુજના હમીરસર તળાવમાં નવા પાણીની આવક ચાલુ થઈ ગઇ છે. તો આ તરફ મુન્દ્રા તાલુકાનાં કારાઘોધા ગામનું કૃષ્ણ સાગર તળાવ ઓવરફ્લો થયું છે.
મુન્દ્રા તાલુકાના ભુજપુર, બોરાણા, કપાયા, સિવાયના ગામડાઓમાં પણ હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. તો ગાંધીધામ, અંજાર, નલીયા સહિતના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા વરસ્યા હતા. જિલ્લાભરમાં વહેલી સવારથી જ વાદળીયો માહોલ સર્જાયો હતો.
જ્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 8 કલાકમા સરેરાશ 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. પોરબંદર તાલુકામા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો રાણાવાવ તાલુકામા પણ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કે, કુતિયાણા તાલુકામા 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube